Aapnu Gujarat
બ્લોગ

માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો એટલે કુંભમેળો

યોગ બાદ હવે કુંભ મેળાએ સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન આકર્ષિત કર્યું છે. યુનેસ્કોએ ભારતમાં યોજાતા હિંદુઓના પવિત્ર કુંભ મેળાને વૈશ્વિક વિરાસતમાં સ્થાન આપ્યું છે. ગુરુવારે યુનેસ્કોએ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી.વડાપ્રધાન મોદીએ યુનેસ્કોના ટિ્‌વટને ટાંકીને કુંભમેળાને વૈશ્વિક વિરાસતમાં સ્થાન અપાયું તેના વિષે ટિ્‌વટ શુભેચ્છા પાઠવી છે.દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા હરિદ્વાર અને અલ્હાબાદમાં ગંગા નદીના કિનારે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે અને નાસિકમાં ગોદાવરી નદીના કિનારે યોજાય છે. આ આયોજન દર ૧૨ વર્ષે થાય છે. એટલે કે કુંભ મેળો દર ત્રણ વર્ષે ચાર સ્થાનો પર ક્રમવાર યોજાય છે. ‘યુનેસ્કોએ’માનવતાનો અદ્વિતિય વારસો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ કામ કરતી અદ્વિતિય સાંસ્કૃતિક વારસાનું જતન કરતી સંસ્થા ‘યુનેસ્કોએ’ કૂંભ મેળાને માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો ગણાવ્યો.ધાર્મિક યાત્રાળુઓના સૌથી મોટા મેળાવડા તરીકે ઓળખાતા આ મેળાની સાથે અન્ય ધાર્મિક મેળાવડાઓ યોજાતા હોય તેવા બોટસવાના, કોલંબીયા, વેનેઝુએલા, મંગોલીયા, મોરોક્કો, તુર્કિ અને આરબ અમિરાત જેવા દેશોના સમાવેશ થશે. જો કે ભારતીય સંતોનો કૂંભ મેળો એ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાય છે.કૂંભમેળો, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસીકમાં યોજાય છે. જેમાં પવિત્ર નદીઓને કિનારે દૈહિક તેમજ આદિભૌતિક માનવ દેહના શુધ્ધિકરણ માટે કેટલીક પરંપરાગત પૂજા અને રીત-રીવાજોનો અમલ કરાતો હોય છે.કૂંભ મેળાને પરંપરાગત વારસાની યાદીમાં સામેલ કરવાની ભલામણ નિષ્ણાંતોની ટીમ કરે છે. જ્યારે સદસ્ય દેશો તેમની ભલામણ કે સૂચન અંગે વિગતે અભ્યાસ કરતા હોય છે. આ સમિતિએ એ બાબતની પણ નોંધ લીધી છે કે કૂંભ મેળાની પરંપરાની સાથે ગુરૂ-શિષ્ય પરંપરા પણ જળવાઈ રહી છે અને કુંભ મેળામાં એકત્ર થતા સાધુઓ આ પરંપરાને સૂપેરે જાળવી જાણે છે.કૂંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો ગુરૂ શિષ્ય પરંપરાની જાળવણી કરતો મેળાવડો છે જેમાં લાખો લોકો જાતિ, સંપ્રદાય અને પોતાની જાતને પણ ભૂલીને સામેલ થઈ જાય છે. તેમ શર્માએ ટિવટ કર્યું હતું.