એપલ હવે વિશ્વની ટોપ સેલર સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. અમેરિકન કંપનીએ છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા સેમસંગના દબદબાનો અંત લાવી દીધો છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પના રિપોર્ટ પ્રમાણે 2023માં એપલનો માર્કેટ શેર 20 ટકા રહ્યો હતો અને આ સાથે તે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન સેલર કંપની બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ ટોચની ત્રણ કંપનીઓમાં એપલ એકમાત્ર એવી કંપની હતી જેણે હકારાત્મક વૃદ્ધિ દર્શાવી હતી. ડેટા મુજબ એપલે ચોથા ક્વાર્ટરમાં 80.5 મિલિયન આઈફોન યુનિટ્સ વેચ્યા હતા જે 11.6 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ 2023માં સેમસંગનો માર્કેટશેર 19.4 ટકા રહ્યો હતો. ત્યારપછી ચાઈનાની કંપની શાઓમી, ઓપ્પો અને ટ્રાન્સનનો નંબર આવે છે. Xiaomi 12.5 ટકા બજાર હિસ્સા સાથે ત્રીજા સ્થાને રહી હતી.