Aapnu Gujarat
Uncategorized

હળવદ જુથ અથડામણમાં વધુ એક ઘાયલનું મોત નિપજ્યું : સિવિલમાં બંદોબસ્ત ગોઠવાયો

હળવદ જૂથ અથડામણ મામલામાં ઇજાગ્રસ્ત અને અમદાવાદની સિવિલમાં દાખલ ભરવાડ શખ્સનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતાં હળવદ જૂથ અથડામણનો કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. ભરવાડ શખ્સના મૃત્યુ બાદ સિવિલ હોસ્પિટલમાં ભરવાડ અને માલધારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું જેને પગલે શહેર ક્રાઇમ બ્રાંચના જેસીપીનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. બીજીબાજુ, રોષે ભરાયેલા ભરવાડ પરિવારજનોએ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ અને કસૂરવાર આરોપીઓને સખત નશ્યત કરવા માંગણી કરી હતી. બીજીબાજુ, આ મામલાના પ્રત્યાઘાત મોરબી-હળવદ પંથકમાં ના પડે તે હેતુથી ત્યાં પણ પોલીસ અને એસઆરપી બંદોબસ્ત વધુ સઘન અને લોખંડી બનાવી દેવાયો હતો. સાથે સાથે આવતીકાલે બપોર સુધી મોરબી-હળવદ પંથકમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પંથકમાં દરબારો અને ભરવાડો વચ્ચે બહુ મોટપાયે જૂથ અથડામણ થઇ હતી અને તેમાં કુલ બે વ્યકિતના મોત નીપજયા હતા. આ અથડામણ બાદ હળવદ, મોરબી, ધ્રાંગધ્રા સહિતના પંથકોમાં તોફાનોની પરિસ્થિતિ જન્મી હતી અને વાતાવરણ ડહોળાયુ હતું. જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત ભરવાડ સમાજના વ્યકિતને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું આજે સારવાર દરમ્યાન મોત નીપજતાં વાતાવરણ તંગદિલીભર્યુ બની ગયુ હતું. માલધારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા જેને પગલે ક્રાઇમબ્રાંચના જેસીપીના કાફલા સહિતનતા પોલીસ જવાનોને સિવિલમાં સુરક્ષા બંદોબસ્તમાં ખડકી દેવાયા હતા. માલધારી સમાજના લોકોએ પોલીસ અને તંત્ર પરત્વે ઉગ્ર રોષની લાગણી વ્યકત કરી હતી. ભોગ બનનાર ભરવાડ વ્યકિતના પરિવારજનોએ એક તબક્કે લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો અને આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સખત નશ્યત કરવા માંગણી કરવામાં આવી હતી. માલધારી સમાજે આ પ્રકરણમાં ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા અત્યારસુધીમાં ૧૨ જણાંની ધરપકડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગમચેતીના પગલાંરૂપે આવતીકાલ બપોર સુધી મોરબી-હળવદ પંથકમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

Related posts

મોરબી શહેરમાં સીસી રોડનું ખાતમુહુર્ત કરાયું

editor

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ ૧૬ દિવસમાં જ ૩૧૨ કેસ નોંધાયા

editor

વેરાવળમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના સ્થળમાં ફેરફાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1