યુનેસ્કોએ દક્ષિણ કોરિયાના જેજુમાં થયેલા પોતાના ૧૨માં સત્રમાં કુંભ મેળાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિ સૂચીમાં શામિલ કર્યો છે. કુંભ મેળાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાં કેન્દ્રીય સાંસ્કૃતિ પ્રધાન મહેશ શર્માએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્‌વીટ કરીને ગર્વ અનુભવ્યો.લેખકો જૅક હેબનર લેખક-ફોટોગ્રાફર ડેવિડ ઓસ્બોર્ને સાથે મળીને પ્રયાગના કુંભમેળા વિશે એક સતસવીરી પુસ્તક લખ્યુ છે, જે ૧૯૯૧માં પ્રકાશિત થયું હતું અને તેની પેપરબેક આવૃત્તિની ઓન લાઈન કિંમત ૧૪૦૦ રૂપિયાની છે. ઉત્તમ રીતે, વિગતવાર, સંશોધનાત્મક લખાણ કરીને લેખકોએ આ કુંભના અનુભવને આલેખ્યો છે. તેમાં આરંભે જ તેમણે લખ્યું છે કે જેણે જોયું છે તેણે જ જાણ્યું છે કે શ્રદ્ધા કેવા પ્રચંડ સ્વરૂપે લહેરાતી, હરતીફરતી, દૈવીભાવ આપતી અનુભવાતી હોય છે. ચીની પ્રવાસી સાધુ ઝ્‌વાનઝાંગ અથવા હ્યુએન ત્સંગે સાતમી સદીમાં તેની ડાયરીમાં કુંભમેળાનું વર્ણન કર્યું છે અને કુંભનું આવું લેખન કરનારો એ પહેલો પ્રવાસી હતો. આ સાધુ રાજા હર્ષવર્ધનના શાસનકાળમાં ભારત આવ્યો હતો. એણે માઘ-મહા જેવા હિન્દુ મહિનામાં ગંગા નદીના કિનારે, અલાહાબાદ ખાતે પાંચ લાખ લોકો એકત્ર થયાનો આંખે દેખ્યો અહેવાલ લખ્યો છે.ભારતમાં અનાદિ કાળથી, પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર કુંભ ચાર સ્થળે યોજાય છે. પ્રયાગ, હરિદ્વાર, ઉજજ્‌ૈન અને નાશિક-ત્ર્યંબકેશ્ર્‌વબરમાં કુંભમેળાનું આયોજન થાય છે. એ દરેકનો જ્યોતિષ અનુસારનો કાળ મુકર્રર છે. સમુદ્રમંથન સમયે અમૃત કળશ નીકળ્યો અને દેવો-રાક્ષસો વચ્ચે લડાઈ થઈ એ દરમિયાન ગરુડજી દેવોની આજ્ઞા અનુસાર કુંભને સ્વર્ગલોકમાં લઈ જતાં હતાં ત્યારે કુંભ છલકાતા અમૃતના ટીપાં પડ્યાં ત્યાં કુંભ મેળો યોજાય છે, એવી પુરાણ કથા છે. આ મેળાનું આગવું એક ચક્ર છે. કુંભમેળાનો એક માત્ર ઉદ્દેશ નિર્ધારિત પવિત્ર કાળમાં નિર્ધારિત પવિત્ર દિવસે અહીંની પવિત્ર નદીમાં પવિત્ર સ્નાન કરીને પાપ અથવા પૂર્વ કર્મો ધોઈને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો. આપણે સહેજ જાણીએ કુંભ મેળાના દરેક સ્થળનું આગવું મહત્ત્વ. ગુરુનો ગ્રહ અને સૂર્ય સિંહ રાશિમાં આવે ત્યારે નાશિકમાં ગોદાવરી તીરે કુંભ થાય છે અથવા ગુરુ સિંહ રાશિમાં આવે એટલે સિંહસ્થ થાય ત્યારે ગોદાવરી તટે કુંભ થાય છે એમ કહેવાય