Aapnu Gujarat
બ્લોગ

“બકાના ગતકડાં”

આજે તો મારા ભાઈબંધને સરપ્રાઈઝ આપું એમ વિચારીને જીગો સવાર સવારમાં બકાના ઘરે પહોચ્યો.બારણું ખુલ્લું જ હતું. ‘ઘરમાં કોઈ છે કે …?’બૂમો પાડતા પાડતા આખું ઘર ફરી વળ્યો.કોઈ કરતા કોઈ ના મળે…અરે બાપરે…આમ ધોળે દહાડે ઘરબાર ખુલ્લા મુકીને ક્યાં જતા રહ્યા ?એણે બકાના મોબાઈલ પર રીંગ કરી.મોબાઈલની રીંગ તો ડ્રોઈંગ રૂમમાં જ વાગી.
“ બકા…એ ….બકા…” એણે મોબાઈલ હાથમાં લઈને બૂમ પાડી.
“ ઉંહ…..” ક્યાંકથી ધીમો જવાબી ઉહંકારો સંભળાયો.જીગાને ફાળ પડી.આ ઘર ખુલ્લું છે તે કોઈ ગુંડા બુંડાએ હાથપગ બાંધી ને મોમાં ડૂચો મારી…..ઓહ….જીગાને ઘડીક ગભરામણ થઈ આવી.એણે ઝડપથી આખા રૂમમાં નજર કરી.કોઈ કરતા કોઈ જ ના દેખાયું. સ્ટોર રૂમ ખોલીને પણ ચેક કરી લીધું.
“ બકા….ભાઈ તું ક્યાં છે …? મને દેખાતો કેમ નથી ?!” થોડા ઢીલા અવાજે જીગાએ ઘાંટો પાડ્યો.
“ તારી પાછળ જો.” બકાનો ધીમો અવાજ સંભળાયો.પાછળ તો દીવાલ હતી.ધ્યાનથી જોયું તો દીવાલે કશુંક હતું જેની ઉપર કપડું ઢાંકેલું હતું.તો બકાનો અવાજ આવે છે ક્યાંથી ?જીગાએ કપડું હટાવ્યું.ઓત્તારી…..આ તો કપડાનો ઢગલો .
“ ના ના આ બધું શું માંડ્યું છે…?”કોઈ જવાબ ના આવ્યો.
“ હા બોલને…જો આ રહ્યો.દેખાયો ને…”અકળાયેલા જીગાએ કપડા ખેચી ખેચીને નાખવા માંડ્યા.તો ઉપર પગ દેખાયા.નીચે માથું.
“ આમાં તને કોરોના ય ગોતી શકે એમ નથી.હાલ હવે બાર આવ બાપા.તે તો મારા સરપ્રાઈઝનું સત્યાનાશ કરી નાખ્યું.ઉલટાનું મને ટેન્શન કરાવી દીધું.આ ઘર ખુલ્લું …ને બધા ગયા ક્યાં?”
“ આ હું તો તારી સામે જ છું.શ્રીમતીજી વોકિંગ કરવા ગયા છે.છોકરાઓ ધાબે એકસરસાઈઝ કરે છે.”
“આ શીર્ષાસન કરવાનું ક્યારથી ચાલુ કર્યું?”
“ ઘરમાં રહી રહીને મગજ ચાલતું નથી.બસ…એટલે .”
“ લે એવું છે…” બેય દોસ્તારો ખડખડાટ હસ્યાં.બરાબર એ જ વખતે શ્રીમતીજીની એન્ટ્રી થઈ.
“ ભાભી આ એમ કહે છે કે ઘરમાં રહી રહીને એનું મગજ ચાલતું નથી.”
“ એમને ઘરમાં રાખી રાખીને અમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એમ કહો……આખો દિવસ કટકટ કટકટ કટકટ…એમની વાત જ ના કરો.જુઓ આ ફોટા.” કહીને મોબાઈલ લંબાવ્યો.
“ આ બધા બૈરાઓના ફોટા અમને શું કામ બતાવે છે ?”
“ માસ્ક જુઓ માસ્ક……કેવા એક એકથી ચડે એવી ડિઝાઈનના છે….! મારેય આવા ડિઝાઈનર માસ્ક બનાવડાવવા છે.પછીય હું ય આવી મસ્ત લાગીશ.”
“ એય …સાંભળ.આવા માસ્ક પહેરીને બહાર નીકળીશ એમાં જોખમ મોટું છે.લોકોની વાત જવા દે.જો કોરોનાને ગમી ગઈ તો ખલાસ….એ તારી પાછળ પડી જશે. જ્યાં તું ત્યાં કોરોના.હવે વિચાર આ કેટલું ડેન્જર કહેવાય !”
