છેલ્લા કેટલાક સમયથી એવી વાતો સંભળાઈ રહી છે કે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)એ ભારતીય કામદારોને વર્ક વિઝા ઈશ્યૂ કરવાનું બંધ કરી દીધું છે. કંપનીઓ જ્યારે ઈન્ડિયન વિઝા માટે અરજી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને મેસેજ મળે છે કે એમ્પ્લોયીને હાયરિંગ કરતી વખતે ડેમોગ્રાફિક વૈવિધ્ય મેળવવાનો પ્રયાસ કરો. યુએઈની ઘણી કંપનીઓ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશથી કર્મચારીઓને પોતાને ત્યાં લાવવા માંગે ત્યારે તેમના માટે પણ વિઝા મેળવવા મુશ્કેલ બની ગયા છે એવું કહેવાય છે. આ વિશે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે ભારતીયોને વર્ક વિઝા આપવાનું બંધ કરવામાં આવ્યું તે વાત તદ્દન ખોટી છે. તેઓ કોઈ ચોક્કસ દેશના લોકો યુએઈ ન આવે તેવું નથી ઈચ્છતા. પરંતુ ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશથી જ લોકો યુએઈ આવે તેના બદલે કામદારોમાં વૈવિધ્ય અથવા ડાઈવર્સિટી આવે તે માટે એક મેસેજ આપોઆપ જનરેટ થાય છે.
UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં સાત અમીરાત સામેલ છે અને તે એક ફેડરેશન છે. તેમાં અબુ ધાબી, અજમાન, દુબઈ, ફુજૈરા વગેરેનો સમાવશ થાય છે. તેમાં પણ અબુ ધાબી અને દુબઈમાં રિયલ એસ્ટેટથી લઈને તમામ પ્રકારના બિઝનેસ અને વ્યવસાયોમાં ભારતીયો મોટી સંખ્યામાં છે.
UAE પોતાને ત્યાં અલગ અલગ દેશના લોકો કામ કરવા આવે તેમ ઈચ્છે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કંપનીઓને સૂચના આપી છે કે વર્ક પ્લેસમાં વિવિધતા જોવા મળે તે માટે 20 ટકા વિઝા એવા લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે જેના લોકો યુએઈમાં બહુ ઓછા પ્રમાણમાં છે. દેખીતી રીતે જ મોટા ભાગના લોકો ભારત, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના છે તેના કારણે તેમનો ક્વોટા ઝડપથી ભરાઈ જાય છે.
યુએઈની ઓથોરિટીએ કંપનીઓને સૂચના આપી છે કે 20 ટકા ડાઈવર્સિટી રેટનો ક્વોટા ભરાઈ જાય ત્યાર પછી તેઓ ઈચ્છે તે દેશના લોકોના વર્ક વિઝા માટે એપ્લાય કરી શકે છે. ઓથોરિટીનું કહેવું છે કે કામના સ્થળ પર અલગ અલગ દેશોના લોકો કામ કરે તે એક વૈશ્વિક પ્રથા છે અને તે કોઈ ચોક્કસ દેશની વિરુદ્ધ નથી.
જોકે, UAEમાં કામના સ્થળે ડાઇવર્સિટી લાવવાનો નિયમ એક સરખી રીતે લાગુ નહીં થાય. આ નિયમમાંથી ફ્રી ઝોનની કંપનીઓ, ડોમેસ્ટિક વર્કર્સ, પાર્ટનર વિઝા અને રોકાણકારોને બાકાત રાખવામાં આવ્યા છે.
UAEમાં લગભગ 39 લાખ જેટલા ભારતીય કામદારો રહે છે અને તેઓ અહીં વર્ષોથી કામ કરે છે. યુએઈમાં દરેક પ્રકારની કંપનીઓ અને કામના વાતાવરણમાં ભારતીયો મોટી સંખ્યામાં જોવા મળશે. એટલું જ નહીં, UAEની કુલ વસતીમાં પણ ભારતીયો 38 ટકા હિસ્સો ધરાવે છે.