Aapnu Gujarat
ગુજરાત

લંડન આઈ જેવું મોટું ચગડોળ અમદાવાદ રિવરફ્રંટ પર બનશે

સાબરમતી રિવરફ્રંટ બન્યા બાદ અમદાવાદીઓ અને બહારથી આવતાં લોકો માટે હરવાફરવાનું નવું સ્થળ ઊભું થયું છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા કેટલીક નવી યોજના તૈયાર કરવામાં આવી છે જેથી રિવરફ્રંટને એન્ટરટેઈનમેન્ટ હબ બનાવી શકાય. 45,600 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી જગ્યામાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારની અમ્યુઝમેન્ટ રાઈડ્સ હશે. ફિલ્મોમાં તમે લંડનનું જાયન્ટ ફેરી વ્હીલ લંડન આઈ જોયું હશે એવું જ અમદાવાદમાં પણ બનાવવાની યોજના છે. આ સિવાય મનોરંજનની કેટલીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે અને સાંસ્કૃતિક આકર્ષણો પણ હશે.

રિવરફ્રંટની કુલ જગ્યામાંથી 15 ટકા વિસ્તારમાં એન્ટરટેઈનમેન્ટ પાર્ક બનાવવામાં આવશે, જેમાં રોલરકોસ્ટર રાઈડ, સ્ટિમ્યુલેટર રાઈડ્સ, એડવેન્ચર ઝોન, VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સ માટેનો સ્પેશિયલ ઝોન હશે. સાથે જ IMAX થિયેટરનો પણ લ્હાવો લઈ શકાશે.

સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના સિનિયર ઓફિસરે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અહીં બાળકો માટે પણ ખાસ ઝોન ફાળવવામાં આવશે. તેમના માટે આર્કેડ વિડીયો ગેમ, સ્નો પાર્ક, સોફ્ટ પ્લે એરિયા અને અમ્યુઝમેન્ટ રાઈડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રેમ્પોલિન પાર્ક પણ બનાવવામાં આવી રહ્યો છે.”
ઉપરાંત એક મોટું ફેરીઝ વ્હીલ એટલે કે ચગડોળ બનાવવામાં આવશે. એવિએશનના નિયમને ધ્યાનમાં રાખીને તેની હાઈટ 66 મીટર રાખવામાં આવશે. આ ચગડોળમાં બેસીને અમદાવાદ શહેર અને તેની ફરતેનો અદ્ભૂત નજારો જોવા મળશે. “સ્પેશિયલ પ્રોજેક્ટ કમિટીએ એન્ટરટેનમેન્ટ ઝોન માટેના સ્ટ્રક્ચરની હાઈટ નક્કી કરી છે. સ્ટ્રક્ચર્સ માટેની મહત્તમ હાઈટ 66 મીટર રહેશે જ્યારે બિલ્ડિંગ્સ માટેની 25 મીટર રહેશે”, તેમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓફિસરોએ જણાવ્યું.
આ એન્ટરટેનમેન્ટ હબમાંથી મુલાકાતીઓ સીધા અટલ બ્રિજ પર જઈ શકે તે માટે ખાસ વૉક-વે પણ તૈયાર કરવામાં આવશે. જેથી ચાલીને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય. આ પાર્ક તૈયાર કરવા માટે જેને કોન્ટ્રાક્ટ અપાશે તે હબની પરિકલ્પના, ડિઝાઈન, ડેવલપમેન્ટ, ઈન્સ્ટોલેશન, સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી ઉઠાવશે.

એન્ટરટેનમેન્ટ હબ બનાવવા માટે જમીન 30 વર્ષના ભાડાપટ્ટા પર આપવામાં આવશે. જેનું વાર્ષિક ભાડું 45.6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે અને દર ત્રણ વર્ષે તેમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડનો વિચાર છે કે, આ પ્રોજેક્ટ માટે ટેન્ડરના પ્રપોઝલ આવવાના શરૂ થાય એ પછી તેઓ ટુરિઝમ એક્સપર્ટની પણ મદદ લેશે. જેથી ઉચ્ચ કક્ષાનું એન્ટરટેનમેન્ટ હબ સાબરમતી રિવરફ્રંટ પર વિકસાવી શકાય.

Related posts

कच्छ में बनेगा दुनिया का सबसे बड़ा एनर्जी पार्क, PM मोदी बोले – 1 लाख लोगों को मिलेगा रोजगार

editor

પાટડીના જૈનાબાદમાં ગ્રામ્યજનો અને મહિલાઓ પીવાના પાણી માટે વલખા

aapnugujarat

ઘાટલોડિયા : આકાશગંગાના મેદાનમાંથી ભ્રુણ મળી આવ્યું

aapnugujarat
UA-96247877-1