Aapnu Gujarat
ગુજરાત

સંજયસિંહની તલાટીથી મામલતદાર સુધીની સફર…

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

સંજયસિંહ અશવાર-મામલતદાર કોડીનાર: હું અમદાવાદ ગયેલો એન્જિનિયર બનવા અને તલાટી બનીને પાછો આવેલો. આજે આ વાતને ૭ વર્ષ થયાં. તા-૦૨/૦૭/૨૦૧૪ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે તલાટી તરીકે હાજર થયો, ત્યારે માસીના દીકરા અજયે લીધેલી તસવીર એણે મને આજે મોકલી ને હું ભુતકાળમાં ખોવાઇ ગયો. વર્ષ 2013માં એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો થયો. હોસ્ટેલમાં રહેતા મોટાભાગના મિત્રોનું કોલેજ કેમ્પસમાં જ સારી સારી કંપનીઓમાં PLACEMENT થઈ ગયેલું પરંતુ મારું સિલેકશન ન થતા નિરાશા ઘેરી વળેલી. શું કરવું? શું ન કરવું? આગળ હવે શું? એવા તો કઈ કેટલાએ પ્રશ્નો મન, મસ્તિક પર ઘર કરી ગયેલા. ઘરે માતા-પિતા, ભાઈ-બહેન મોટી આશા સાથે અભ્યાસ બાદ નોકરી મળ્યાની ખુશ ખબર માટે રાહ જોતાં હતાં.એ દરમ્યાન બીજી નાની-મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યાં પણ ક્યાંય મેળ ના પડ્યો. આ પરિસ્થિતિઓ અનેકવાર પોતાના અસ્તિત્વ પર સવાલ કરતી હોય એવું લાગ્યા કરતું, પણ પછી એક વાત સમજાઇ ગઈ કે ભલે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હોય પણ આ ક્ષેત્રમાં આપડો મેળ પડે એવું લાગતુ નથી.આ ક્ષેત્ર માટે ખોટો સિક્કો હોવાનો અહેસાસ સમય અને કપરી પરિસ્થિતિઓએ કરાવી દીધો હતો. તે વખતે મારી સાથે જ કોલેજમાં EC ENGINEERING કરેલો મિત્ર સંદીપસિંહ જાદવ (જે હાલ કુતિયાણા મામલતદાર છે) મળ્યો. તે પહેલેથી જ સિવિલ સર્વિસની તૈયારી કરતા હતો. તેણે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરવાની સલાહ આપી. LUCENT’S GENERAL KNOWLEDGE નામની બૂક પણ લાવી આપી. અને ત્યાથી જ અધિકારી બનવાના સ્વપ્નને દિશા મળી.આ સમયમાં સંકલ્પ કર્યો કે, ‘જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી ઘરે જવુ નહીં.’ નાનપણથી જ ઇત્તર વાંચનનો શોખ હતો. સરકારી નોકરી માટેની તૈયારી માટેના પુસ્તકો વાંચતા અનુભવ થયો કે આજ કરવાનુ હતું ખોટો ENGINEERING કરવા નીકળી પડ્યો, પણ હવે જાગ્યાં ત્યાંથી સવાર….
2013માં સ્પીપાએ UPSC સિવાયની કેન્દ્ર સરકારની ભરતીઓ માટે CGRS નામની નવી બેચ શરુ કરી જે 4 મહિના માટે હતી. તેની પ્રવેશ પરીક્ષામાં ઓછી તૈયારી સાથે પાસ થયા અને સ્પીપાનો પરિચય થયો. ત્યાં તૈયારી કરતા વિવિધ લોકોને મળવાનું થયું અને સિવિલ સર્વિસની તૈયારી માટેની નવી જ દિશા મળી.આ તૈયારી કરતી વખતે નક્કી કર્યું કે કોઈ પણ જગ્યા માટે ભરતી આવે પરીક્ષા તો આપવી જ, આમાં જુદી જુદી ભરતી માટેની પરીક્ષામાં પ્રથમ વખત હાઇકોર્ટ Dy.soની પ્રીલીમ અને મુખ્ય પરીક્ષા પાસ કરી પણ ઈન્ટરવ્યૂ ઓછાં માર્ક્સને કારણે સિલેક્શન ના થયું. આ દરમ્યાન ફેબ્રુઆરી 2014માં ગુજરાત સરકારના પંચાયત વિભાગની તલાટી-કમ-મંત્રીની પરીક્ષા સાથે-સાથે IBPS PO, CLERK, NATIONAL INSURANCE AAO, RRB RAILWAY. જેવી અન્ય પરીક્ષાઓ પણ આપી હતી.
