Aapnu Gujarat
બ્લોગ

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરાજનક બની રહેશે

માનવજાતનાં ઇતિહાસમાં માણસે બે પગે ચાલવાનું શીખ્યુ તે તેનો પહેલો ઐતિહાસિક પડાવ હતો ત્યારબાદ તેણે આગની શોધ કરી અને શિકાર માટે હથિયારોનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો.ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિએ ફરી એકવાર માનવજાતને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જેમાં રેલવેથી માંડીને સુપરસોનિક વિમાનોની શોધે માનવજાતને ઢગલાબંધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.કોમ્પ્યુટરની શોધ એવી જ ક્રાંતિકારી શોધ હતી જે હાલમાં તેની ચરમ સીમાએ છે તેવામાં આગામી સમયમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સને ભવિષ્યની ક્રાંતિ માનવામાં આવે છે જો કે આ શોધ માનવજાત માટે ખતરનાક નિવડી રહેશે તેવું નિષ્ણાંતો માને છે.
હાલમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે ત્યારે કેટલીક પરિસ્થિતિઓ અંગે સવાલ ઉભા કરવામાં આવે છે દા.ત. તમે કાર ડ્રાઇવ કરતા હો અને અચાનક બાળકોનું ગૃપ સામે આવી જાય તો તમે શું કરશો તમારી પાસે બે વિકલ્પ હોય છે કાંતો તમે કાર બાળકો પર ચઢાવી દો કાં તો નજીકની દિવાલમાં અથડાવી દો જેમાં તમારૂ મોત પણ થઇ શકે છે.જો માણસ કાર ડ્રાઇવ કરતો હોય તો તે દિવાલમાં કાર અથડાવી દેવાનો અને બાળકોને બચાવી લેવાનો જ વિકપ્લ પસંદ કરે પણ સેલ્ફ ડ્રાઇવ કાર શું કરશે.તેનો જવાબ એ છે કે તે એ જ કરશે જે તેનાં પ્રોગ્રામમાં હોય છે અને સેલ્ફ ડ્રાઇવિંગ કારનાં નિર્માતાઓનો મુખ્ય ઉદ્દેશ્ય તો કારમાં બેઠેલા પેસેન્જરની સલામતી જ હોઇ શકે છે.આ સવાલે સેલ્ફ ડ્રાઇવિંગ કારનાં નિર્માતાઓને પણ પરેશાન કરી મુક્યા છે.એપલ, ફોર્ડ અને મર્સિડિઝ બેન્ઝ આ પ્રકારની કાર બનાવવાની તૈયારી કરી રહી છે પણ તેઓ આ પ્રકારનાં સવાલોનો યોગ્ય ઉત્તર આપી શકતા નથી.ગુગલે જો કે તેનો સ્પષ્ટ ઉત્તર આપ્યો હતો કે તેમની કાર રોડ પર ચાલતા લોકોને અથડાવી દેવાનાં વિકલ્પને પસંદ નહી કરે પણ તે રોડ પર ચાલી રહેલા અન્ય નાના સાધનોની સાથે અકસ્માત કરવાનું પસંદ કરશે.ગુગલે સેલ્ફ ડ્રાઇવિંગ કારની પેટન્ટ નોંધાવી છે.
હાલમાં રોબોટનો જમાનો ચાલી રહ્યો છે જો કે તેઓ પ્રોગ્રામ અંતર્ગત જ કામ કરે છે પણ આગામી સમયમાં પોતાની રીતે વિચારીને કામ કરનારા રોબોટની શોધ શક્ય છે ત્યારે નિષ્ણાંતો કહે છે કે જો તેમ થશે તો આજે જેમ માણસો પોતાના માલિકો પાસે પોતાનાં અધિકારોની માંગણી કરે છે તેવી જ રીતે રોબોટ પણ પોતાનો ઉપયોગ કરનારા પાસે પોતાનાં અધિકારોની માંગ કરી શકે છે.તે ઘર અને આરોગ્ય ઉપરાંત મતાધિકારની પણ માંગ કરી શકે છે.તેઓ લશ્કરમાં કામ કરવાની અને સિટીઝનશીપની પણ માંગ કરી શકે છે.