અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા ભારતીય એક્સપર્ટ્સ માટે બહુ મહત્ત્વના અને આનંદદાયક સમાચાર છે. અમેરિકાએ H-1B વિઝાનું ડોમેસ્ટિક સ્તરે રિન્યુઅલ ડિસેમ્બર મહિનાથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેથી H-1B વિઝાધારકોએ હવે વિઝા રિન્યૂ કરાવવા માટે અમેરિકાની બહાર જવાની જરૂર નથી. તેના કારણે તેમનો સમય અને રૂપિયા બંનેની બચત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જૂન મહિનામાં અમેરિકા ગયા ત્યારે જ આ પાઈલટ પ્રોગ્રામની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે વિઝા સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી જુલી સ્ટફે જણાવ્યું કે ભારતમાં વિઝાની ડિમાન્ડ ઘણી ઊંચી છે. અમેરિકન વિઝા માટે છ, આઠ કે 12 મહિનાનો વેઈટિંગ પિરિયડ ચાલે છે જે. અમે આ સ્થિતિ ચાલુ રાખવા નથી માગતા કારણ કે ભારત અમારા માટે મહત્ત્વનો દેશ છે.
H-1B વિઝા મોટા ભાગે ટેક્નોલોજી સેક્ટરના લોકો માટે હોય છે જેનો સૌથી વધુ ઉપયોગ ભારતીય એક્સપર્ટ્સ કરે છે. પરંતુ H-1B વિઝાને જ્યારે રિન્યૂ કરવાનું આવે ત્યારે તેમણે અમેરિકા છોડીને થોડા સમય માટે બહાર જવું પડે છે. જોકે, હવે અમેરિકામાંથી જ H-1B વિઝાને રિન્યૂ કરાવી શકાશે. વિઝા રિન્યુઅલની પ્રોસેસ એકદમ સરળ બનશે.