ઓસ્ટ્રેલિયાએ તેની માઈગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારની શરૂઆત કરી છે. તેના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝાની અરજીઓ પર કામ અટકાવી દીધું છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં જે લોકો 50 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 33 લાખ અમેરિકન ડોલર ઈન્વેસ્ટ કરે તેમને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝા મળી જતા હોય છે. પરંતુ હવે ઈમિગ્રેશનના નિયમોમાં સુધારા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ હવે વધારે સ્કિલ્ડ લોકો આવે તેવી પોલિસી ઘડવાની શરૂઆત કરી છે.
ધનાઢ્ય લોકો માટે લાખો ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરીને ઓસ્ટ્રેલિયામાં કાયમ માટે વસવાટનો અધિકાર મેળવવો સરળ હતો. પરંતુ હવે અચાનક ગોલ્ડન વિઝાની પ્રોસેસ અટકાવી દેવાઈ છે. ઓસ્ટ્રેલિયન સરકારનું કહેવું છે કે તે એવી નીતિ ઘડશે જેમાં દેશને ફાયદો થાય.
ઘણા લોકોએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં ટેલેન્ટેડ લોકોને એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી પડે છે જ્યારે ધનાઢ્ય લોકો સહેલાઈથી આવી જાય છે અને તેઓ દેશને કોઈ ફાયદો પણ નથી કરાવતા. આ ઉપરાંત વિદેશીઓ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝા માટે જે ફંડ ઈન્વેસ્ટ કરે છે તે મોટા ભાગે રિયલ એસ્ટેટ અથવા ફાઈનાન્શિયલ એસેટમાં રોકવામાં આવે છે જેનાથી ઈકોનોમીને ડાયરેક્ટ ફાયદો નથી થતો.
ઓસ્ટ્રેલિયન હોમ મિનિસ્ટર ક્લેર ઓ નિલે જણાવ્યું કે આટલા વર્ષોથી અમે જે વિઝા આપતા હતા તેનાથી દેશને કોઈ ફાયદો થતો ન હતો. હવે નવી માઈગ્રેશન સિસ્ટમની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં સેન્ટર-લેફ્ટ તરફી લેબર સરકાર છે જેણે નવા લોકોનું આગમન ઘટીને કોવિડ અગાઉના સ્તરે પહોંચી જાય તેવા પ્રયાસ કર્યા છે. તેના ભાગરૂપે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવાયા છે, સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભણવા આવતા વિદ્યાર્થીઓ નાણાકીય રીતે વધારે સક્ષમ હોય તેવી માંગ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક દ્વારા પણ ગોલ્ડન વિઝા પ્રોગ્રામની ટીકા કરવામાં આવી છે જે માત્ર ધનાઢ્ય લોકો માટે ઉપયોગી છે. કારણ કે લાખો ડોલર ઈન્વેસ્ટ કરીને ઓસ્ટ્રેલિયા આવતા લોકો પાસેથી ટેક્સ રૂપે બહુ ઓછી આવક થાય છે અને તેમને સર્વિસ આપવામાં સરકારને વધુ મોટો ખર્ચ થાય છે.