અદાણી જૂથના શેરોમાં તાજેતરમાં જે તેજી આવી છે તેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિ પણ કૂદકેને ભૂસકે વધતી જાય છે. મંગળવારે અદાણી જૂથના શેર ઉછળ્યા તેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સીધો 6.5 અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓ વિશ્વના ટોપ 20 અબજપતિઓના લિસ્ટમાં ફરીથી આવી ગયા છે. ભારતના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી જાન્યુઆરી 2023માં વિશ્વના ટોપ 3 અબજપતિઓમાં સ્થાન ધરાવતા હતા, પરંતુ હિન્ડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટે બધું ચોપટ કરી નાખ્યું હતું. હિન્ડનબર્ગનો આંચકો સહન કર્યા પછી અદાણી જૂથે 10 મહિનામાં મોટી રિકવરી કરી છે. ભારતમાં હાલમાં મુકેશ અંબાણી સૌથી અમીર વ્યક્તિ છે જ્યારે ગૌતમ અદાણી બીજા નંબર પર છે. મંગળવારે અદાણીની સંપત્તિમાં 6.5 અબજ ડોલરનો ઉછાળો આવતા જ તેમની નેટવર્થ 66.7 અબજ ડોલર થઈ ગઈ છે. હવે તેઓ જુલિયા ફ્લેશર ફેમિલી, ઝોંગ શાંશાન અને ચાર્લ્સ કોચ કરતા આગળ નીકળી ગયા છે. જુલિયા ફ્લેશર ફેમિલીની સંપત્તિ 64.7 અબજ ડોલર, ઝોંગ શાંશાનની સંપત્તિ 64.10 અબજ ડોલર અને ચાર્લ્સ કોચની સંપત્તિ 60.70 અબજ ડોલર છે.
જોકે, જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અદાણીની સંપત્તિ 53.80 અબજ ડોલર જેટલી ઓછી છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથ પર ગંભીર આરોપો મૂકાયા તેના કારણે અદાણીની માર્કેટ કેપમાં 150 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. દુનિયાના અબજપતિઓના લિસ્ટમાં રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણી હાલમાં 89.5 અબજ ડોલરની સંપત્તિ સાથે 13મા ક્રમે છે. ચાલુ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.34 અબજ ડોલરનો વધારો થયો છે.
આજે શેરમાર્કેટમાં તેજી છે ત્યારે અદાણીના મોટા શેર ઘટ્યા છે પરંતુ અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા જેટલો ઉછળીને 731ની સપાટીએ ચાલે છે.