Aapnu Gujarat
બિઝનેસ

ગૌતમે મને અને પુત્રીઓને માર માર્યો, પણ અંબાણી પરિવારે અમને બચાવ્યા : નવાઝ

રેમન્ડ્સ લિમિટેડ જેવી કંપનીના માલિક ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચેના ઝઘડામાં નવી નવી વિગતો બહાર આવી રહી છે. નવાઝ મોદી સિંઘાનિયાએ દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિનામાં તેના પતિ ગૌતમ સિંઘાનિયાએ તેમના પર અને તેમની બે પુત્રીઓ પર હુમલો કર્યો હતો. પોલીસ પણ તેમને બચાવવા માટે આવી શકતી ન હતી. આખરે અંબાણી પરિવારના દબાણથી પોલીસ અમને છોડાવવા આવી હતી. ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી 32 વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ રહ્યા છે. નવાઝ મોદીએ છુટાછેડા માટે ગૌતમની સંપત્તિમાં 75 ટકા હિસ્સો માગ્યો છે. છુટાછેડા પછી તેમની બંને પુત્રીઓ માતા સાથે રહેવાની છે.

નવાઝ મોદી અને ગૌતમ વચ્ચેનો વિવાદ સપ્ટેમ્બરમાં વકર્યો હતો. 10 સપ્ટેમ્બરની સવારે મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને ગૌતમ સિંઘાનિયાની બર્થડે પાર્ટી હતી. તે સમયે ગૌતમે પત્ની નવાઝ મોદી અને પોતાની સગીર પુત્રીઓ પર હુમલો કર્યો હતો. માતા-પુત્રીઓ બચવા માટે એક રૂમમાં પૂરાઈ ગયા હતા. તેમણે ત્યાંથી પોલીસની મદદ માંગવાનો પણ પ્રયાસ કર્યો હતો.

નવાઝ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં આ ઘટના વર્ણવતા કહ્યું કે, “નીતા અંબાણી અને અનંત અંબાણી અમારી મદદે આવ્યા અને ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી હતી.” તેમણે કહ્યું કે, “મેં મારી મિત્ર અનન્યા ગોએન્કાને ફોન કર્યો. તેણે કહ્યું કે પોલીસ અમારી મદદ નથી કરવાની. ગૌતમે પોલીસને પણ મેનેજ કરી લીધી હશે. અનન્યાએ કહ્યું કે હું અને અનંત પોલીસ સ્ટેશને જઈશું અને ત્યાં આવીશું.”

એક અંગ્રેજી મેગેઝિનને આપેલી મુલાકાતમાં નવાઝે જણાવ્યું કે, “અમે બચવા માટે જુદા જુદા લોકોને ફોન કરતા હતા ત્યાં અનંત અંબાણીનો ફોન આવ્યો. નીતા અંબાણી પણ લાઈન પર હતા. આખો અંબાણી પરિવાર અમારી મદદે આવી ગયો હતો. ગૌતમ મારી પુત્રી નિહારિકાને કહેતો હતો કે પોલીસ તમને મદદ નહીં કરે. બધા મારા ખિસ્સામાં છે. પરંતુ મેં નિહારિકાને કહ્યું કે તું ચિંતા ન કર. આપણને મદદ મળવાની છે.”

“ગૌતમ સિંઘાનિયાએ તો પોલીસને અમારા સુધી પહોંચતા અટકાવી હતી, પરંતુ અંબાણી પરિવારે પોલીસને અમારા સુધી મોકલી હતી. ગૌતમે ઘણા પ્રયાસ કર્યા પરંતુ પોલીસ તેની વાત માની નહીં. ગૌતમને બીક હતી કે તેની સામે નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધાઈ જશે. અંબાણી પરિવારના કારણે આ ફરિયાદ નોંધાઈ હતી.”

નવાઝ મોદીએ પોતાના પતિ સામે ગંભીર આરોપો મૂક્યા છે પરંતુ ગૌતમ સિંઘાનિયાએ આ વિશે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. તેમણે એટલું જ કહ્યું કે, “મારી બે સુંદર પુત્રીઓના હિત ખાતર હું મારા પરિવારનું સન્માન જળવાઈ રહે તેમ ઈચ્છું છું. મારે આ વિશે કોઈ ટિપ્પણી નથી કરવી. મારી પ્રાઈવસીને આદર આપો.”

ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીએ 14 નવેમ્બરે અલગ પડવાની જાહેરાત કરી હતી. તેમનું લગ્નજીવન 32 વર્ષ ટક્યું હતું. નવાઝે આરોપ મૂક્યો હતો કે તેને દિવાળીની પાર્ટીમાં પ્રવેશવા દેવાઈ ન હતી અને ગેટ બંધ કરી દેવાયો હતો. નવાઝે છુટાછેડાના સેટલમેન્ટ માટે 1.4 અબજ ડોલરની સંપત્તિમાંથી 75 ટકા હિસ્સો માગ્યો છે.

ગૌતમ સિંઘાનિયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે પોતાના પિતા વિજયપત સિંઘાનિયાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, “મેં મારા પુત્રને મારી તમામ મિલ્કત આપી દીધી અને હવે મારી પાસે રહેવા માટે ઘર પણ નથી.”

Related posts

શેરબજારમાં આઠ પરિબળોની સીધી અસરો જોવા મળી શકે

aapnugujarat

ICICI बैंक के सीईओ बख्शी के खिलाफ कोर्ट ने जारी किया वारंट

aapnugujarat

रबर एकस्पो जनवरी, २०१९ में मुंबई में आयोजित होगी

aapnugujarat
UA-96247877-1