સેમસંગ ટેકવિન અને કોરિયા યુનિવર્સિટીએ સહયોગ વડે એસજીઆર એ૧નું નિર્માણ કર્યુ છે જેને કિલર રોબોટ તરીકે ઓળખવામાં આવે છે.જે વિશાળ મશીનગન છે અને તેના પર મોટા સર્વિલન્સ કેમેરા લગાવાયા છે જેનાથી તે ઇચ્છિત ટાર્ગેટને ઓટોમેટિક નિશાન બનાવી શકે છે.આ ગનનો ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયામાં ઉપયોગ થાય છે.જો કે દક્ષિણ કોરિયા ઓટોમેટિક કિલર ગનનો ઇન્કાર કરે છે તેના જણાવ્યા અનુસાર તેમની ગન સેમીઓટોમેટિક મોડ ધરાવે છે જેમાં તે ટાર્ગેટને તો નક્કી કરે છે પણ તેને વિંધવા માટે તે ઓપરેટરની પરવાનગી માંગતી હોય છે.
૨૦૧૧માં ઇરાનનાં હાથમાં અતિ ગુપ્ત આરકયુ ૧૭૦ સેન્ટીનલ સ્ટીલ્થ ડ્રોન હાથ લાગ્યું હતું જે અમેરિકાનું હતું.જો કે અમેરિકાએ એ વાતનો ઇન્કાર કર્યો હતો.ડ્રોન, જીપીએસ અને રોબોટસ કોમ્પ્યુટર આધારિત છે અને કોમ્પ્યુટરને હેક કરી શકાય છે તે આપણે જાણીએ છીએ.જ્યારે યુદ્ધનાં મેદાનમાં વોર રોબોટ કામ કરતા હોય ત્યારે શક્ય છે કે દુશ્મન આર્મી તેમને હેક કરવાનો પ્રયાસ કરે અને તેમનો ઉપયોગ તેમનાં જ લશ્કર વિરૂદ્ધ કરે.જો કે હાલમાં યુદ્ધનાં મેદાનમાં વોર રોબોટનો ઉપયોગ થતો નથી એટલે તેમને હેક કરવાનાં પ્રયાસો અંગે ચોક્કસ કશું કહી શકાય નહી પણ જો એ વાત શક્ય થાય તો કલ્પના કરો કે શું થઇ શકે છે.
દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટી અને ઇન્ડિયાનાં યુનિવર્સિટીએ એક રિસર્ચ હાથ ધર્યુ હતું જેમાં કહેવાયું હતું કે લગભગ પંદર ટકા ટવીટર એકાઉન્ટ બોટસ દ્વારા સંચાલિત છે.જો કે ટ્‌વીટરનાં જણાવ્યા અનુસાર આંકડો ૮.૫ ટકા છે.જો કે એ સ્પષ્ટતા જરૂરી છે કે તમામ બોટસ ખરાબ નથી કેટલાક તો ઘણાં ઉપયોગી છે જેમાંનાં કેટલાક તો માણસોને કુદરતી આપત્તિઓ અંગે ચેતવણી આપે છે જો કે કેટલાકનો દુષ્પ્રચાર અંગે પણ ઉપયોગ થાય છે.ખાસ કરીને રશિયા તેનો આ પ્રકારે ઉપયોગ કરે છે.આ બોટસ ખાસ પ્રકારની સ્થિતિમાં ટવીટરનો વધારે ઉપયોગ કરતા હોય છે અને ક્યારેક તેઓ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.હાલમાં ચુંટણીનો સમય ગાળો છે ખાસ કરીને ભારતમાં જ્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે આ પ્રકારનાં બોટસ વધારે સક્રિય થવાની શકયતા છે.જો કે રશિયાની ચાલાકી પકડાયા બાદ તેણે હવે સાયબોર્ગ એકાઉન્ટનો ઉપયોગ કરવો શરૂ કર્યો છે.પરિણામે ટવીટર તેને સહેલાઇથી ખોળી શકતું નથી અને તેના પર પ્રતિબંધ લગાવી શકતું નથી.જ્યારથી યંત્રયુગનો આરંભ થયો છે ત્યારથી જ અનેક કામો યંત્રો જ કરતા થઇ ગયા છે અને આગામી સમયમાં તો જ્યાં જ્યાં માણસોની જરૂર છે તે તમામ સ્થળોએ રોબોટ કામ કરતા થઇ જવાની શકયતાઓમાં વધારો થઇ ગયો છે.