Aapnu Gujarat
Uncategorized

બોટાદ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકતાં ૩૨નાં મોત

ગુજરાતના ભાવનગર જિલ્લામાં રંઘોળા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટી ખુવારી થતાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. ભાવનગર રાજકોટ હાઇવે પર આજે રંઘોળા ગામ પાસે જાનૈયાઓને જઇ રહેલી એક ટ્રક બ્રીજ પરથી નીચે નાળામાં ખાબકતાં વરરાજાના માતા-પિતા, ભાઇ-ભાભી અને દાદી સહિત કુલ ૩૨ જાનૈયાઓના મોત નીપજતાં સમગ્ર રાજયભરમાં ઘેરા શોક અને માતમનો માહોલ પથરાઇ ગયો હતો. પાલિતાણાના અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન માટે બોટાદના ટાટમ ગામે જાન જઇ રહી હતી એ દરમ્યાન જ ટ્રક બ્રીજ નીચેથી નાળામાં ખાબકી હતી, નાળામાં પાણી નહી હોવાથી ટ્રક નીચે પથ્થરોમાં જોરદાર ધડાકાભેર પછડાઇ હતી અને આ ગમખ્વાર અને ભલભલાના કાળજા કંપાવી દે તે પ્રકારના સર્જાયેલા અકસ્માતમાં બે બાળકો સહિત ૩૨ જાનૈયાઓ અકાળે કાળનો કોળિયો બની ગયા હતા અને ૩૫થી વધુ લોકોને વત્તા ઓછા અંશે ઇજા થઇ હતી. જાનૈયાઓ અને બંને પક્ષના કુંટુંબીજનો માટે મંગળવાર જાણે અમંગળ-વાર બની રહ્યો હતો. સમગ્ર દુર્ઘટનાની જોરદાર કરૂણતા તો એ હતી કે, આટલા મોટા અકસ્માત છતાં વરરાજા અને અન્ય લોકોને પરિવારજનોને મોતથી અજાણ રાખીને પણ બિલકુલ સાદગીથી છેલ્લી ઘડીયે લગ્ન સંપન્ન કરાયા હતા. આ ગોઝારા અકસ્માતને લઇ સમગ્ર રાજયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મુખ્યમંત્રીથી લઇ વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ સમગ્ર દુર્ઘટના અંગે દિલસોજી વ્યકત કરી શોક સાંત્વના પાઠવી હતી. બીજીબાજુ, આ સમગ્ર અકસ્માત માટે જેની પર શંકાની સોંય ચીંધાઇ રહી છે, તે ટ્રક ડ્રાયવર ફરાર થઇ ગયો છે, જેથી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર આ ગોઝારા અકસ્માતની વિગતો એવી છે કે, ભાવનગરના પાલિતાણાના અનિડા ગામના વતની પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન માટે જાનૈયાઓને લઇ ટ્રક બોટાદ પાસેના ટાટમ ગામે જઇ રહી હતી ત્યારે આજે વહેલી સવારે ટ્રક ડ્રાઇવરે રંઘોળા ગામ પાસેના બ્રીજ પર વાહન પરનું નિયંત્રણ ગુમાવતા અચાનક જ આખી ટ્રક ૨૫ ફુટ ઉંડેથી નીચે નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી નહી હોવાથી પથ્થરોવાળી જમીન હતી, જેથી ટ્રક પથ્થરોમાં ઉંધા માથે પડી હતી અને જાનૈયાઓ ટ્રકની નીચે દબાઇ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભયંકર ચીસાચીસ, કરૂણ આક્રંદ અને તરફડિયા મારતા જાનૈયાઓના દ્રશ્યો નજરે પડતા હતા. પુલ પરથી જતા લોકો અને અન્ય સ્થાનિક લોકોની નજર પડતાં બધા અકસ્માતગ્રસ્ત લોકોની વ્હારે દોડયા હતા. બીજીબાજ, ૧૦૮ને પણ બોલાવી લેવાઇ હતી પરંતુ મૃતકો અને ઘાયલોની સંખ્યા જોતાં પાંચ એમ્બ્યુલન્સ સહિત ૧૦થી વધુ વાહનોે બોલાવવાની ફરજ પડી હતી અને તોય બચાવ કામગીરીને