મલેશિયા ફરવા જવા માંગતા ભારતીયો માટે ખુશખબર છે. મલેશિયાએ ભારતીયો અને ચાઈનીઝ લોકો માટે પહેલી ડિસેમ્બરથી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. તેના દ્વારા મલેશિયામાં એક મહિના સુધી વિઝા વગર રોકાણ કરી શકાશે. વિદેશ ફરવાનો શોખ ધરાવતા ભારતીયોને તેનાથી મોટી રાહત મળવાની શક્યતા છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમે આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતીયોને મલેશિયામાં એન્ટ્રી કરવા માટે વિઝાની જરૂર નથી. જોકે, સિક્યોરિટી ચેકિંગમાંથી બધાએ પસાર થવું પડશે. અત્યાર સુધી ભારતીયોને મલેશિયામાં વિઝા ઓન એરાઈવલ મળી જતા હતા. પ્રોસેસિંગ ફીને ગણતરીમાં લેતા આવા વિઝા ઓન એરાઈવલ માટે વ્યક્તિ દીઠ 3558 રૂપિયાનો ખર્ચ આવતો હતો જે હવે બચી જશે. મલેશિયાના વડાપ્રધાને જણાવ્યું કે ભારત અને ચીન બંને દેશના નાગરિકોએ મલેશિયામાં આવવા માટે વિઝા લેવાની જરૂર નથી.
ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે મલેશિયામાં 9.16 મિલિયન વિદેશી ટુરિસ્ટ આવ્યા હતા. તેમાંથી ચીનમાંથી લગભગ પાંચ લાખ પર્યટકો આવ્યા હતા જ્યારે ભારતીય ટુરિસ્ટની સંખ્યા 2.84 લાખ જેટલી હતી. કોવિડ રોગચાળા અગાઉ વર્ષ 2019માં જાન્યુઆરીથી જૂન વચ્ચે ચીનના 15 લાખ પ્રવાસી અને ભારતથી 3.55 લાખ પ્રવાસી આવ્યા હતા.
મલેશિયા ઉપરાંત બીજા દેશોએ પણ ભારતીયોને આવકારવા માટે વિઝાના નિયમોમાં છૂટછાટ આપી છે. તેમાં થાઈલેન્ડ અને શ્રીલંકા મુખ્ય છે. આ બંને દેશોએ કહ્યું છે કે ભારતીયો વિઝાની કડાકૂટમાં પડ્યા વગર તેમને ત્યાં આવી શકે છે. 10 નવેમ્બરથી થાઈલેન્ડમાં ભારતીયોને વિઝા લેવાની જરૂર નથી અને આ છૂટછાટ છ મહિના માટે છે. આ દરમિયાન સારો પ્રતિસાદ મળશે તો વધુ છ મહિના માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.
થાઈલેન્ડમાં વર્ષ 2022માં 9.65 લાખ ભારતીય ટુરિસ્ટે મુલાકાત લીધી હતી જ્યારે પહેલી જાન્યુઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે આ સંખ્યા વધી ગઈ હતી અને 13 લાખથી વધારે ભારતીયોએ થાઈલેન્ડનો પ્રવાસ કર્યો હતો. શ્રીલંકાએ ઓક્ટોબરમાં જ જાહેરાત કરી દીધી હતી કે તે ભારત, ચીન રશિયા સહિત સાત દેશોના પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપશે. આ પાઈલટ પ્રોજેક્ટ 31 માર્ચ 2014 સુધી ચાલુ રહેશે.