સદભાગ્યે GPSC CLASS-1-2 ની ભરતી બહાર પડી. જેની રાહ જોતાં હતાં એ ભરતી આવી ગઈ હતી. કોઈ પણ ભોગે આ પરીક્ષા પાસ કરવાની હતી. બરાબર એ જ વખતે જૂન-2014માં તલાટી કમ મંત્રીનુ પરિણામ આવ્યું. પાસ થયા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે હાજર થવાનું હતું, પણ અવઢવમાં હતા GPSC CLASS-1,2ની તૈયારી કરવાની હતી જ તલાટીની નોકરી સ્વિકારી લઉ તો તૈયારીનું શું થાય..? ઘરે કીધું પણ ન હતું કે તલાટીની નોકરી મળી ગઈ છે. પણ ગામમાં બીજા લોકોને ખબર પડી એટલે એમણે પપ્પાને કીધુ અને પપ્પા અને બીજા વડીલોએ સમજાવ્યું કે ઘરની આર્થિક પરિસ્થિતિ જોતા હાલ પુરતી આ નોકરી સ્વિકારી લેવી જોઈએ.મનમાં વિચાર આવ્યો કે અત્યાર સુધી તો માતા-પિતાએ ખર્ચો કર્યો છે. જો આ નોકરી સ્વિકારી લઈશ તો અમદાવાદમાં રહીને થતો ખર્ચો બંધ થાય અને ઉપરથી 4000 જેવો પગાર ઘરે આપી શકાય. આ વિચાર સાથે જ અમદાવાદથી બિસ્તરા-પોટલા લઈ અને સીધો ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે હાજર થયો પછી જ ઘરે ગયો. 
અહા… મારી પ્રથમ નોકરી  તલાટી કમ મંત્રી, રતનપર, તા-ધ્રાંગધ્રા, જી-સુરેન્દ્રનગર… પછી તો તલાટીમાંથી ક્લાર્ક, નાયબ મામલતદાર અને મામલતદાર સુધીની સફર થઈ, પણ તલાટીની નોકરીનો પ્રથમ પગાર મને મામલતદારના પ્રથમ પગાર કરતો મોટો અને વહાલો લાગેલો…
સંજયભાઈની પીઠ થાબડવાનું મન થાય એવી કામગીરીકોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
સાહેબને બાળપણમાં ચંપલ વગર પસાર કરેલા દિવસો યાદ આવી ગયા. લોકડાઉનમાં એક દિવસ તડકામાં ઉઘાડા પગે જતાં બાળકોને જોઈ કોડીનાર મામલતદાર સાહેબે પોતાના ઓપરેટરને સૂચના આપીને બુટ-ચંપલની દુકાન ખોલાવી બાળકોને પગરખાની વ્યવસ્થા કરી આપી. દુકાન માલિકે પણ એક પણ રૂપિયા લીધા વગર બધા બાળકોને ચંપલ આપ્યા, ઉપરાંત પોતાની ઘરેથી કપડાં પણ આપ્યા. ‘માટે તમે શું છે એ કરતાં પણ શું હતા એ યાદ રાખવું જોઈએ.’ એટલું જ નહીં ઉનામાં આવેલા ભયંકર તૌકતે વાવાઝોડા સમયે વૃક્ષ કાપનારા અન્ય રસ્તા સાફ કરવામાં વ્યસ્ત હોઈ ઓફિસમાં પડી ગયેલા વૃક્ષ પર જાતે જ હાથ અજમાવ્યો હતો.

Related posts

SBIની સરલાની શાખામાં ઉપાડ માટે નોટીસ લગાવાઈ

editor

સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

aapnugujarat

વડોદરા ખાતે મહિલાઓ માટેના ખાસ રોજગાર મેળામાં વિવિધ નોકરીઓ માટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1