Aapnu Gujarat
Uncategorized

ચીનના ર્નિણયથી ચિંતામાં ઓટોમોબાઈલ સેક્ટર

કૃષિ ક્ષેત્રમાં સિંચાઈ માટેના મશીનો અને ટ્રેક્ટર બનાવા ઉપરાંત સ્ટીલનો ઉપયોગ ચેસીસ, વ્હીલ રિમ્સ, રેડિયેટર સહિતના ઓટોમોબાઈલ સાધનો બનાવા માટે થાય છે. એન્જિનિયરિંગ સેક્ટરના વેપારી દિવ્યેશ અઘેરાએ કહ્યું, “મોટરસાઈકલની ચેઈન સહિત ઓટોમોબાઈલના વિવિધ ભાગમાં ઈમ્પોર્ટેડ સ્ટીલનો ઉપયોગ થાય છે.”પર્યાવરણને થતાં નુકસાન અને તેની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક ચીને મહત્વનો ર્નિણય લીધો છે. ચીને દેશની સ્ટીલની મિલોને ખાસ કરીને દેશના ઉત્તર ભાગમાં આવેલી મિલોને નવેમ્બરથી માર્ચ દરમિયાન ઉત્પાદન ઘટાડવાનો આદેશ આપ્યો છે. જેથી કાર્બનનું ઉત્સર્જન અને ધુમાડાનું પ્રદૂષણ ઘટાડી શકાય. ૨૦૨૨માં ચીન ઓલિમ્પિક્સનું યજમાન છે અને તેને ધ્યાનમાં રાખીને જ આ ર્નિણય કર્યો છે. ઉપરાંત હાલ ચાલી રહેલા વીજ સંકટના કારણે ઘણી કંપનીઓએ ઉત્પાદન ઘટાડી દીધું છે. ચીને લીધેલા આ ર્નિણયના પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટના એન્જિનિયરિંગ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણકે ઓટોમોબાઈલના પાર્ટ્‌સ બનાવતા ઘણાં ઉત્પાદકો ઈમ્પોર્ટેડ સ્ટીલ પર આધાર રાખે છે. રાજકોટ ઓટોમોબાઈલ પાર્ટ્‌સનું હબ છે. એક અંદાજ પ્રમાણે, રાજકોટ એન્જિનિયરિંગ સેક્ટર ૩૦ ટકા ઈમ્પોર્ટેડ સ્ટીલનો વપરાશ કરે છે, જે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે મહત્વનો કાચો માલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું, “ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં કંડક્ટર ચીપ્સ અને સ્ટીલની અછત વર્તાઈ રહી છે. આ બંને મહત્વના કાચા માલ ગણાય છે.” દરમિયાન ચીને અન્ય મિલોને ગત વર્ષના ઉત્પાદનનો આંકડો જળવાઈ રહે તે પ્રકારે ઉત્પાદન કરવાની સૂચના આપી છે. એક તરફ રાજકોટનું એન્જિનિયરિંગ સેક્ટર સ્ટીલ સહિતના કાચા માલની ઊંચી કિંમતોના કારણે પરેશાન છે ત્યારે હવે આ નવા ર્નિણયના કારણે તેમની મુશ્કેલીમાં ઉમેરો થયો છે. રાજકોટ એન્જિનિયરિંગ અસોસિએશનના પરેશ વસાણીએ કહ્યું, “વૈશ્વિક અછતના કારણે સ્ટીલ ઉત્પાદિત કરતી ભારતીય કંપનીઓએ પણ કિંમતો ૫૦ ટકા સુધી વધારી દીધી છે, જેના કારણે અમને તકલીફ પડી રહી છે. ચીનના કુલ ઉત્પાદનના ૨૫ ટકા જેટલું સ્ટીલ ભારતમાં ઉત્પાદિત થાય છે. હવે આ સ્ટીલનું ઉત્પાદન ઘટાડવાના નવા એજન્ડાના કારણે સૌથી વધુ ફટકો ઓટોમોબાઈલ સેક્ટરને પડવાનો છે કારણકે ઓટોમોબાઈલ સેક્ટર જ તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે.” એન્જિનિયરિંગની બે મુખ્ય બ્રાંચ છે- કાસ્ટિંગ અને ફોર્જિંગ. આ બંનેનો ઉપયોગ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. ડિફેન્સ સેક્ટર અને ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ વપરાય છે તેવા રેલવેમાંથી ઓર્ડર મળી રહે તે માટે રાજકોટની એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રી પ્રયત્નશીલ હોય છે. એક મહિનામાં આશરે ૫,૦૦૦ ટન કાસ્ટ આયર્ન સ્ટીલ કાસ્ટિંગ માટે વપરાય છે અને તેના માટેનો જથ્થો સ્થાનિક કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જ્યારે ઈમ્પોર્ટેડ સ્ટીલનો ઉપયોગ ફોર્જિંગના ઘણાં ભાગમાં થાય છે. નામ ન આપવાની શરતે એક વેપારીએ જણાવ્યું, “આંતરરાષ્ટ્રીય બજારોમાં જે ચાલી રહ્યું છે તેનો ગેરલાભ ભારતીય સ્ટીલ કંપનીઓ કિંમતો વધારીને ઉઠાવે છે. વૈશ્વિક બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે આપણે હાઈગ્રેડ સ્ટીલની જરૂર છે અને તેના માટે સ્ટીલની આયાત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.”

Related posts

બોટાદ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકતાં ૩૨નાં મોત

aapnugujarat

Sri Lanka’s Ex Army Commander Senanayake to contest Presidential polls

aapnugujarat

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1