“ જાવ જાવ હવે….એવું તે કાંઈ હોતું હશે ?”
“ અરે…મારો એક દોસ્તાર છે.એ ભલભલા આત્મા સાથે વાત કરી શકે છે.તે એણે ગઈકાલે જ કોરોનાના આત્માને બોલાવેલો. હાલ….ભાગ્યો જા અહીયાથી …એમ કરીને જે ચાબુકો મારી…. જે ચાબુકો મારી….તે કોરોના જવા માટે કબુલ પણ થઈ ગયો…ને જતા જતા એમ પણ કહી ગયો છે કે જે મને ગમશે એની જ પાસે હું જઈશ.”
“ મને માન્યામાં કેમ આવે ?”
“ અમિતાભ બચ્ચનને કોરોના કેમ થયો ? બચ્ચન સાહેબનો અવાજ તો કેટલો માદક છે,તને ખબર જ છે. કોરોનાને બચ્ચન સાહેબનો અવાજ ગમ્યો….ઐશ્વર્યાની સુંદરતા ગમી…અભિષેક પણ હેન્ડસમ છે યાર…આટલા માટે જ કોરોના એમની પાસે ગયો.શું આ હાઈ પ્રોફાઈલ માણસો હેન્ડવોશ નહોતા કરતા?એમના ઘરે સેનેટાઇઝર નહોતા?માસ્ક નહોતા પહેરતા એમ તું માને છે ?એ બધું કરવા છતાં એ કોરોનાને ગમી ગયાં એટલે જ એમને કોરોના થયો.”
“ મને તારી વાતમાં દમ લાગે છે ભાઈ…” જીગો બોલ્યો.
“ કોરોના ઘરમાં આવે તો મને ગોતી ના શકે એ માટે તો હું કેટલા કલાક શીર્ષાસન કરું છું……પૂછ આને પૂછ……”
“ તમે હમણાં હમણાંના એટલે…”
“ જી મેડમ. કોરોના માણસની અંદર જવા નાક-મોં શોધે…પણ એને મારું નાક-મોં જ ના મળે તો …?”બકાએ રહસ્ય ખોલ્યું.
“ ઓહ…આને તો નાક-મોં છે જ નહી.ભાગો રે ભાઈ ભાગો.!!” જીગાએ સમજાવ્યું.
“ હવે સમજ્યો…અને તું ડિઝાઈનર માસ્ક્ના વિચારમાંથી બહાર આવ.આપણે કોરોનાથી બચવાનું છે. એને ગમવાનું નથી.” બકાની વાક્ચાતુરીથી મૂંઝાયેલા શ્રીમતીજી મૂંગા મૂંગા ચા મુકવા રસોડા તરફ ગયાં.એવો જ બકાનો ફોન રણક્યો.ફોન તો જીગાના હાથમાં જ હતો.સ્ક્રીન પર નામ વાંચીને જીગો ભડક્યો.
“ અલ્યા આ તારી ઉપર કોરોનાનો ફોન આવ્યો….બાપ રે બાપ…” આ સાંભળીને રસોડામાંથી શ્રીમતીજી દોડતા બહાર આવ્યાં.
“ શું વાત કરો છો ?” શ્રીમતીજીએ પહોળી આંખે પૂછ્યું.
જવાબમાં જીગાએ સ્ક્રીન બતાવી.સ્ક્રીન ઉપર નંબર અનનોન હતો પણ ગુગલ નામ બતાવતું હતું – કોરોના.શ્રીમતીજી તો બેહોશ જ થઈ ગયાં.જીગાના હાથમાંથી ફોન પડી ગયો.ને બકો બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો ; ‘ હે માં…આ કોરોનાથી બચાવ.હવેથી કોઈ દિવસ કોરોનાની સાચીખોટી વાતો નહિ કરું.પણ એનો ફોન મારી ઉપર ના આવવો જોઈએ. એનું ઠેકાણું નહી. એ તો ફોનમાંથી ય ઘૂસી જાય…!!!’

Related posts

हमें प्लास्टिक मुक्त भारत चाहिए

aapnugujarat

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ રાજકારણ પ્રેરિત ભાષણ કેટલું યોગ્ય…!!?

aapnugujarat

બોલિવુડમાં રાજકીય ફિલ્મોનો પ્રવાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1