છે. બ્રહ્માંડ પુરાણમાં નાશિક, પ્રયાગ, પુષ્કર, ગયા અને નૈમિષને પાંચ મુખ્ય તીર્થમાં ગણાવ્યા છે અને છઠ્ઠું કોઈ તીર્થ છે જ નહીં એમ સ્પષ્ટ કહ્યું છે. (નાસિકં ચ પ્રયાગં ચ નૈમિષં પુષ્કરં તથા…, પંચમંચ ગયા ક્ષેત્ર ષષ્ઠં ક્ષેત્ર ન વિદ્યતે.) વળી ગોદાવરી તો દેવોને પણ દુર્લભ કહી છે એ દક્ષિણ વાહિની છે (કાલિંદી પશ્ચિમમાં પુણ્યા, ગંગાચોત્તર વાહિની…, વિશેષ દુર્લભાજ્ઞેયા, ગોદા દક્ષિણ વાહિની- વામન પુરાણ). કહેવાયું છે કે સાઠ હજાર વર્ષ સુધી ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એટલું જ પુણ્ય સિંહસ્થ કાળમાં ગોદાવરી નદીમાં એક જ વાર સ્નાન કરવાથી મળે છે. વળી, મહારાષ્ટ્રની વાયવ્ય દિશામાં આવેલા નાશિક શહેરનું ભારતનું પ્રાચીન શહેર હોવાનું આગવું મહત્ત્વ તો છે જ. રામાયણના કાળમાં ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ દરમિયાન અહીં વસ્યા હતા, એમ કહેવાય છે. ભારતમાં ગંગા નદી પછી બીજી સૌથી મોટી નદી ગણાતી ગોદાવરીના તીરે ત્ર્યંબકેશ્ર્‌વર નગર વસેલું છે, તેની નૈઋત્યમાંથી ગોદાવરી નીકળે છે અને ૧૪૬૫ કિલોમીટર કાપીને બંગાળાના ઉપસાગરમાં મળી જાય છે. રામબંધુ લક્ષ્મણે અહીં જ શૂર્પણખાનું નાક કાપ્યું હતું. રામાયણના અનેક પ્રસંગો અહીં બન્યા હતા અને સીતા ગુફા સહિત અનેક સ્થળો પુરાવા રૂપે હાજર છે. પંચવટી, રામકુંડ, મુક્તિધામ મંદિર, ત્ર્યંબકેશ્ર્‌વર, કાળારામ મંદિર જેવા અનેક શ્રદ્ધા બળવાન કરતા સ્થળો દર્શનીય છે. સ્કંદ પુરાણમાં સિંહસ્થનું માહાત્મ્ય કહેવાયું છે કે, ગુરુનો ગ્રહ-બૃહસ્પતિ જ્યાં સુધી સિંહ રાશિમાં નિવાસ કરે છે ત્યાં સુધી જગતના તમામ તીર્થ, નદીઓ, સાગર, ઋષિ-મહર્ષિ તથા ઈન્દ્ર વગેરે સાથે તેત્રીસ કરોડ દેવતા પણ શ્રી ક્ષેત્ર નાસિકમાં ગોદાવરીના તીરે વાસ કરે છે. અહીં અનેક પ્રકારની વિધિવિધાન કરવાથી મહાપુણ્ય મળતું હોવાનું માનવામાં આવે છે. નાશિક જિલ્લામાં ત્ર્યંબક-ત્ર્યંબકેશ્ર્‌વર એ એક પવિત્ર નગર છે અને ૧૨ જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ છે. અહીં શિવરાત્રિનો વાર્ષિક ઉત્સવ ભારે ધૂમધામથી યોજવામાં આવે છે. અહીં ગોદાવરીમાં ૫૦૦ વર્ષ અગાઉ સંત ચૈતન્ય મહાપ્રભુએ પાપનાશિની-આત્માશુદ્ધ કરતી ગોદાવરીમાં સ્નાન કર્યું હોવાનું કહેવાય છે.