Aapnu Gujarat
ગુજરાત

સ્વયંસેવકોએ અંતરિયાળ વિસ્તારમાં જઇ જરૂરિયાતમંદ લોકોને લાભો મળે તેવા પ્રયત્નો કરવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

રાજપીપલા ડૉ. આંબેડકર ભવન ખાતે કેન્દ્ર સરકાર યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર દ્વારા આયોજિત અને નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા સંચાલિત ૧૫ દિવસીય રાષ્ટ્રિય યુવા સ્વયં સેવકોની ઇન્ડક્શન તામલી શિબિરના આજે સમાપન પ્રસંગે ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, રાજ્ય નિયામક શ્રીમતિ અનિતાબેન ભારતી, નહેરૂ યુવા કેન્દ્ર નર્મદાના યુથ કો-ઓર્ડીનેટરશ્રી વી.બી. તાવડે વગેરે મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

          ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ અંતરિયાળ જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ આ સ્વયંસેવકોએ કરવાનુ છે. આદિવાસી સમાજ સરકારી યોજનાઓ અંગે જાગૃતતા કેળવે અને લાભ લેતો થાય તે માટે સ્વયં સેવકોએ અંતરિયાળ વિસ્તારમાં જઇ જરૂરિયાતમંદ લોકોને લાભો મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. રાષ્ટ્ર અને સમાજના વિકાસ માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સિધ્ધ કરવા કામે લાગી જવા જણાવ્યું હતું. યુવાનોને વ્યસનો તરફ ન વળવા તથા આદર્શ જીવન થકી વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્વામી વિવેકાનંદના જીવન પરથી પ્રેરણા લઇ રાષ્ટ્રની સેવા માટે આગળ વધવા શુભેચ્છા વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૧૨ જિલ્લાના સ્વયં સેવકોએ ૧૫ દિવસની ઉત્તમ કક્ષાની તાલીમ મેળવી છે. આ તાલીમનો આશય સરકારની વિવિધ યોજનાઓના લાભો અંતરિયાળ જરૂરિયાત મંદ સુધી પહોંચાડવાની છે. સરકાર અને લોકો વચ્ચેની અગત્યની કડીરૂપ કામગીરી આ સ્વયં સેવકો દ્વારા થવાની છે. ત્યારે ઘણા નકારાત્મક અનુભવો પણ થનાર છે. ત્યારે હકારાત્મક વલણ અપનાવી સફળતા પ્રાપ્ત થાય તેવું કામ કરવાની તેમણે શીખ આપી હતી. આ તાલીમમાં બહેનોએ આગળ આવી જે આ કામગીરી સ્વીકારી છે. તેમના કુટુંબીજનોને પણ શ્રી નિનામાએ અભિનંદન આપ્યા હતા. એક ફિલ્મમાં એરહોસ્ટેસે જાતના ભોગે બહાદુરીપૂર્વક આતંકવાદીઓ સામે ઉમદા કામગીરી કરી તેના ઉદાહરણ સાથે સારામાં સારી કામગીરી જાતના ભોગે પણ કરવા તથા મનથી નક્કી કરી કામગીરી કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું હતું. લક્ષ્ય સિધ્ધ કરવા બાઝ બની ધ્યેય પ્રાપ્તિ માટે લડવાની શ્રી નિનામાએ હિમાયત કરી હતી.

આ પ્રસંગે ૧૨ જિલ્લામાંથી આવેલા સ્વંય સેવકોને તાલીમના પ્રમાણપત્રો, વિવિધ તજજ્ઞો અને રક્તદાન કરનાર યુવક-યુવતિઓને પ્રમાણપત્રો એનાયત કરી ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.

નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ૧૨ જિલ્લાઓના આશરે સૌથી વધારે સ્વયં સેવકોને રાષ્ટ્રિય યુવા સ્વયં સેવક યોજના, રાષ્ટ્રિય વિમા યોજના, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક યોજના, રાષ્ટ્રીય યુવા નીતી, રાષ્ટ્રીય સેવા યોજના, યુવા વિકાસ માટે સરકારી એજન્સી અને યોજનાઓ, ગુજરાતમાં યુવા વિકાસ પરિસ્થિતિ અને સમસ્યાઓ, યુવાઓનું પોતાના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના યુવા વિકાસ અને પોતાની ભૂમિકા, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ભુવન એપ્સ, નરેન્દ્ર મોદી એપ્સ, પ્રેઝન્ટેશન અને રીપોર્ટીંગ, નિયમિત અને સંકલિત કાર્યક્રમો, યોગા, વ્યક્તિત્વ વિકાસ અને સકારાત્મક વલણ, સદભાવ અને સમાનતા, સરકારશ્રીની યોજનાઓ અને કાર્યક્રમો, સ્વચ્છ ભારત મિશન, સંવિધાન અને રાષ્ટ્ર ધ્વજ પરત્વે સન્માન, રક્તદાન  વગેરે વિષયો ઉપર ૧૫ દિવસ સુધી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, વિવિધ શૈક્ષણિક-સહકારી સંસ્થાઓ, વિવિધ ક્ષેત્રમાંથી આવેલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

૧૫ દિવસીય તાલીમ શિબિર દરમિયાન તાલીમાર્થીઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- દેડીયાપાડા, માલ-સમોટ ઇકો-ટુરીઝમ કેન્દ્ર, સરદાર સરોવર ડેમ, હાઇડ્રોપાવર સ્ટેશન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધારીખેડા સુગર જેવા વિવિધ સ્થળોના પ્રવાસ સાથે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી. જ્યારે કોમ્પ્યુટર શિક્ષણ, રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધ કૌશલ્યો પણ આ તાલીમાર્થી ભાઇ-બહેનોએ રજુ કર્યા હતા.

વિવિધ જિલ્લામાંથી આવેલા સ્વયં સેવક ભાઇ-બહેનોએ તાલીમ દરમિયાનના તેમના અનુભવો રજુ કર્યા હતા. જ્યારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગર નહેરૂ યુવા કેન્દ્ર-રાજય ડાયરેક્ટર શ્રીમતી અનિતાબેન ભારતીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે અંતમાં નહેરૂ યુવા કેન્દ્ર – નર્મદાના યુથ કોર્ડીનેટર શ્રી વી.બી. તાવડેએ આભારવિધિ સંપન્ન કરી હતી. કાર્યક્રમના સમાપનમાં સૌએ ઉભા થઇ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્રના શ્રી ચન્દ્રકાન્તભાઇ વણકર, શ્રી યોગેશભાઇ પટવારી તથા શ્રી બિપિનભાઇ જોશી, યોગ ગુરૂ શ્રી ગૌરીશંકર દવે, તાલીમાર્થી સ્વયં સેવક ભાઇ-બહેનો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

ઓઢવ ચિલ્ડ્રન હોમમાંથી ફરાર સગીરાઓને પરત લવાઇ

aapnugujarat

કોંગ્રેસ પાટીદારોને ૨૦ ટકા અનામત આપવા તૈયાર

aapnugujarat

જો હું ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને મળ્યો હોત તો ભાજપ જીતી ના હોતઃ હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1