Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના કોન્ટ્રાકટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાં

જીએસટીને લઇ રાજય સરકારે કોઇ હકારાત્મક પ્રતિસાદ નહી આપતાં વિફરેલા રાજયભરના કોન્ટ્રાકટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. કાપડબજારના વેપારીઓની અચોક્કસ મુદતની હડતાળ બાદ હવે રાજયભરના કોન્ટ્રાકટરોની હડતાળને પગલે જીએસટીનો મામલો વધુ ગરમાયો છે. કોન્ટ્રાકટરોની હડતાળને પગલે રાજયભરમાં બિલ્ડીંગ, રોડ, બ્રીજ, સિંચાઇ, પાણી પુરવઠા, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, જીઇબી, પોલીસ હાઉસીંગ, રેલ્વે સહિતના આશરે રૂ.૫૦ હજાર કરોડના બાંધકામના કામો ઠપ્પ થઇ ગયા છે. રાજયના આશરે પાંચ હજારથી વધુ કોન્ટ્રાકટરો હડતાળમાં જોડાયા છે અને આ હડતાળને પગલે સમગ્ર રાજયમાં એક લાખથી વધુ કારીગરો બેરોજગાર બનશે. કોન્ટ્રાકટરોના પ્રશ્નો અંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદ પટેલ તથા વાઇસ ચેરમેન કે.કે.પટેલે જણાવ્યું હતું કે, વિવાદીત જીએસટીનો અમલ થયો છે ત્યારે વર્કસ કોન્ટ્રાકટ પર ૧૮ ટકા જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે જેના કારણે સરકારી ઇન્ફ્રાસ્ટ્રકચર અને બાંધકામના કામોમાં આશરે દસથી બાર ટકાનો વધારાનો નાણાં બોજ પડનાર છે. જે કોન્ટ્રાકટરો કોઇપણ ભોગે સહન કરી શકે તેમ નથી. જીએસટી ભલે લાગુ થયો પરંતુ રાજય અને કેન્દ્ર સરકારના જે કામો તેમણે હાથમાં લીધેલા છે અને જે કામો હાલ ચાલી રહ્યા છે, તેમાં જીએસટીના ૧૮ ટકા ટેક્સ ઉપરાંત વધારાના દસ થી બાર ટકાના પડનારા આર્થિક ભારણની ભરપાઇ સરકારે કરી આપવી પડશે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનનું તા.૩૦મી જૂને અમદાવાદ ખાતે રાજયભરના કોન્ટ્રાકટર્સનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં સરકારને પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. એસોસીએશનના કારોબારી સભ્યોના પ્રતિધિમંડળે તાજેતરમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ખાણ અને ખનીજમંત્રી રોહિતભાઇ પટેલ સહિતના સત્તાવાળાઓને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી રાજય સરકાર દ્વારા કોન્ટ્રાકટરોની માંગણીઓ સંદર્ભે કોઇ હકારાત્મક પ્રતિસાદ અપાયો નથી, જેને પગલે ભારે ખેદ સાથે અમારે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવું પડયું છે. હડતાળથી રાજયના જાહેર બાંધકામોના કામો ઉપરાંત સીબીડબ્લ્યુડી, એનએચએઆઇ અને મેટ્રો રેલના કામો પણ ઠપ્પ કરી દેવાયા છે. જયાં સુધી સરકાર દ્વારા તેઓની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી રાજયભરના કોન્ટ્રાકટરોની અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત રાજયના કોન્ટ્રાકટરોની અચોક્કસ મુદતની હડતાળના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજયના કોન્ટ્રાકટરોને મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજયોના કોન્ટ્રાકટરોએ પણ ટેકો જાહેર કર્યો છે. જીએસટીને લઇ તમામ રાજયોના કોન્ટ્રાકટરોમાં ઉગ્ર આક્રોશ છે અને લડતની શરૂઆત ગુજરાતના કોન્ટ્રાકટરોએ કરી હોવાથી બહારના રાજયોના કોન્ટ્રાકટરોએ પણ ટેકો જાહેર કર્યો છે. આવતીકાલે જીઇબીના કોન્ટ્રાકટરો પણ આ હડતાળમાં જોડાશે.

Related posts

ભોટવા ગામે ૧૩ વ્યક્તિઓએ અન્ય ફળીયાના ઘરોમાં આગ લગાવી

editor

વન રેન્ક, વન પેન્શનનો અમલ ન કરી સૈનિક સાથે વિશ્વાસઘાત : મેજર જનરલ સતબીરસિંહ

aapnugujarat

ત્રણ દીવાદાંડી, અલંગ શીપ બ્રેકિંગને વિકસાવવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1