Aapnu Gujarat
બ્લોગ

બોલિવુડમાં રાજકીય ફિલ્મોનો પ્રવાહ

હાલમાં સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ ગરમાયેલો છે દરેક પક્ષનાં રાજકારણીઓ જ નહી પણ કાર્યકરો પણ સક્રિય થઇ ગયા છે અને પ્રચાર ધડાકાભેર થઇ રહ્યો છે આમ તો મોટાભાગે પ્રચાર માઉથ ટુ માઉથ થતો હોય છે અને રાજકારણીઓ પણ પોતાની સુવિધાયુક્ત જિંદગી છોડીને તપતી ગરમીમાં પણ મતદારોને મળી રહ્યાં છે અને તેમને મત આપવા માટે અપિલો કરી રહ્યાં છે, મીડિયા ખાસ કરીને પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા ઉપરાંત ઇલેકટ્રોનિક મીડિયા પણ રાજકીય ચર્ચાઓથી ગરમાગરમ બની રહ્યું છે જે પ્રચારને વધારે ધમાકેદાર બનાવી રહ્યું છે.તેવામાં બોલિવુડ પાછળ રહી જાય તેવું તો બને જ નહી અને તે કારણે જ બોલિવુડ પણ પોતાની રીતે પ્રચારમાં ભાગ લઇ રહ્યું છે.
આ વખતે તો એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચુંટણીનો સંગ્રામ ફિલ્મો અને ડીઝીટલ સીરીઝો દ્વારા લડાવાનો છે.આ ફિલ્મો અને શ્રેણીઓનાં કેન્દ્રમાં કાંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અથવા તો તેમનાં વિચારોને રજુ કરવામાં આવ્યા છે.આ ફિલ્મો અને શ્રેણીઓ દ્વારા કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ સેલ્યુલોઇડ સંગ્રામમાં દક્ષિણની ફિલ્મો પણ પાછળ નથી.હાલમાં જે કેટલીક નોંધપાત્ર ફિલ્મો રજુ થઇ તેમાં રોની સ્ક્રુવાલાની ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક મુખ્ય છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહત્વપુર્ણ પાત્રમાં રજુ કરાયા હતા જે પાકિસ્તાની હુમલાખોરો દ્વારા કરાયેલા હુમલા બાદ સેનાને સર્જિકલ સ્ટ્રાઇકની મંજુરી આપે છે અને તેઓ કઇ રીતે આ અભિયાનને અંજામ આપે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.રાજીમાં જે અભિનેતા સહાયક તરીકે કામ કરતા હતા તે વિક્કી કૌશલને અહી મુખ્ય ભૂમિકા સોંપાઇ હતી.
આ ફિલ્મ એટલી હીટ નિવડી છે કે તે ઓલ ટાઇમ ટોપ બોક્સ ઓફિસ ગ્રોસર ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે.આ ફિલ્મે વિક્કી કૌશલને સુપરસ્ટાર બનાવ્યો છે.આ ફિલ્મની સાથોસાથ બટાલિયન ૬૦૯ અને ૭૨ અવર્સ માર્ટીર નેવર ડાઇ પણ રજુ થઇ હતી.જો કે આ ફિલ્મોનો એટલો પ્રચાર પ્રસાર કરાયો ન હોવાને કારણે તે દર્શકોમાં એટલી જગા બનાવી શકી ન હતી અને તે નિષ્ફળ જવા પામી છે.જો કે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ સારી રીતે ઉભરી આવ્યું હતું.ફિલ્મમાં વડાપ્રધાનની ભૂમિકા રજત કપુરે નિભાવી હતી.ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ આગામી સમયમાં જે ફિલ્મ રજુ થવાની છે તેમાં લાલ બહાદુર શાસ્ત્રીનાં જીવન પર આધારિત તાશ્કંદ ફાઇલ્સ મહત્વપુર્ણ છે.આ ફિલ્મ લેખક નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ બનાવી છે.
