Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં હિમંત બિસ્વાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું

આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંત બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના ૧૫માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ અપાવ્યા હતા. આ સાથે જ શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા રવિવારે હિમંતને સર્વસમ્મતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. સરમાની સાથે સાથે કેટલાક મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
બિસવા આખા નોર્થ-ઈસ્ટમાં ઘણા જ અસરકારક માનવામાં આવે છે. સોનોવાલ સરકારમાં તેમણે ફાઇનાન્સ, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેયર, એજ્યુકેશન જેવા મુખ્ય વિભાગોની જવાબદારી સંભાળી હતી. કેન્દ્રીય નેતૃત્વના દિગ્ગજ નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધ છે. એવામાં મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ પર બિસ્વાને આસામની કમાન સોંપવા માટે ભારે દબાણ હતુ.બિસ્વા ૨૦૧૫માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. માનવામાં આવે છે કે અમિત શાહ તે સમયે બિસ્વાના રાજકીય સંચાલન કુશળતાથી પ્રભાવિત થયા હતા. નોર્થ-ઈસ્ટમાં પણ ભાજપના વિસ્તરણમાં બિસ્વાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર અમિત શાહે પણ આ હકીકત સ્વીકારી હતી.બિસ્વા નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સંયોજક પણ છે. ભાજપના નેતૃત્વમાં પ્રાદેશિક પક્ષોને લાવવા આ એલાયન્સના જોડાણની રચના કરવામાં આવી હતી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર બિસ્વાની નજર પણ હંમેશાં મુખ્યમંત્રીની ખુરશી પર જ હતી.
આ પહેલા ભાજપ અને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા સરમાએ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને તેમને મહાગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી સોંપી હતી. રાજભવન ખાતે સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, આસામ ગણ પરિષદના નેતા અતુલ બોરા અને કેશવ મહંત અને યુપીપીએલના નેતા પ્રમોદ બોરો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ મુખ્યમંત્રી પદ અંગેની અટકળોનો પણ અંત આવ્યો હતો, કારણ કે સોનોવાલ અને સરમા બંનેને દાવેદાર માનવામાં આવતા હતા. ભાજપના નેતૃત્વ દ્વારા બંને નેતાઓને આ મુદ્દે શનિવારે દિલ્હી ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને સોનોવાલને કેન્દ્ર સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના છે.ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સરમાનું નામ લેનાર સોનોવાલે કહ્યું કે નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (નેડા)ના કન્વીનર સરમા મારા માટે નાના ભાઈ જેવા છે. હું તેમને આ નવી યાત્રા માટે શુભેચ્છા પાઠવું છું. જ્યારે, સરમાએ કહ્યું હતું કે સર્વાનંદ સોનોવાલ તેમના ’માર્ગદર્શક’ બની રહેશે.સરમાએ સર્વસંમતિથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તેમના સંબોધનમાં સરમાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સોનોવાલ અને પાર્ટીના અન્ય નેતાઓના આભારી છે જેમણે તેમને રાજ્યની જનતાની સેવા કરવાની તક આપી. સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
આસામની ૧૨૬ સભ્યોવાળી વિધાનસભામાં શાસક ગઠબંધનને ૭૫ બેઠકો મળી છે. ભાજપને ૬૦ બેઠકો મળી છે જ્યારે તેના ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીપીએલ) ને અનુક્રમે નવ અને છ બેઠકો મળી છે.

Related posts

मेगा ब्लॉक के कारण बड़ी संख्या में गाड़ियां होगी प्रभावित

aapnugujarat

કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

aapnugujarat

દિલ્હીમાં ૧૦૦ કરોડનું હેરોઈન જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1