Aapnu Gujarat
ગુજરાત

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત થવાનું છે સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડનું સ્થળ અને વિસ્તાર તો જાણે લોખંડી સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયા છે. સમગ્ર વિસ્તારની ફરતે અભેદ્ય સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. ખુદ રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ સ્થળની સમીક્ષા કરી સ્પષ્ટ કર્યું હતું કે, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇ કોઇપણ કચાશ રાખવામાં આવી નથી. સુરક્ષાના તમામા પાસાઓ ચેક કરી લેવાયા છે. આ એક ગૌરવશાળી અને સૌપ્રથમ પ્રસંગ છે કે, જયારે કોઇ દેશના વડાપ્રધાન સીધા ગુજરાતની મુલાકાતે આવતા હોય અને અહીંથી જ સીધા પોતાના વતન ફરવાના હોય. સાબરમતી ખાતે જયાં બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં એક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં વીવીઆઇપી, વીઆઇપી અને આમંત્રિત મહેમાનો સહિતના લોકો માટે વિશેષ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે સાથે બંને દેશોના વડાપ્રધાનના સ્વાગત, સભા સહિતની બાબતોને લઇ અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. તો, સમગ્ર સાબરમતી વિસ્તારમાં અને ખાતમૂર્હુતના સ્થળે તો લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે. આશરે ૧૫૦૦થી વધુ સલામતી જવાનોને બંને મહાનુભાવોની મુલાકાતને લઇ સુરક્ષામાં ખડેપગે તૈનાત કરાયા છે. દરમ્યાન રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડ, ગાંધીનગર મહાત્મા મંદિર સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ સુરક્ષાની ખાસ સમીક્ષા કરી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ જાણી ખરાઇ કરી હતી.
ગૃહપ્રધાને જણાવ્યું કે, બંને દેશના મહાનુભાવોની મુલાકાતને લઇ સુરક્ષા વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી. સુરક્ષાના મુદ્દે કોઇ બાંધછોડ કરાશે નહી. તેમણે ઉમેર્યું કે, મહાત્મા મંદિર ખાતે પણ એક આઇજીપી, છ એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ૧૮૦૦થી વધુ સુરક્ષા જવાનો અને ૩૦૦ જેટલા સીસીટીવી સર્વેલન્સ થકી લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવાઇ છે. તમામ સુરક્ષા જવાનોને એલર્ટ અને એકેએક હિલચાલ ને ગતિવિધિ પર ચાંપતી નજર રાખવા કડક સૂચનાઓ જારી કરાઇ છે.

Related posts

હાથમાંથી મોબાઇલ ઝુંટવી જતા બે યુવક પકડાયા

aapnugujarat

નિવૃત્ત આઈએએસ અધિકારી પી.કે.વાલેરાનું અવસાન

aapnugujarat

વિઠલાપુર પોલીસે કડીની કુખ્યાત કોંબ્રા ગેંગના શખ્સો ઝડપ્યા

editor

Leave a Comment

UA-96247877-1