જ્યોતિષની રીતે ગુરુ મેષ અથવા વૃષભમાં આવે અને સૂર્ય તથા ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે અલાહાબાદ-પ્રયાગમાં કુંભ મેળો યોજાય છે. તેમાં પણ એ દિવસે અમાવસ્યા હોય ત્યારે તો શ્રદ્ધાળુઓને મન એ અવસર મહામૂલું મહત્ત્વ મેળવે છે. એ સિવાય મકરમાં સૂર્ય અને ગુરુનું વૃષભ ગમન પણ પ્રયાગમાં કુંભના અવસરનું નિમિત્ત છે. ગંગા-યમુના-અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થાને યોજાતા કુંભનું મહત્ત્વ અનેરું અને અદકેરું છે. ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ શહેરમાં ગંગા-યમુનાના સંગમ સ્થાન ભારતનું પ્રાચીન જાત્રાધામ છે. ઋગ્વેદમાં પ્રયાગનું માહાતમ્ય ગવાયું છે. પરંપરાગત રીતે પણ ભારતની બે અતિ પવિત્ર મનાતી નદીઓ વચ્ચેનો પ્રદેશ અતિ ફળદ્રુપ મનાય છે. અહીં ૨૭ જાન્યુઆરી, ૨૦૧૩થી પૂર્ણ કુંભ યોજાયો હતો. આમ તો દર બાર વર્ષે પૂર્ણ કુંભ ફરી તે જ સ્થળે યોજાય છે. ૨૦૦૭ના અર્ધ કુંભ દરમિયાન સાત કરોડ લોકોએ અલાહાબાદ કુંભમાં સ્નાન કર્યાનો એક અહેવાલ હતો. આવા લોકોમાં સામાન્યજનથી માંડીને અનેક વિદ્વાનો, પંડિતો, સાધુઓ અને ધનિકો સુધીના સૌનો સમાવેશ થતો હોય છે. જૅક હેબનરે અને ડેવિડ ઓસ્બોર્ને તેમના પુસ્તકમાં લખ્યું છે કે આઠમી સદીમાં શંકર નામના સાધુએ અથવા શંકરાચાર્યે સાધુઓથી માંડીને સામાન્ય લોકોમાં કુંભ મેળા માટે મહત્ત્વ અને લોકપ્રિયતા ઉભી કરી હતી. એ જ પુસ્તકમાં નોંધ્યું છે કે ૧૯૭૭ સુધીમાં કુંભમાં આવનારાઓની સંખ્યા વધવા લાગી હતી, વધીને એક તબક્કે દોઢ કરોડની થઈ હતી અને ૧૯૮૯ સુધીમાં આ સંખ્યા વધીને ૨.૯ કરોડની થઈ ગઈ હતી.સમુદ્રને મથવામાં આવ્યો ત્યારે મંદાર પર્વતનો વલોણી તરીકે અને વાસુકી નાગનો વલોણીની રાશ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દેવો અને રાક્ષસોએ ૧૦૦૦ વર્ષ સુધી સમુદ્રનું મંથન કર્યું હતું.આખરે અમૃતકુંભ પ્રાપ્ત થયાનું આ બે વિદેશીઓ તેમના પુસ્તકમાં નોંધે છે. ૧૨ પૂર્ણ કુંંભ મેળા થાય ત્યારે મહાકુંભ મેળો યોજવામાં આવે છે. પ્રયાગમાં ૨૦૦૧નો મહાકુંભ મેળો સાત કરોડથી વધુ લોકોની હાજરીનો સાક્ષી બન્યો હતો. (૧૨ વર્ષ ગુણ્યા ૧૨ કુંભનું પરિણામ ૧૪૪ વર્ષમાં આવે) ૧૪૪ વર્ષે કુંભમેળો યોજાય છે.
પ્રયાગના કુંભને સૌથી વધુ પવિત્ર, સૌથી મોટો અને સૌથી વધુ ભક્તિભાવનો માનવામાં આવે છે. એવી કથા કહેવાય છે કે દરેક યુગ કે કલ્પના અંતે પૃથ્વીનો નાશ કરતા મહાપ્રલયમાં પણ પ્રયાગ અખંડ અને અક્ષુણ્ણ રહે છે. ભગવાન વિષ્ણુ અહીં વડના પાંદડાં ઉપર બાળકના રૂપે-યોગમૂર્તિ તરીકે અહીં વસે છે. આ તબક્કે વિષ્ણુને વેણીમાધવ કહેવામાં આવે છે.
