Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ૫૦૦૦ બેડની વ્યવસ્થા કરાશે

હાંફી રહેલા કોવિડ-૧૯ના દર્દીઓના પરિવારજનોની સરકારી હોસ્પિટલો બહાર લાગતી લાઈનો અને ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસ ૧૦૮ને હાંફળાફાંફળા થઈને કરાતાં ફોન રાજ્યમાં ઓક્સિજન બેડ મેળવવા માટે કરાતા સંઘર્ષની સાક્ષી પૂરે છે. પોતાના સ્વજનોને બચાવવા માટે કરાતા મરણિયા પ્રયાસની તસવીરો લોકોના માનસપટ પર કાયમ અંકિત રહેશે. અગાઉ ક્યારેય આરોગ્ય ક્ષેત્રે આવી કટોકટી જોવા મળી નથી ત્યારે ટોચના ઔદ્યોગિક એકમો, સ્વયંસેવી સંસ્થાઓ અને સરકાર પોતે પણ એક્શનમાં આવી છે. આ વિવિધ એજન્સીઓએ આગામી અઠવાડિયાઓમાં ઓક્સિજનવાળા ૫,૦૦૦ હોસ્પિટલ બેડની સુવિધા શરૂ કરવાનું આયોજન કર્યું છે. મંગળવારે આર્સેલર મિત્તલ ગ્રુપે સુરતમાં હજીરા પ્લાન્ટ નજીક ૨૫૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે. જે ટૂંક સમયમાં જ વિસ્તારીને ૧૦૦૦ બેડની કરાશે, તેમ રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું. આ જ પ્રમાણે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ રવિવાર સુધીમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી દેશે જે બાદમાં વધીને ૧૦૦૦ બેડની થશે, તેમ અધિકારીએ ઉમેર્યું. મળેલી વિશ્વસનીય માહિતી મુજબ, અદાણી ગ્રુપ પણ ૧,૦૦૦ ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ કામચલાઉ ધોરણે શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. ડીઆરડીઓ દ્વારા શરૂ કરાયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ હજી સંપૂર્ણપણે કાર્યરત નથી થઈ. આ હોસ્પિટલમાં ૯૫૦ બેડ શરૂ કરવાની યોજના છે અને બાદમાં જરૂર પડી તો ૫૦૦ બેડ ઉમેરવામાં આવશે. આ હોસ્પિટલમાં સોમવારથી દર્દીઓને દાખલ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીઆરડીઓ દ્વારા ૧૨૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. એવું નથી કે આ મુશ્કેલના સમયમાં મોટા કોર્પોરેટ હાઉસ જ મદદ કરી રહ્યા છે, નાની સંસ્થાઓ, વેપારી મંડળીઓ અને એનજીઓ પણ યોગદાન આપી રહ્યા છે. અમદાવાદના ડી.કે. પટેલ હોલમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દેવસ્ય હોસ્પિટલ અને એએમસીના સહયોગથી ૧૫૦ ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ શરૂ કરી છે. સુરતમાં ૨૬ કમ્યુનિટી સેન્ટરોમાં ૫૦૦ જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ૨૫૫ વધુ ઉમેરાશે. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિલાયત જીઆઈડીસી અસોસિએશન દ્વારા ૯૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. ગુરુવારે મોરબીમાં સિમ્પોલો વેટ્રિફાઈડ પ્રાઈવેટ લિમિટેડની સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ૬૫ ઓક્સિજન બેડવાળું કોવિડ રિકવરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કચ્છના આદિપુર શહેરમાં એક સ્થાનિક ટ્રસ્ટે પોતાની જમીન ૩૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આપી છે. આ હોસ્પિટલ માટે બે શિપિંગ બિઝનેસમેન આશિષ જોષી અને પંકજ ઠક્કરે ફંડ આપ્યું છે. હાલ અહીં ૯૦ ઓક્સિજન અને ૧૫૦ આઈસોલેશન બેડ છે. “અમે ટૂંક સમયમાં જ બીજા ૫૦ બેડ ઉમેરીશું. આ સુવિધા છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૧૧૦ કોવિડ પેશન્ટની રિકવરી થઈ છે, તેમ આશિષ જોષીએ કહ્યું. ૧૮ એપ્રિલે આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-૧૯ બેડની ક્ષમતા ૧૫ માર્ચે ૪૧,૦૦૦ હતી જે વધારીને ૭૮,૦૦૦ કરવામાં આવી છે. ૧૦ દિવસમાં રાજ્યમાં ૮,૦૦૦ ઓક્સિજન બેડ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં ક્ષમતા તો વધારવામાં આવી છે પરંતુ નક્કી કરેલા ધોરણ સુધી હજી પહોંચી શક્યું નથી. આ પહેલીવાર છે જ્યારે સમાજનો દરેક વર્ગ સહિયારો પ્રયાસ કરીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં યુદ્ધના ધોરણે મદદ કરી રહ્યો છે. લોકોના સહયોગથી આપણે આ યુદ્ધ લડી શકીશું અને વિજેતા તરીકે બહાર આવીશું, તેમ એક સિનિયર અધિકારીએ કહ્યું.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

વિરમગામ નગરપાલિકામાં મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા તેમજ કર્મચારીઓને સાતમાં પગાર પંચના અમલ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ એસ્મા પરિપત્ર હોળી કરી વિરોધ નોંધાવ્યો

aapnugujarat

હળવદમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

aapnugujarat

મહાગઠબંધનમાં પીએમ ઉમેદવાર માટે લડાઈ : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1