આ ફિલ્મમાં તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીનાં થયેલા રહસ્યમય મોતની વાતને રજુ કરશે.જો કે આ ફિલ્મ અંગે મીડિયાને વધારે જાણકારી આપવામાં આવી નથી આથી તે ફિલ્મ રજુ થયા બાદ જ તેમાં શું છે તે જાણી શકાશે.ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, નસીરૂદ્દીન શાહ, મંદિરા બેદી, રાજેશ શર્મા, પંકજ ત્રિપાઠી, વિજય પાઠક, અચિંત્ય કૌર જેવા કલાકારો લેવાયા છે.આ ફિલ્મ વિવાદાસ્પદ બનવાની પુરી શક્યતા છે કારણકે લાલ બહાદુર શાસ્ત્રીનાં મોત માટે હંમેશા કોંગ્રેસ પર આંગળીઓ ચિંધાતી આવી છે અને આ ફિલ્મમાં પણ કદાચ એ વાતને જ ઉલ્લેખિત કરાઇ હોવાની શકયતા છે કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રી રશિયાથી આવ્યા બાદ તાશ્કંદ કરારને રદ કરવાનો ઇરાદો ધરાવતા હોવાને કારણે જ તેમને રશિયામાં જ મોતને ઘાટ ઉતારાયા હતા જો કે આ વાતને ક્યારેય પુરવાર કરી શકાઇ નથી પણ એ વાત તો છે કે તેમનું મોત આજે પણ રહસ્યમય જ મનાય છે.વિવેગ અગ્નિહોત્રીને આમેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચુસ્ત સમર્થક માનવામાં આવે છે.
હાલમાં એક અન્ય ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ ખાસ્સો વિવાદ જગાવ્યો છે.નિર્માતા સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહની આ ફિલ્મમાં વડાપ્રધાનની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી છે.આ ફિલ્મમાં વડાપ્રધાનનાં જીવનને દર્શાવવામાં આવ્યું છે.આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યુ છે.ઓમંગ કુમારની આ ત્રીજી બાયોપિક ફિલ્મ છે.આ પહેલા તેમણે મહિલા બોકસર મેરી કોમનાં જીવનને પરદા પર ચિત્રિત કર્યુ હતું.આ સિવાય પાકિસ્તાનની જેલમાં મરણ પામેલા સરબજિતનાં જીવન પરથી પણ તેમણે ફિલ્મનું નિર્માણ કર્યુ હતું આ બંને ફિલ્મો ખાસ્સી ચર્ચાસ્પદ અને સફળ રહી હતી.મેરીકોમ માટે તો તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.
જો કે પીએમ મોદીને હાલમાં કોંગ્રેસનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.આ ફિલ્મ દ્વારા ચુંટણીનાં સમયે રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા એ ખબર હતી કે એનઆરઆઇ મિતેશ પટેલ ચાલીસ કરોડનાં ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન પર ફિલ્મ બનાવવાનાં છે.આ ફિલ્મમાં વડાપ્રધાનની ભૂમિકા ભાજપ સાંસદ અને અભિનેતા પરેશ રાવલ નિભાવવાનાં હતા.જો કે હાલમાં આ ફિલ્મ અંગે કોઇ વધારે માહિતી બહાર આવી નથી.ઇરોસ ઇન્ટરનેશનલનાં ડિઝીટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ માટે ડિઝીટલ સીરિઝનું નિર્માણ થવાનું છે જેનું ટાઇટલ મોદી : ધ જર્ની ઓફ અ કોમન મેન. આ શ્રેણીનું નિર્માણ ઉમેશ શુકલ અને આશિષ વાઘ કરી રહ્યાં છે.તેમણે અક્ષય કુમારની સાથે ઓહ માય ગોડ બનાવી હતી.આ શ્રેણીમાં વડાપ્રધાનનાં જીવનની તમામ ઘટનાઓને દર્શાવવામાં આવશે. શ્રેણીની શરૂઆત બાર વર્ષનાં નરેન્દ્ર મોદી સાથે થશે.આ ફિલ્મમાં વડાપ્રધાનની ભૂમિકા ત્રણ અભિનેતાઓ ફૈસલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર ભજવશે.દસ ભાગની આ ફિલ્મનો દરેક એપિસોડ ૩૫ થી ૪૦ મિનિટનો હશે.હાલમાં જ વડાપ્રધાનનાં જન્મદિને કલિંગા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇંસીસમાં ૨૭ હજાર આદિવાસી બાળકો માટે લઘુ ફિલ્મ ચલો જીતે હૈનું પ્રદર્શન કરાયું હતું.આ ફિલ્મનું નિર્માણ ફિલ્મકાર આનંદ એલ રાયે કર્યુ હતું જેમણે વડાપ્રધાનનાં શૈશવકાળને આ ટુંકી ફિલ્મમાં આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો.આ ફિલ્મનું નિર્દેશન મંગેશ હદાવલે કર્યુ હતું.હાલમાં જ ત્રીજી માર્ચે વડોદરા રેલવે સ્ટેશન પર ડિઝીટલ શ્રેણીનું શુટિંગ કરાયું હતું જેમાં ગોધરાકાંડની ઘટનાઓનું ચિત્રણ કરાયું છે.આ ફિલ્મમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શાસન કુશળતાને દર્શાવવામાં આવી છે.સાબરમતી એક્સપ્રેસ કાંડની આઉટડોર શુટિંગ ઉપરાંત ઇનડોર શુટિંગ માટે મુંબઇમાં જ સેટ તૈયાર કરાયો હતો.આ શ્રેણી પણ ચુંટણી પહેલા જ રજુ થાય તેવી શક્યતા છે.
માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું છે તેમ નથી રાહુલ ગાંધી પર પણ ફિલ્મ બની રહી છે.આ ફિલ્મની રજુઆત પણ એપ્રિલમાં થવાની શક્યતા છે આ ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પોલ કરી રહ્યાં છે ફિલ્મમાં રાહુલની ભૂમિકા અશ્વિની કુમાર, નરેન્દ્ર મોદીની ભૂમિકા હિમાંત કાપડિયા કરી રહ્યાં છે.આ ફિલ્મમાં રાજુ ખેરની પણ નાનકડી ભૂમિકા છે.જો કે રૂપેશ પોલનું નામ ઇરોટિક સેકસી ફિલ્મો માટે વધારે જાણીતું છે જેણે કામસુત્ર થ્રીડી બનાવી હતી અને તેમની એક ફિલ્મનું ટાઇટલ ધ ટેમ્પટેશન બિટવીન માય લેગ હતું.આમ તો મોદીની ફિલ્મો પહેલા પણ અન્ય રાજકારણીઓનાં જીવન પર ફિલ્મો પ્રદર્શિત થઇ ચુકી છે.ગત વર્ષે ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રજુ થઇ હતી.આ ઉપરાંત આ વર્ષે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેનાં જીવન પર આધારિત ઠાકરે રજુ થઇ હતી.ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં યુપીએનાં દસ વર્ષનાં શાસનકાળને દર્શાવવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન મનમોહનસિંહની ભૂમિકા અનુપમ ખેરે નિભાવી હતી.ઠાકરેમાં ઠાકરેની ભૂમિકા નવાજુદ્દીન સિદ્દીકીએ નિભાવી હતી.
દક્ષિણમાં પણ બે ભાગમાં બનેલી ફિલ્મ એનટીઆર રજુ થઇ ચુકી છે જેમાં તેલુગુ ફિલ્મ અભિનેતાનાં આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાની કથાને રજુ કરાઇ છે.આ ફિલ્મ કથાનાયકુડુ અને મહાનાયકુડુ નામે રિલીઝ થઇ છે.જો કે આ ફિલ્મને જોઇએ તેટલી સફળતા હાથ લાગી નથી. રામગોપાલ વર્માએ પણ તેમનાં જીવન પર લક્ષ્મીજ એન્ટીઆર બનાવી હતી.આંધ્રપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી એસ રાજશેખરની રાજકીય યાત્રાને દર્શાવતી ફિલ્મ યાત્રા પણ રજુ થઇ ચુકી છે.આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જાણીતા અભિનેતા મામુટીએ ભજવી હતી.આગામી સમયમાં દક્ષિણમાં જ જે ફિલ્મ રજુ થવાની છે તેનુ ટાઇટલ વોચમેન રખાયું છે.જેમાં વડાપ્રધાનનો ઉલ્લેખ છે.હાલમાં જ તેનું ટ્રેલર અને પોસ્ટર રજુ થયા હતા જેમાં પોસ્ટરમાં કુતરો પણ મૈ ભી ચોકીદારનું બોર્ડ લટકાવેલ દર્શાવવામાં આવ્યો હતો.

Related posts

શું તમારા ઘરે પણ RO સિસ્ટમ છે ? આ પાણી પીનારા લોકોમાં જોવા મળે છે વિટામિન B12ની ઉણપ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો એટલે કુંભમેળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1