Aapnu Gujarat
ગુજરાત

મસ્જિદના લાઉડસ્પીકર પર 10 મિનિટ અઝાન ચાલે તેને ઘોંઘાટ ન કહેવાય : GUJARAT HIGH GOURT

મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે લાઉડસ્પીકર પર 10 મિનિટ માટે અઝાન ચાલે તેને ધ્વનિ પ્રદૂષણ ગણી શકાય નહીં. આમ કહીને હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ સામેની જાહેર હિતની અરજી રદ કરી દીધી છે. ગાંધીનગરના એક ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા કોર્ટમાં આ PIL દાખલ કરવામાં આવી હતી જેને ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મયીની બેન્ચે ફગાવી દીધી છે. ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિની હોસ્પિટલ નજીક એક મસ્જિદ છે, જેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવતી હોવાથી ડોક્ટરે વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે લાઉડ સ્પીકરના અવાજના કારણે તેમના દર્દીઓને તકલીફ પડતી હતી.

પરંતુ કોર્ટ તેમની દલીલ સાથે સહમત નથી થઈ. હાઈકોર્ટે કહ્યું કે અઝાન 10 મિનિટની અંદર પૂરી થઈ જાય છે તેથી તેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ થાય તેને ઘોંઘાટ ગણી ન શકાય. છતાં અરજકર્તા ઈચ્છે તો રાજ્ય સરકારના સત્તાવાળા સમક્ષ જઈ શકે છે.
બેન્ચે કહ્યું કે લાઉડસ્પીકર દ્વારા કોઈ માનવીનો અવાજ એટલા બધા ડેસિબલનો થઈ જાય કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય અને લોકોના આરોગ્યને અસર થાય તે વાત માનવામાં આવતી નથી. તેથી મસ્જિદોમાં અઝાન માટે લાઉડ સ્પીકર પર પ્રતિંબંધ મૂકવાની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નથી.
અરજદારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર પર જ્યારે દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવે ત્યારે આસપાસના લોકોને તકલીફ પડે છે અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. ખાસ કરીને રાત્રીના સમયે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના કારણે નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ખલેલ પહોંચે છે. જોકે, સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા આ દલીલો માન્ય રાખવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે અઝાનના કારણે કેટલા ડેસિબલનું ન્યુસન્સ થાય છે અને તેનાથી જાહેર આરોગ્યને કેવી રીતે નુકસાન થાય છે તે સમજાવવામાં અરજકર્તા નિષ્ફળ ગયા છે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અરજકર્તા ઈચ્છે તો રાજ્ય સરકારના સત્તાવાળા સમક્ષ જઈ શકે છે. તેમને યોગ્ય લાગશે તો લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરાવશે. તેના જવાબમાં અરજદાર તરફથી એમ કહેવામાં આવ્યું કે તેમણે પોલીસ સહિત સરકારના જુદાજુદા વિભાગોમાં ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. તેથી તેમણે નાછુટકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી પડી છે. જોકે, હાઈકોર્ટે તેમને યોગ્ય ઓથોરિટી પાસે જ રજુઆત કરવા માટે જણાવ્યું હતું.
ડોક્ટર પ્રજાપતિના વકીલે દલીલ કરી હતી કે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ છે. આ દલીલ સાથે કોર્ટ સહમત થઈ ન હતી. તેણે કહ્યું કે 10 મિનિટ માટે અઝાન કરવામાં આવે તેનાથી લોકોના આરોગ્યને અસર થાય છે તેવા કોઈ વૈજ્ઞાનિક આધાર આપવામાં આવ્યા નથી. તમે ઓથોરિટી પાસે જાવ અને તેમને લાઉડસ્પીકરનો ઉપયોગ રોકવા માટે કહો.

ગુજરાતમાં અગાઉ પણ લાઉડસ્પીકર પર અઝાનના મુદ્દે કોર્ટમાં અરજીઓ થયેલી છે જેમાં ગયા વર્ષે કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી હતી. તે વખતે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી થતા ઘોંઘાટ અને લગ્નસમારોહમાં બેન્ડવાજાના કારણે થતા ઘોંઘાટ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

Related posts

મેટ્રો રેલ નજીકના બધાં રસ્તા ૧૫ દિવસમાં રિપેર કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

રાધનપુરમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

અમદાવાદમાં વિશ્વ આયુર્વેદ સંમેલન ૧૪મીથી શરૂ કરાશે

aapnugujarat
UA-96247877-1