પહોંચી વળવુ કપરૂ બન્યું હતું. એકબીજાની મદદથી યેનકેન પ્રકારે ટ્રકની નીચે ફસાયેલા લોકોને એક પછી એક બહાર કાઢવા માંડયા હતા પરંતુ ટ્રક નીચે કેટલા લોકો ફસાયેલા છે, તેની કયાં કોઇને ખબર હતી. એક પછી એક લાશોના ઢગલા થતા ગયા, ૧૦ મહિલાઓ, ૧૧ પુરૂષો અને પાંચ બાળકો સહિત ૩૨ લોકોના કરૂણ મોત નીપજયા હતા. જયારે ૩૫થી વધુ લોકોને નાની, મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ભાવનગરની સર ટી અને શિહોર તથા ટિંબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આટલા મોટા અને ભયંકર ગોઝારા અકસ્માતને લઇ ગુજરાતથી લઇ દિલ્હી સુધી ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. રાજયના મુખ્યમંત્રીથી લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટનાને લઇ આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઇ હોઇ હરકતમાં આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી શોક સાંત્વના પાઠવ્યા હતા. ગોઝારા અકસ્માતની બીજીબાજુની કાળજા કંપાવી દે તેવી કરૂણતા એ હતી કે, એકબાજુ ટાટમ ગામે વરરાજા અને નવવધૂના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યાં આ દુઃખદ દુર્ઘટનાના સમાચાર પહોંચ્યા હતા પરંતુ ગરીબ પરિવારના સોહામણા અને નવલા અવસરને રીતિ રિવાજ મુજબ અટકાવી શકાય તેમ ના હોવાથી વરરાજાને સમગ્ર ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા હતા અને બિલકુલ સાદગી અને શાંતિ વચ્ચે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. વરરાજાની નેક પૂછપરછ છતાં તેમને એમ કહેવાયું હતું કે, રસ્તામાં ટ્રક બગડી છે એટલે જાનને આવતાં મોડુ થાય તેમ છે. મૂર્હુત સાચવવાનું બહાનુ કરી આખરે તેમને પરણાવાયા હતા. નોંધનીય વાત તો એ છે કે, વરરાજા વિજયના લગ્નની સાથે સાથે તેની સાળીના પણ લગ્ન હતા અને તેની જાન બોટાદના શિયાનગરથી આવી ગઇ હતી. બંને બહેનોના આજે લગ્ન હતા અને ત્યારે એક બહેનના જાનૈયાઓને કાળ ભરખી જતાં સમગ્ર પંથકમાં શોકનો માતમ પથરાયો હતો. સૌ કોઇની આંખમાં આંસુ અને હૃદયમાં ભયંકર આઘાત અને દર્દ હતું છતાં લગ્ન પ્રસંગ સાચવવા ચહેરા પર તે બતાવવાનું ન હતું, આ દ્રશ્યો ભલભલાના કાળજા કંપાવી દેતા હતા. કન્યા પક્ષ દ્વારા જમવાનું તૈયાર કરાયું હોવાછતાં કોઇ જમવા સુધ્ધાં તૈયાર થયું ન હતું. શુભલગ્નના ચોઘડિયા વચ્ચે કાળનું કાળચક્ર ફરી વળવા છતાં માણસોએ ભારે હિંમત અને માનવતા દાખવી હતી, જેની પણ નોંધ લેવાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત ટ્રકમાં ૮૫થી પણ વધુ જાનૈયાઓ મુસાફરી કરી રહ્યા હતા.

Related posts

નોટબંધી-જીએસટીના મુદ્દે મોદી પર રાહુલ ગાંધીના તીવ્ર પ્રહારો

aapnugujarat

मोहम्मद आमिर ने छोड़ा क्रिकेट

editor

સુરેન્દ્રનગર : સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી પૂરી દીધો સૂટકેશમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1