પ્રાઇસવોટર હાઉસ કુપર્સે આ અંગે આંકડાઓ રજુ કરતા જણાવ્યું હતું કે રોબોટ જાપાનમાં ૨૧ ટકા, યુકે માં ૩૦ ટકા, જર્મનીમાં ૩૫ ટકા અને અમેરિકામાં ૩૮ ટકા નોકરીઓ પર ૨૦૩૦ સુધીમાં કબજો કરી લેશે અને આગામી સદીમાં તો અડધોઅડધ કામ તેઓ જ કરતા થઇ જશે.સૌથી વધારે અસર ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ ક્ષેત્રને થશે જ્યાં ૫૬ ટકા કામ મશીન કરતા થઇ જશે.ત્યારબાદ મેન્યુફેકચરમાં ૪૬ અને રિટેલ સ્ટોરમાં ૪૪ ટકા મશીન કામ કરશે.કહેવાયું છે કે ૨૦૨૭ સુધીમાં તો રોબોટ ટ્રક ચલાવવાનું કામ કરતા થઇ જશે અને રિટેલ સ્ટોરનું કામ તેઓ ૨૦૩૧થી સંભાળતા થઇ જશે.૨૦૪૯માં તેઓ પુસ્તકો લખતા અને ૨૦૫૩માં સર્જરી કરતા થઇ જશે.
દગો આપવો, વિશ્વાસઘાત કરવાનું કામ આમ તો માણસનું છે પણ જો રોબોટ પણ આ કામ કરતા થઇ જાય તો…જ્યોર્જિયા ટેકનોલોજી ઇસ્ટીટ્યુટે એવી અલ્ગોરિધમ તૈયાર કરી હતી જેથી રોબોટ પોતે જ નક્કી કરી શકે કે તે અન્ય રોબોટ કે માણસને દગો આપે કે નહી.તેના પ્રયોગોમાં જણાયું હતું કે રોબોટે ખોટી માહિતી આપી હતી અને છેતરવાનું કામ કર્યુ હતું.
અહેવાલ અનુસાર એપલ, ફેસબુક, ટવીટર, સેમસંગ અને ગુગલે ઓકટોબર ૨૦૧૬ સુધીમાં ૧૪૦ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખરીદી પાંચ વર્ષનાં ગાળામાં કરી છે.૨૦૧૭નાં આરંભિક ગાળામાં ટેક કંપનીઓએ ૩૪ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપની ખરીદી કરી છે.મોટી કંપનીઓ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારે પ્રમાણમાં ખર્ચ કરી રહી છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બે વિભાગમાં વહેચવામાં આવે છે એક મજબૂત અને બીજુ નબળી.જેમાં એકમાં સ્માર્ટ આસિસ્ટન્ટ હોય છે જે ચેસ માસ્ટર્સને હરાવી શકે છે.એક બુદ્ધિમત્તાની સરખામણીમાં નબળા હોય છે જ્યારે સ્ટ્રોંગ આસિસ્ટંટ માણસો જેવા જ હોય છે.જો કે સશક્ત આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી અત્યારે પણ તેમને પ્રોગ્રામ કરવાની જરૂર પડે છે અને તેમનાં પર માણસોનો કબજો છે પણ વૈજ્ઞાનિકો જણાવે છે કે આગામી દસ વર્ષમાં માણસોની જેમ જ વિચારતા અને કામ કરતા રોબોટ આવી જશે.
ટર્મિનેટર ફિલ્મમાં દર્શાવાયું હતું કે કેવી રીતે રોબોટ માનવજાતનો સફાયો કરી શકે છે.આ ચેતવણી કોઇ સામાન્ય વૈજ્ઞાનિકે આપી નથી પણ સ્ટીફન હોકિંગ, એલન મસ્ક અને બિલ ગેટસ જેવા દિગ્ગજોએ ઉચ્ચારી છે.એલન મસ્ક તો રોબોટનાં વધારે પડતા ઉપયોગને દૈત્યને આમંત્રણ સમાન ગણાવી તેને માનવજાત માટે ખતરાજનક ગણાવે છે.તેઓ માને છે કે નફા માટે કંપનીઓ કોઇ મુર્ખામીજનક પગલું ભરે તે પહેલા સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં વિકાસ માટે નીતિ ઘડવી જોઇએ.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

aapnugujarat

ગાંધીજીનું જીવન ચરિત્ર

editor

HAPPY MORNING

aapnugujarat

Leave a Comment

UA-96247877-1