બીજી એક માન્યતા એવી પણ છે કે ભગવાન શંકર અહીં અવિનાશી વડના વૃક્ષ તરીકે એટલે કે અક્ષય વટવૃક્ષ તરીકે મૂર્તિમંત છે. આ વૃક્ષની બાજુમાં જ શિવશંકરનું મંદિર છે. અલાહાબાદનું મૂળ નામ પ્રયાગ એટલે કે અપર્ણ કે નૈવેદ્ય ચડાવવાનું સ્થળ એવું છે. આ નામ અને ત્રણ પવિત્ર નદીના સંગમમાંથી આવ્યું છે. આ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું શહેર છે અને હિન્દુ ધર્મગ્રંથોમાં કેન્દ્રીય ભૂમિકા ધરાવે છે. અલાહાબાદને હસ્તિનાપુરના કુરુ શાસકો દ્વારા મૂળ કૌશામ્બી નગર કહેવામાં આવતું હતું. અલાહાબાદને આઝાદીની ચળવળમાં પણ ખાસ્સું મહત્ત્વ મળ્યું હતું. પ્રયાગ તો વેદકાળમાં પણ હતું એવો વેદમાં ઉલ્લેખ છે. કહેવાય છે કે સૃષ્ટિના સર્જક બ્રહ્માએ અહીં ધાર્મિક વિધિ પ્રમાણે બલિ આપ્યાનો ઉલ્લેખ છે.ઉત્તરાખંડના હરીદ્વાર જિલ્લા મ્યુનિસિપાલિટીનું પ્રાચીન નગર. હરિદ્વારને લોકો હરદ્વાર તરીકે ઓળખે છે. હરી કે હરની તરફ ખુલતું બારણું-દ્વાર તે આ નગર. ગંગા ગંગોત્રીમાં ગૌૈમુખથી નીકળી, ૨૫૩ કિલોમીટરનો પ્રવાસ ખેડીને ઉત્તર ભારતના સિંધુ-ગંગાના કાંપવાળા મેદાની વિસ્તારમાં પહેલીવાર પ્રવેશ કરે છે તે હરિદ્વારમાં. એ ઘટનાએ શહેરને ગંગાદ્વાર નામ પણ આપ્યું છે. હિન્દુઓ દ્વારા જે સાત પવિત્ર નગરો (સપ્ત પુરી) કહેવાય છે તેમાં હરિદ્વારનો સમાવેશ છે. વળી સમુદ્રમંથન અનુસાર ગરુડજી દ્વારા અમૃતકુંભને લઈ જતા અમૃત જે સ્થળે અમૃત છલકાયું ને ટીપાં પડ્યાં તેમાં હરિદ્વારનો સમાવેશ છે. અહીં બ્રહ્મકુંડ એ સ્થળ છે જ્યાં અમૃત ઢોળાયું હતું. ‘ આ બ્રહ્મકુંડ ‘હર કી પૌડી’ (પરમેશ્ર્‌વરનાં ચરણ) ખાતે આવેલો છે, એને હરિદ્વારમાં સોથી વધુ પવિત્ર ઘાટ માનવામાં આવે છે.હરદ્વાર અને હરિદ્વાર આવા બેઉ નામોને આગવું મહત્ત્વ છે. હર એટલે ભગવાન શંકર અને દ્વાર એટલે પ્રવેશમાર્ગ કે બારણું. હરદ્વાર એટલે ભગવાન શંકરના પ્રદેશનું બારણું. કૈલાસ પર્વત જતી જાત્રા કરવી હોય કે કેદારનાથ જવું હોય કે ઉત્તરના જ્યોતિર્લિંગોના દર્શન કરવા હોય અથવા નાની પરિક્રમા કરવી હોય કે ગૌમુખ જવું હોય તો જાત્રાનો આરંભ કરવા માટે હરદ્વાર યોગ્ય સ્થળ છે. હરિ એટલે ભગવાન વિષ્ણુ એટલે હરિદ્વારનો અર્થ ભગવાન વિષ્ણુના પ્રદેશમાં લઈ જતું દ્વાર તે આ હરિદ્વાર. બદ્રીનાથ જવા માટેનું આ યોગ્ય આરંભ સ્થળ છે. ચારધામની