Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં હોસ્પિટલના બેડ ખૂટતાં હવે કોમ્યુનિટી હોલ અસ્થાયી હોસ્પિટલ બનશે

સમગ્ર રાજ્ય હાલ કોરોનાને કારણે ફફડી રહ્યું છે. શહેર હોય કે ગામ, દરેક જગ્યાએ કોરોનાના દર્દીઓનો ગ્રાફ રોકેટગતિએ વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ દર્દીઓને ક્યાં લઈ જવા એ એક મોટો પ્રશ્ન છે. એ માટે હવે તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે, જ્યાં યુદ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડથી ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા સમગ્ર વ્યવસ્થા એક સપ્તાહમાં શરૂ થઇ જશે એમ જાણવા મળી રહ્યું છે.
અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલમાં રાજ્યની સૌથી મોટી હંગામી હોસ્પિટલ ખાસ કોરોનાનાં દર્દીઓને માટે શરૂ થઈ રહી છે. કન્વેન્શન હોલમાં હાલ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ફ્લોરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે હંગામી હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે સમગ્ર વ્યવસ્થાનું હાલ મોનિટરિંગ થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંયા બેડ ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા થઈ ગયા બાદ એક સપ્તાહમાં જ આ હોસ્પિટલ જરૂરિયાતવાળા લોકોને ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
અમદાવાદમાં ૧૩૨ ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧૫૦ આઇ.સી.યુ. બેડ હશે, જયાં ૧૫૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ ૯૦૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
૯૦૦ બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી થઈ જશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડ્યા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

Related posts

અમદાવાદમાં ૨૦૨૨માં સંપૂર્ણપણે દોડતી થશે મેટ્રો

editor

બોપલ ઘુમા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દીકરીઓનું પુજન કરવામાં આવ્યું

aapnugujarat

મોરબી જિલ્લાના બગથળામાં ચાલતા જળસંચયના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1