US H-1B Visa fee hike: અમેરિકન સરકાર દ્વારા H-1B વિઝા અને ગ્રીન કાર્ડની ફીમાં વધારો કરવા માટે કેટલાક સમયથી વિચારણા ચાલતી હતી. હવે આખરે ફી વધારાને મંજૂરી મળી ગઈ છે. તેના કારણે H-1B વિઝા માટે અરજદારોએ 70 ટકા વધારે ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત લોટરી ફીમાં પણ 2050 ટકા જેટલો તગડો વધારો કરવામાં આવશે. ફીમાં મોટા વધારા અંગે વ્હાઈટ હાઉસ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને પછી વધારો સ્વીકારવામાં આવ્યો છે.
હવેથી H-1B સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વિઝા માટેની રજિસ્ટ્રેશન ફી વધીને 215 ડોલર થઈ જશે. એટલે કે અગાઉની તુલનામાં ફીમાં 40 ટકાનો વધારો થશે. આ તમામ ફી વધારાનો મોટા ભાગનો બોજ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝા અરજકર્તાઓના ખભે આવવાનો છે. અસલમાં જાન્યુઆરી 2023માં જ તમામ પ્રકારના વિઝા અને ગ્રીન કાર્ડની ફી વધારવાનો પ્લાન હતો, પરંતુ પછી તેને એક વર્ષ માટે મોકુફ રાખવામાં આવ્યો હતો. હવે ફી વધારવી જ પડે તેમ છે.
વિઝા માટે લોટરીનો દુરુપયોગ થતો હોય છે તેના કારણે H-1B કેપ લોટરીની ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવામાં આવશે. આ ઉપરાંત પસંદ કરાયેલા લાભાર્થીઓની અરજી માટેની ફી પણ 70 ટકા વધીને 780 ડોલર થવાની શક્યતા છે. માર્ચ 2024માં અમેરિકામાં FY 2025 માટે H-1B કેપ સિઝન શરૂ થશે ત્યારે તેમાં ફી વધારાની અસર જોવા મળશે.
અમેરિકન ઈમિગ્રેશન એજન્સીએ એચ -1 બી એપ્લિકેશન માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી વધારવાની જાહેરાત કરી દીધી છે. 26 ફેબ્રુઆરીથી ફી 12 ટકા વધીને 2805 ડોલર થઈ જશે. જે એમ્પ્લોયર્સ એચ-1બી અરજીઓને સ્પોન્સર કરવા માગતા હશે તેમણે વધારાના ખર્ચને ધ્યાનમાં લેવો પડશે. અમેરિકાએ સિટિઝનશિપ માટેની ફી પણ વધારવાની વિચારણા શરૂ કરી છે જેથી આ ફી 640 ડોલરથી વધીને 760 ડોલર થશે. એટલે કે તેમાં 19 ટકાનો વધારો થઈ શકે છે.
ઈન્વેસ્ટમેન્ટ લિંક્ડ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાં ભાગ લેતા ઈબી-5 ઈન્વેસ્ટરો માટે પણ ફીમાં મોટો વધારો થવાનો છે. તે મુજબ I-526 પિટિશન ફી 204 ટકા વધીને 11,160 ડોલર થઈ જશે જ્યારે પર્મેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ દૂર કરવા માટેની આઈ-829 પિટિશન ફી 148 ટકા વધીને 9535 ડોલર કરવામાં આવશે. એક વખત આ નવી ફી સત્તાવાર રીતે અમલમાં આવે ત્યાર પછી તેની વાસ્તવિક અસર જાણી શકાશે. અમેરિકાના જુદા જુદા વિઝા માટેની ફીમાં મોટો વધારો કરવામાં આવે તેનો ઘણો વિરોધ થયો હતો. કારણ કે તેનાથી સૌથી વધારે અસર એવા એમ્પ્લોયર પર થશે જેઓ પોતાના સ્ટાફને વિદેશથી અમેરિકા લાવવા માગે છે. આ ફી વધારો એક વર્ષ સુધી ટાળવામાં આવ્યો હતો અને ત્યાર પછી અત્યાર સુધીમાં વધેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને નવા દર નક્કી કરવામાં આવ્યા છે.