જાત્રામાં આવતાં બદ્રીનાથનું વળી આગવું મહત્ત્વ છે. વળી હરિદ્વારને દેવી સતીનું ઘર તથા તેમનાં પિતા દક્ષનું સ્થાન માનવામાં આવે છે. ભગવાન શિવને પરણેલાં સતીએ દક્ષના અપમાનિત કરતા વર્તનને પગલે અગ્નિ-સ્નાન કર્યાની પુરાણ કથા બહુ જાણીતી છે. હરિદ્વારનું પૌરાણિક નામ માયાપુરી હોવાનું કહેવાયું છે. હરિદ્વારને મોક્ષદ્વાર અને તપોવન પણ કહેવાય છે. કુંભમેળાનું અહીં વિશેષ મહત્ત્વ છે. હરિદ્વારમાં વર્ષ ૨૦૨૨માં મહાકુંભ મેળો યોજાશે. હિન્દુઓ માટે તો હરિદ્વાર શ્રદ્ધા-ભક્તિનું મોટામાં મોટું સ્થળ છે. ચૈત્ર માસમાં ગુરુનો કુંભરાશિ પ્રવેશ અને સૂર્યનો મેષ રાશિ પ્રવેશ હરિદ્વારમાં કુંભમેળો લાવે છે. અહીં હર કી પૌડી, ચાંદી દેવી મંદિર, મનસા દેવી મંદિર, કનખલ, પિરન ક્લયાર, નીલધારા પક્ષીવિહાર, ભીમગોડા તળાવ, દૂધાધારી બર્ફાની મંદિર, પાવનધામ, ભારતમાતા મંદિર જેવા અનેક સ્થળોની મુલાકાત હજારો લોકો લે છે.ઉજ્જૈન નગર ઉજ્જૈન, ઉજ્જૈની, અવંતી, અવંતીકા અને અવંતીકાપુરીના નામે પણ ઓળખવામાં આવે છે. મધ્ય ભારતના માળવા પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં ક્ષિપ્રા અથવા શિપ્રા નદીના પૂર્વ તીરે વસેલું પ્રાચીન નગર તે આજનું ઉજ્જૈન. આજે તે મધ્યપ્રદેશમાં છે અને તે ઉજ્જૈન જિલ્લાનું કે ડિવિઝનનું વહીવટી કેન્દ્ર છે. મહાભારતમાં તેનો અવંતીકા રાજ્યના પાટનગર ઉજ્જૈની તરીકે આવે છે. આ નગર શવિપંથી, વૈષ્ણવપંથી અને શાક્તપંથીઓનાં જાત્રાના સ્થળ તરીકે એકસરખું મહત્ત્વ ધરાવે છે. અશોક પથીથી રાજા થયો પણ તે પહેલા અહીં વસતો હોવાનું કહેવાયું છે. મૌર્ય યુગ બાદના સમયમાં સાંગા અને સતવાહન શાસકો આવ્યા હોવાનું ઈતિહાસ કહે છે. આ નગર માટે સતવાહનો અને શકો વચ્ચે લાંબો સમય યુદ્ધ થયું હતું. અગાઉ તે અવંતિકાનું પાટનગર કહેવાતું, ઈતિહાસકાર હર્માન કુલ્ક અને ઈતિહાસકાર ડાયટમર રોધરમન્ડે લખેલા ‘હિસ્ટરી ઑફ ઈન્ડિયા’ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, ‘ઉજ્જૈન મધ્ય ભારતમાં સૌથી શરૂનું થાણું હતું… જેના પ્રાથમિક કક્ષાના શહેરીકરણના સગડ છેક ઈસ્વીસન પૂર્વે ૭૦૦ વર્ષ સુધી જાય છે.’ સૌ પ્રથમ ૧૯૮૬માં આ પુસ્તકની હાર્ડબેક નકલો છપાઈ હતી અને ૧૯૯૧માં પેપરબેક નકલો છાપવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેની ચાર આવૃત્તિ થઈ છે.