Aapnu Gujarat
ગુજરાત

મેટ્રો રેલ નજીકના બધાં રસ્તા ૧૫ દિવસમાં રિપેર કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે અમ્યુકો તરફથી શહેરના રસ્તાઓ અંગેના રજૂ કરાયેલા રિપોર્ટ પરત્વે પણ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ ખોટો રિપોર્ટ છે. મેટ્રો રેલના રૂટની આસપાસના બંને બાજુના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇને પણ હાઇકોર્ટે અમ્યુકો અને મેટ્રો રેલ સત્તાવાળાઓને ઝાટકયા હતા અને ગંભીર ટકોર કરી હતી કે, હવે તો એફએસએલના રિપોર્ટ પરથી પણ સ્પષ્ટ થાય છે કે, રસ્તાઓની કામગીરીમાં મોટુ કૌભાંડ છે. હાઇકોર્ટે મેટ્રો રેલના રૂટની બંને બાજુના આસપાસના રસ્તાઓ પંદર દિવસમાં તાત્કાલિક ધોરણે રીપેર કરી નાંખવા અમ્યુકો અને મેટ્રો રેલ સત્તાવાળાઓને ફરમાન કર્યું હતું. સાથે સાથે હાઇકોર્ટે અમદાવાદ શહેરના બિસ્માર તમામ મોટા રસ્તાઓ અને તેને સાંકળતા અન્ય રસ્તાઓનો વિગતવાર અહેવાલ રજૂ કરવા અમ્યુકોને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ અહેવાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ સૌથી ખરાબ રસ્તાઓ, ઓછા તૂટેલા રસ્તાઓ અને થોડા તૂટેલા રસ્તાઓ અંગે કલાસિફિકેશન કરવાનું રહેશે, વળી, કયાં રસ્તા પર રિસરફેસીંગ અને કયા રસ્તા પર પેચવર્ક જરૂરી છે તે પણ જણાવવાનું રહેશે. આમ, આ વખતે હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી શહેરના રસ્તાઓને લઇ એકદમ ડિટેઇલ્ડ રિપોર્ટ માંગ્યો છે. વધુમાં, હાઇકોર્ટે રાજય સરકારમાં પડી રહેલી ડ્રાફ્ટ પ્લાનીંગ સ્કીમ કયાં સુધીમાં ફાઇનલાઇઝ થશે તે અંગે જવાબ રજૂ કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો અને આગામી મુદતે રાજયના ચીફ ટાઉન પ્લાનીંગ ઓફિસરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૩૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી. શહેરના બિસ્માર રસ્તાઓને લઇ ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેટ્રો રેલ સહિતના સંબંધિત સત્તાવાળાઓને આડા હાથે લઇ નાંખ્યા હતા. હાઇકોર્ટે આ સત્તાધીશોને ભરચક કોર્ટમાં રીતસરના ઝાટકતાં જણાવ્યું હતું કે, પ્રથમદર્શનીય રીતે એવું લાગે છે કે, કોર્પોરેશન આ સમગ્ર મામલે ગંભીર નથી અને હાલ સમય પસાર કરવા સિવાય કોઇ કામ થઇ રહ્યુ નથી લાગતુ. જાહેરહિતમાં જે અપેક્ષિત છે, તે કોર્પોરેશન નથી કરી રહ્યું. કોર્પોરેશન નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. શું આ સમગ્ર મામલામાં કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગત છતી થઇ નથી રહી? હાઇકોર્ટે આજે સાફ શબ્દોમાં કોર્પોરેશનને સુણાવી દીધુું હતું કે, જરૂર પડશે તો આ સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટ કોર્ટ કમીશન પણ નીમી શકે છે. હાઇકોર્ટે એવી પણ તીખી આલોચના કરી હતી કે, જયારે આવી કોઇ પીઆઇએલ થાય ત્યારે જ અમ્યુકોને સ્મશાન વૈરાગ્યની જેમ ભાન થાય છે અને બધુ સારૂ કરવાની વાતો કરે છે પરંતુ ગુજરાત આ ઝડપની અપેક્ષા કોર્પોરેશન પાસે રાખતું નથી. કોર્પોરેશનની કામગીરીમાં કંઇ વાયબ્રન્ટ દેખાય છે? હવે તો એફએસએલ રિપોર્ટ પરથી પણ સ્પષ્ટ થાય છે કે, રસ્તાઓની કામગીરીમાં મોટુ કૌભાંડ છે. વીઆઇપી આવે એ સિવાયના કયા રસ્તાઓ રિપેર કર્યા તે કોર્પોરેશન બતાવી આપે. હાઇકોર્ટ મિજાજ પારખી અમ્યુકો સત્તાવાળાઓએ હોઠ સીવી લીધા હતા. હાઇકોર્ટે તા.૩૦મી જાન્યુઆરી સુધીમાં રસ્તાઓ વિશેનો રજેરજનો અહેવાલ અમ્યુકો પાસેથી માંગ્યો છે.

Related posts

સમરસતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા સામુહિક કન્યાપૂજનનો કાર્યક્રમ

aapnugujarat

રાજ્યમાંથી જપ્ત દારૂ નર્મદાના પાણી કરતાય વધી જાય તેમ છે : સી.જે. ચાવડા

aapnugujarat

AMCने 4 व्यावसायिक इकाईयों को किया सील

editor

Leave a Comment

UA-96247877-1