Aapnu Gujarat
Uncategorized

ગુજરાતમાં ૧ મહિનામાં કારનું વેચાણ ૨૨% સુધી વધ્યું

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસર્યા બાદ કારના વેચાણમાં ઉછાળો આવ્યો છે પણ વાહનોની ઑટોમેશન સિસ્ટમમાં વપરાતા સેમિકન્ડક્ટરની અછતના કારણે કારની ડિલિવરી ૪ મહિના સુધી લંબાઈ છે. રાજ્યમાં ગત જૂન મહિનામાં કુલ ૧૯,૫૦૩ પર્સનલ વ્હીકલનું વેચાણ થયું હતું જ્યારે જુલાઇમાં ૨૩,૯૧૦ વાહનો વેચાયાં હતાં. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન અત્યંત જટિલ હોવાથી નવા પ્લાન્ટ સ્થાપવામાં સમય લાગે એમ હોવાથી વર્ષ ૨૦૨૩ સુધી ચિપની તંગી રહેશે એવી શક્યતા છે.ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે માત્ર એક મહિનામાં પર્સનલ વ્હીકલના વેચાણમાં ૨૨ ટકાનો વધારો થયો હોવા છતાં ૮૫૦૦ વાહનોની ડિલિવરી થઈ શકી નથી. જે પાછળનું કારણ એસયુવી, લકઝરી સહિતની કારોની ઓટોમેશન સિસ્ટમમાં વપરાતા સેમિકન્ડક્ટરની અછત છે. સ્થિતિ એવી છે કે કંપનીઓમાં કાર તૈયાર પડી હોય છે પણ કારમાં જેના વડે બ્રેક, વિન્ડોવ્ઝ, મ્યુઝિક સિસ્ટમ, બેક કેમેરા માત્ર બટનના ઇશારે જ કાર્યરત થઇ જાય છે તે ઓટોમેશન ટેક્નોલોજીને ચલાવવા માટે વપરાતી સેમિકન્ડક્ટર ચિપની દુનિયાભરમાં કારમી અછત છે. જેથી કંપનીઓના ગોડાઉનોમાં ઓટોમેશન સિસ્ટમ વિનાની કારોનો જથ્થો તૈયાર પડ્યો છે. આ અછતની અસરને લીધે કારના રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે પણ ડિલિવરીમાં વેઇટીંગ વધી રહ્યું છે.હવે આગામી ચારથી પાંચ મહિના સુધી આવી હાલત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. કંપનીઓએ ડિલરોને લેખિતમાં કારની ડિલિવરી મોડી મળશે તેવું સ્પષ્ટપણે જણાવી દીધું છે. ચિપની અછતના કારણે સર્જાયેલી સ્થિતિને પગલે કંપનીઓએ પોતાની કારના મોડેલ્સમાં ફેરફારો કરવાના શરૂ કર્યાં છે. બજારની માગને પહોંચી વળવા કેટલીક કંપનીઓ પોતાના મોડેલ્સમાં સેમિકન્ડક્ટર ચિપ ઓછી વપરાય તેવા પ્રયાસો કરીને અમુક ફીચર્સ ઓછા કરી રહી છે. વડોદરામાં દર મહિને ૩૫૦૦ જેટલા બુકિંગ થાય છે પણ છેલ્લા બે મહિનાથી આ બુકિંગમાંથી ૧૭૦૦ને જ ડિલિવરી આપી શકાઇ છે.કોરોનાકાળમાં મોટી સંખ્યામાં લોકો જાહેર પરિવહન છોડીને ખાનગી વાહનો તરફ વળતા ડિમાન્ડ વધી છે. બીજી તરફ સ્માર્ટફોન, લેપટોપ, ગેમિંગ કૉન્સલ જેવા સેમિકન્ડ્‌ક્ટર ચિપ આધારિત ઉપકરણોની ડિમાન્ડ પણ વધી છે. તેના કારણે વિશ્વભરમાં સેમિકન્ડ્‌ક્ટર ચિપની માગ વધતા તંગી સર્જાઈ છે. જેની અસર ઑટો ઇન્ડસ્ટ્રી પર થઈ છે.ભારતની કાર કંપનીઓ માટેની સેમિકન્ડક્ટર ચિપ તાઇવાન અને મલેશિયાથી આવે છે.આ દેશોમાં કોરોનાને લીધે ચિપના ઉત્પાદનને અસર થઈ છે. તાઇવાનની ટીએસએમસી( તાઇવાન સેમિકન્ડક્ટરસ મેન્યુફેક્ચરર કંપની)માં ૧ કરોડ ૨૦ લાખ ચિપની ક્ષમતાનો પ્લાન્ટ છે.વડોદરાના કાર શો રૂમ ડાઉનટાઉનના મેનેજર અક્ષય શાહે જણાવ્યું કે, હ્યુન્ડાઈએ એફએક્સ મોડેલ બંધ કરીને મ્યુઝિક સિસ્ટમ વિનાનું એફએક્સ એક્ઝિક્યુટિવ મોડેલ રજૂ કર્યું છે. લોકો વેઇટ કરવા તૈયાર નથી. કંપનીઓએ ૨૦થી ૩૦ % સપ્લાય ઘટાડ્યો છે.ઑટોમોબાઇલ ડિલર્સ એસોસએશનના પ્રમુખ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર ગંભીર અસર એસયુવી, લક્ઝુરિયસ કાર્સ અને હાઇએન્ડ બાઇક્સને થઇ છે. અમારા સરવે મુજબ ૩૫% ડિલરોને ત્યાં ૪ મહિનાનું તો ૬૦ % ડિલરોને ત્યાં બે મહિનાનું વેઇટિગં છે.

Related posts

ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ

aapnugujarat

અમરેલીમાં પોલીસે અટકાવ્યા સમૂહ લગ્ન

editor

વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1