શિપ્રા નદીના પ્રાગટ્યની કથા છે કે ભગવાન શંકર બ્રહ્માની ખોપરીનું ખપ્પર લઈ ભીક્ષા માટે નીકળ્યા, પણ ત્રણે લોકમાં ભીક્ષા ન મળતા તેઓ વૈકુંઠમાં ગયા ને ભગવાન વિષ્ણુ પાસે ભીક્ષા માગી. ભગવાને તેમને પોતાની તર્જની દેખાડી તો શંકરને ગુસ્સો આવ્યો. તેમણે ત્રિશૂળ વડે વિષ્ણુની આંગળી કાપી નાખી ને લોહી વહેવા લાગ્યું તેમાંથી ભગવાન શિવનું બ્રહ્માની ખોપરીનું ખપ્પર ભરાયા બાદ વહેતું લોહી એક પ્રવાહમાં પલટાયું, પ્રવાહ શિપ્રા નદીમાં રૂપાંતર પામ્યો. પુરાણકથા કહે છે કે વિષ્ણુના વરાહ અવતારના હૃદયમાંથી શિપ્રા નદીનું પ્રાગટ્ય થયું છે. કહેવાય છે કે શિપ્રા નદીના કિનારે સાંદિપની મુનિનો આશ્રમ હતો જ્યાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણે અને સુદામાએ અભ્યાસ કર્યો હતો.
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. એની સ્થાપના ક્યારે થઈ તેની ઈતિહાસની નોંધ પ્રાપ્ય નથી, પણ ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ તે આ, મહાકાલેશ્વરને પૃથ્વીપતિ કહેવામાં આવે છે અને એ સ્વયંભૂ હોવાનું કહેવાય છે. ઈસવીસન પૂર્વે ૬માં રાજા ચંદપ્રદ્યોતે રાજકુમાર કુમારસેનાને મંદિરના વહીવટદાર તરીકે મૂક્યો હોવાની નોંધ છે. અહીં ભસ્મની આરતી કરવામાં આવે છે. અગાઉ ચિતાભસ્મ દ્વારા ભગવાનને સ્નાન-આરતી વગેરે કરાતા હતા, પણ હવે ગાયના છાણાંની રાખથી વહેલી સવારે ચાર વાગ્યે આ પૂજાવિધિ થાય છે, જે બે કલાક ચાલે છે. અહીંના અન્ય દર્શનિય સ્થળોમાં કાળભૈરવ, હરસિદ્ધ, વેદશાળા, ચિંતામણિ ગણેશ, ત્રિવેણી નવગ્રહ, મંગળનાથ, સિદ્ધવડ અને ગોપાલ મંદિરનો સમાવેશ થાય છે.શાસ્ત્ર અનુસાર ગુરુનો પ્રવેશ સિંહ રાશિમાં થાય અને સૂર્યનો પ્રવેશ મેષમાં થાય ત્યારે ઉજ્જૈનમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. અગાઉ ૨૦૦૪માં પૂર્ણ કુંભ યોજાયો હતો. ૨૦૧૦માં ઉજ્જૈનમાં અર્ધકુંભ યોજાયો હતો. દરેક વખતે અહીં આવનારાઓની સંખ્યા લાખોમાં જ હોવાનું કહેવાયું છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

मानव बस्ती के बीच में प्लास्टिक की फैक्टरीयां क्यों…? मानव की हैल्थ का क्या..?

aapnugujarat

नये भारत का संदेश : न्यूजप्रिन्ट पर ड्युटी और ओन ड्युटी पत्रकारो को नो एन्ट्री..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1