Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારની વેલ્યૂ પહેલી વખત 4 લાખ કરોડ ડોલરને પાર

ભારતનું GDP હજુ ચાર ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલર સુધી નથી પહોંચ્યુ, તે અગાઉ ભારતીય શેરમાર્કેટની વેલ્યૂ 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. એટલે કે ભારતના જીડીપી કરતા પણ શેરબજાર આગળ નીકળી ગયું છે. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂ આજે પહેલી વખત 4 ટ્રિલિયન ડોલર એટલે કે 333 લાખ કરોડ રૂપિયા કરતા વધી ગઈ હતી. આગામી દિવસોમાં ભારત અમેરિકા, ચીન અને જાપાનને પણ માર્કેટ કેપિટલમાં ચેલેન્જ આપી શકે છે.

ભારતની કોમ્પિટિશન કોની સાથે?
ભારતીય શેરબજાર હવે માર્કેટ કેપિટલની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમે છે. ટોચના ચાર સ્થાન પર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી ઈન્ડેક્સ 10 ટકા કરતા વધારે વધ્યો છે. એટલે કે વર્ષ 2023માં અત્યાર સુધીમાં ભારતની માર્કેટ કેપિટલમાં 51 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં પણ સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આઉટપરફોર્મન્સ કરવામાં આગેવાની લીધી છે. આ ઉપરાંત શેરમાર્કેટમાં તાજેતરમાં ઢગલાબંધ આઈપીઓ આવ્યા છે જેમાં મૂડીરોકાણના કારણે આખા માર્કેટની વેલ્યૂ વધતી જાય છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલરની ક્લબમાં આવી ગયું હતું. ત્યાર બાદ વધુ એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરવામાં અઢી વર્ષ લાગ્યા છે.

શેરમાર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવ વધે તથા નવા લિસ્ટિંગ થાય ત્યારે માર્કેટ કેપ વધતી હોય છે. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે આગામી મહિનાઓમાં ફેડ દ્વારા વધુ એક વખત રેટ કાપ આવશે તેવા સંકેત આપ્યા ત્યાર પછી નિફ્ટીમાં તેજી છે. સપ્ટેમ્બર મહિનામાં ટોચ બનાવ્યા પછી આજે પહેલી વખત આ ઈન્ડેક્સ 20,000ની સપાટીને પાર કરી ગયો હતો.
વિદેશી રોકાણકારોની ધૂમ ખરીદી
ભારતીય બજારમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી, પરંતુ આ મહિનામાં તેમણે ફરીથી ખરીદી શરૂ કરી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્વારા 2901 કરોડ રૂપિયાનું નેટ બાઈંગ થયું છે. કેલેન્ડર વર્ષ 2023માં એફઆઈઆઈએ એક લાખ કરોડ રૂપિયાના ભારતીય શેરોની નેટ ખરીદી કરી છે જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર (ડીઆઈઆઈ) દ્વારા 177.5 લાખ કરોડ રોકવામાં આવ્યા છે.
ભારતીય શેરોની વેલ્યૂએશનની ચિંતા
મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારોને સૌથી મોટી ચિંતા ભારતીય શેરના વેલ્યૂએશનની છે. ભારતની ફંડામેન્ટલ સ્ટોરી મજબૂત છે પરંતુ ડોમેસ્ટિક ઈનફ્લો ક્યાં સુધી ચાલશે તેનો સવાલ છે. અત્યારે સ્થાનિક રોકાણકારો શેર સતત ખરીદતા જાય છે જેના કારણે માર્કેટ થોડું મોંઘું થઈ ગયું છે.

જાપાન અને અમેરિકાને પાછળ રાખી દેશે
ભારતીય શેરમાર્કેટની સ્પર્ધા હવે જાપાન સાથે છે. વર્ષ 2027માં ભારત નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન કરતા આગળ નીકળી જશે તેમ માનવામાં આવે છે. ઈકોનોમીની સાઈઝ જોવામાં આવે તો ભારત અને ચીન આ બે દેશ જ ભારત કરતા આગળ રહેશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ 3.4 ટ્રિલિયન ડોલર છે જે વર્ષ 2047માં 29 ટ્રિલિયન ડોલર અને 2052માં 45 ટ્રિલિયન ડોલર થાય તેવી શક્યતા છે. સીએલએસએના અંદાજ મુજબ ભારત મોટા પાયે સુધારા ચાલુ રાખે તો 30 વર્ષ પછી ભારતીય ઈકોનોમીની સાઈઝ અમેરિકન ઈકોનોમી કરતા પણ મોટી હશે.

Related posts

मामूली बढ़त के साथ बंद हुआ शेयर बाजार

aapnugujarat

સેવા બેંક હવે ડિજિટલ ફાય. સોલ્યુશન પૂરૂ પાડવા તૈયાર

aapnugujarat

કોલગેટ દ્વારા ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની કિંમતમાં ૯ ટકા ઘટાડો

aapnugujarat
UA-96247877-1