Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે તાજેતરમાં ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સંદિપકુમાર અને શ્રીમતી રાજ સંદિપ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જિલ્લાના ફોરેસ્ટ વિલેજીસના કેટલાક ગામોમાં પાયાની અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વાઇલ્ડ લાઇફ કમીટી સમક્ષ સમયસર જરૂરી દરખાસ્ત મોકલવા અને આવા કામો માટેના જરૂરી અનુદાન માટેની ક્રમશઃ કાર્યવાહી હાથ ધરવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ ફોરેસ્ટ વિલેજીસના કેટલાંક ગામોમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર અને પ્રજાકીય અવરજવર માટે પડતી મુશ્કેલીઓ નિવારવા સમયાંતરે રસ્તાઓના ડાયવર્ઝનનું અવાર-નવાર ધોવાણ થતુ હોવાથી આ મુશ્કેલીઓ નિવારવા ખાસ કિસ્સામાં સરકારશ્રીમાંથી વિશેષ અનુદાન મેળવવા માટેની જરૂરી દરખાસ્ત કરવા અને આવા સ્થળોએ મોટા નાળા સાથેના કાયમી સ્ટ્રક્ચર ઉભા થાય તે માટેની વાઇલ્ડ લાઇફ સમિતિની મંજૂરી અને નાણાકીય વિશેષ અનુદાન મેળવવા માટેની દરખાસ્ત થાય તેવી કરાયેલી રજુઆત સંદર્ભે રાજ્યમંત્રીશ્રી તડવીએ અમલીકરણ અધિકારીઓને ઉપર મુજબની જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં ડુમખલ, જૂનારાજ, કણજી-વાંદરી, બેબાર, જૂનારાજથી માથાસર, ડુમખલથી વાંદરી વગેરે જેવા ગામોના ઉક્ત પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. તદ્ઉપરાંત જિલ્લામાં તૈયાર થયેલા કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રશ્નો ઉપરાંત ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષને લગતા પ્રશ્ન બાબતે પણ ચર્ચા-વિચારણા થઇ હતી અને તેના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી તેનો રીપોર્ટ રજુ કરવા પણ સૂચના આપી હતી.

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે જિલ્લાકક્ષાના વન મહોત્સવની થનારી ઉજવણી સંદર્ભે જિલ્લાને વૃક્ષારોપણના ફાળવાયેલા લક્ષ્યાંકને સિધ્ધ કરવા જુદા જુદા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં અને પ્રજાકીય સહયોગથી મહત્તમ વૃક્ષારોપણ થવાની સાથે સવિશેષ તેનું જતન થાય તે જોવાની સહિયારી જવાબદારી અદા કરવા આ બેઠકમાં ભારપૂર્વક અનુરોધ કરાયો હતો.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક સરપંચશ્રીઓને પણ આ અંગેની જવાબદારી નિભાવવા અને ગામમાં રોપાઓનું સરકારી સંસ્થાઓ સહિત ગ્રામજનોને યોગ્ય વિતરણ થાય તેવી વ્યવસ્થામાં પૂરક રીતે સહભાગી બનવાની હિમાયત કરાઇ હતી. વૃક્ષોના જતન માટે જરૂરી ટ્રી-ગાર્ડ પુરા પાડવાની સાથે લોકો આ કામગીરીમાં સ્વયંભૂ રીતે જોડાય તેવું વાતાવરણ ઉભુ કરવાનો અનુરોધ કરાયો હતો.

આ બેઠકમાં કેવડીયા કોલોની ખાતે આકાર લઇ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટને લીધે પ્રવાસન વિકાસ ક્ષેત્રે રહેલી ઉજળી તકોથી ઉપલબ્ધ થનારી સ્થાનિક રોજગારીને અનુલક્ષીને જિલ્લાના જૂનારાજ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ, નિનાઇ ધોધ, દેવમોગરા સહિતના અન્ય ઇકોટુરીઝમ કેન્દ્રોના આગામી સમયગાળામાં તબક્કાવાર આયોજનબધ્ધ વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવા અંગેની પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ બાકી તુમાર સેન્સસ, કર્મચારીઓની પ્રવરતા યાદી, બાકી પેન્શનના કેસો, રેકર્ડ વર્ગીકરણ, ખાનગી અહેવાલ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસના કેસો, નાગરિક અધિકારપત્ર, બાકી કાગળો, સરકારી બાકી લ્હેણાંની વસુલાત વગેરે જેવી બાબતોની આંકડાકીય વિસ્તૃત સમીક્ષા કરી હતી અને નાગરિક અધિકારપત્ર સાથે રેકર્ડ વર્ગીકરણની કામગીરી અને સરકારી બાકી લ્હેણાંની વસુલાત વધુ ઘનિષ્ઠ બનાવવા અનુરોધ કર્યો હતો.

Related posts

૨૦ મિનિટમાં યુવતીએ ૩૦ લાખના મોબાઈલની ચોરી કરી

aapnugujarat

સુરેન્દ્રનગરમાં માતાએ ૯ માસની પુત્રીની હત્યા કરી આપઘાત કર્યો

aapnugujarat

સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં અસ્થિ વિસર્જિત કરાયા

editor

Leave a Comment

UA-96247877-1