Aapnu Gujarat
શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા-US

ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ હંમેશાથી રહેલો છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ પૂરો કરીને વિદેશ જતાં રહેતા હોય છે તો વળી કેટલાક ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર્સની ડિગ્રી લેવા વિદેશ જવાનું પસંદ કરે છે. છેલ્લા એક વર્ષમાં અભ્યાસ માટેના દેશોની પસંદગીનો ક્રમ બદલાયો છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત થયા હોવા છતાં કેનેડા હજી પણ વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. જે બાદ અમેરિકાનો ક્રમ આવે છે. ત્રીજા નંબરે પહેલા ઓસ્ટ્રેલિયા હતું જેને ધક્કો મારીને હવે આ સ્થાન યુકેએ લઈ લીધું છે.

ઈન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ 2023માં 2022માં જુદા-જુદા દેશોમાં ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના આંકડા છે. જે મુજબ યુકે જતાં વિદ્યાર્થીઓમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થયો છે. જેનો આંકડો 49.6 ટકા છે અને ત્યારપછીના ક્રમે 46.8 ટકા ગ્રોથ સાથે કેનેડા છે. યુએસ જતાં વિદ્યાર્થીઓ 18.9 ટકા વધ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયા જતાં વિદ્યાર્થીઓમાં 0.7 ટકા જેટલો નજીવો વધારો થયો છે.

છેલ્લા ચાર વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં કેનેડા સફળ રહ્યું છે. ચારમાંથી 3 વર્ષ દરમિયાન કેનેડા જતાં વિદ્યાર્થીઓ વધુ હતા જ્યારે 2021માં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે હતું જ્યારે 2019,2020 અને 2021માં યુકે ચોથા ક્રમે હતું. જોકે, 2022માં યુકે ત્રીજા ક્રમે આવી ગયું. 2022માં કેનેડાનો યર-ઓન-યર ગ્રોથ રેટ સૌથી વધુ રહ્યો હતો. અગાઉના વર્ષોમાં કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું ટાળ્યું હતું, જેના કારણે વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હતી. પરંતુ સ્થિતિ સામાન્ય થતાં જ ફરી એકવાર હવે સ્ટુડન્ટ મોબિલિટી માર્કેટને વેગ મળ્યો છે.
“ભારત અને કેનેડા વચ્ચેના બગડેલા રાજદ્વારી સંબંધોના કારણે અમે ભારતથી આવનારા વિદ્યાર્થીઓનો અનુમાનિત આંકડો કાઢ્યો છે તે ઘટવાનું જોખમ છે. જોકે, પરિસ્થિતિ હજી બદલાઈ રહી છે પરંતુ અમારું હાલનું એનાલિસિસ કહે છે કે, કેનેડાના પ્રત્યેના વિદ્યાર્થીઓના રસમાં ખાસ ફરક નથી પડ્યો. જો આ તણાવને લીધે કેનેડિયન હાઈ કમિશનની વિઝા પ્રોસેસિંગ ક્ષમતા પર અસર પડે તો વિદ્યાર્થીઓનો એક મોટો હિસ્સો વૈકલ્પિક સ્થળો શોધવાનું પસંદ કરી શકે છે”, તેમ આ રિપોર્ટ પ્રકાશિત કરનારી એજન્સીના ડાયરેક્ટર મારિયા મથાઈસે જણાવ્યું.

2018થી કેનેડા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 86 ટકા જેટલો વધારો થયો છે. જોકે, વર્તમાન સ્થિતિને જોતાં ભવિષ્યનું અનુમાન કરવામાં આવે તો આગામી વર્ષોમાં કેનેડા પ્રત્યે લોકોનો રસ ઘટી શકે છે. દરમિયાન, છેલ્લા પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયાએ ટોપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ડેસ્ટિનેશન તરીકેનું પોતાનું સ્થાન ધીમે-ધીમે ગુમાવ્યું છે. 2019 સુધી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે હતું, જે 2021માં સરકીને ચોથા ક્રમે પહોંચી ગયું. ભારતીય વિદ્યાર્થીઓની વાત કરીએ તો, 2019માં ઓસ્ટ્રેલિયા તેમની પસંદગીમાં ત્રીજા સ્થાને હતું જે 2022માં ચોથા ક્રમે ધકેલાઈ ગયું.
ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ દેશોમાં શું આકર્ષે? આ મુદ્દા પર નજર કરીએ તો, વિદ્યાર્થીઓની પ્રોફાઈલ જોતાં અંદાજો આવે છે કે, કેનેડામાં ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને પણ સરળતાથી નોકરી મળી જાય છે. ઉપરાંત કેનેડાએ ઈમિગ્રેશન વધારવા ઉદાર નીતિ અપનાવી છે અને તેના કારણે પણ ત્યાં જતાં વિદ્યાર્થીઓ વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં યુકે જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વધ્યા છે કારણકે 2 વર્ષની વર્ક પરમિટ જેવા પોઝિટિવ સુધારા પોલીસીમાં કર્યા છે. ઉપરાંત મહામારી દરમિયાન પણ બચાવ કામગીરી પ્રશંસનીય રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફ વિદ્યાર્થીઓના આકર્ષાવાનું કારણ શિક્ષણની ગુણવત્તા અને ઉદાર ઈમિગ્રેશન પોલીસી છે. પરંતુ 2022માં ઓસ્ટ્રેલિયા જતાં ભારતીય વિદ્યાર્થીઓમાં 0.7 ટકા જેટલો નજીવો વધારો થયો તેનું કારણ એ પણ છે કે, મહામારી બાદ આ દેશે પોતાની સરહદો સંપૂર્ણપણે ખોલી નથી.

Related posts

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશે : જાવડેકર

aapnugujarat

વિરમગામ તાલુકાની ઇન્ડિયન પબ્લિક સ્કુલ ખાતે અનોખો એજ્યુકેશનલ ફેર યોજાયો

aapnugujarat

ભણવાની સાથે કમાવવાની ગણતરી સાથે યુકે જતાં લોકોના ગણિત ખોરવાશે

aapnugujarat
UA-96247877-1