Aapnu Gujarat
ગુજરાત

વિપક્ષના નેતા ધાનાણી એક દિન માટે ગૃહમાંથી સસ્પેન્ડ

વિધાનસભા ગૃહમાં આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ભંગારના ભુક્કામાંથી બનાવી તેમની ઉંચી પ્રતિભાને લોખંડની પ્રતિમામાં કેદ કરવામાં આવી અંગે આજે કરેલા નિવેદનને લઇ ભારે હોબાળા અને ઉહાપોહ બાદ આખરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને વિધાનસભા ગૃહમાં આજે એક દિવસ માટેની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતો. કોંગ્રેસે અધ્યક્ષના આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો અને ગૃહમાંથી એકસાથે વોકઆઉટ કરી ગૃહનો બહિષ્કાર કર્યો હતો. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા આવા કામો કરી રહી છે. ભાજપની નબળાઇ દર્શાવવાના પૂરતા પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે અને ભાજપ સરકારની ચોરી પર સીનાજોરીના આવા પ્રયાસને વિપક્ષ કોંગ્રેસ કોઇપણ સંજોગોમાં સાંખી નહી લે અને વિધાનસભામાં તેનો સરકારને જોરદાર જવાબ આપશે. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓએ સાફ શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે, પરેશ ધાનાણીએ કશું ખોટું કહ્યું નથી, ધાનાણીએ જે કંઇ કહ્યું તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ ઉપલબ્ધ છે અને તેને ટાંકતા ધાનાણીએ આ પ્રમાણે જણાવ્યું હતું. પરંતુ ભાજપ બહુમતી અને સત્તાના જોરે સમગ્ર મામલાને ખોટી રીતે ચગાવી રહી છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજા ભાજપને સસ્પેન્ડ કરી દેશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવતાં કોંગ્રેસની છાવણીમાં જોરદાર રીતે માહોલ ગરમાયો હતો.
કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકસંપ થઇ વિરોધના સૂરમાં આવી ગયા હતા અને ભાજપ સરકાર વિરૂધ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂકયુ હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરદાર પટેલનું કોઇપણ રીતે અપમાન કર્યું નથી કે કોંગ્રેસનો એવો ઇરાદો કયારેય હોઇ પણ ના શકે. વાસ્તવમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૦૯ કિલો લોખંડનો ભુક્કો વપરાયો હોવાનો ઉલ્લેખ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પર કરાયેલો છે અને તેને ટાંકીને ધાનાણીએ શાસક પક્ષને ઉદ્દેશીને તમે લોખંડી પુરૂષ અને દેશની મહાન વિભૂતિ સરદાર પટેલને લોખંડના ભુક્કામાંથી પ્રતિમા બનાવી તેમની પ્રતિભાને તેમાં કેદ કરી હોવા અંગે જણાવ્યું હતું. પરંતુ તેમાં સરદાર પટેલનું કયાંય અપમાન કરાયું નથી, જે વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે, તે જ જણાવી છે અને તેમાં કંઇ ખોટું નથી. ભાજપ સત્તા અને બહુમતીનો જોરે લોકશાહીનું ગળુ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને અમારા વિપક્ષના નેતાને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા છે પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ભાજપને સસ્પેન્ડ કરી દેશે.
દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો વીરજી ઠુમ્મર અને વિક્રમ માડમ પણ ધાનાણીના સમર્થનમાં આગળ આવ્યા હતા અને ભાજપ સરકારક પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાંથી દૂર ભાગે છે. આવા ક્ષુલ્લક મુદ્દાઓને લઇ શાસક પક્ષ ખોટી કાગારોળ મચાવે છે. સરદાર પટેલ માત્ર ગુજરાત કે ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વની પ્રતિભા છે, તેનું માન, સન્માન અને આદર સૌ કોઇ જાળવે છે અને જાળવવી પણ જોઇએ. કોંગ્રેસે કયારેય સરદાર પટેલનું અપમાન કર્યું નથી પરંતુ ભાજપ તેને ખોટી રીતે ચગાવી રહી છે. વિપક્ષના નેતાને ખોટી રીતે સસ્પેન્ડ કરવાનો નિર્ણય સરકારની સરમુખત્યારશાહીને દર્શાવે છે.

Related posts

અલીપુરામાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

શ્રી માથુર વૈશ્ય યુવાદળ વિરમગામ દ્વારા મહા રક્તદાન શિબીર યોજાઇ

aapnugujarat

CM grants final approval to Surat-SUDA’s ‘Draft Development Plan-2035’

editor

Leave a Comment

UA-96247877-1