Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લો કુપોષણમુક્ત બનવાની દિશામાં અગ્રેસર રહેવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી

ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, દેડીયાપાડાનાં ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મમતાબેન વસાવા, પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી, જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી આર.આર. ભાભોર સહિત જિલ્લા અને તાલુકાનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ લાભાર્થી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની ઉપસ્થિતિમાં આજે દેડીયાપાડા તાલુકાનાં નિવાલ્દા ખાતેની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે “પોષણ સુધા યોજના” (સ્પોટ ફિડીંગ) નાં પાયલોટ પ્રોજેક્ટનાં પ્રારંભે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

ગુજરાતની ઉજ્જવળ આવતીકાલને નક્કર અને અસરકારક બનાવવાના આશયથી આંગણવાડી ખાતે સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત ભોજન આપવાનાં નિર્ણય અન્વયે ગુજરાતનાં નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, વલસાડ અને દાહોદ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટરૂપે અમલમાં  મુકાયેલી પોષણ સુધા યોજના (સ્પોટ ફિડીંગ) યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આજથી દેડીયાપાડા તાલુકામાં બાળ વિકાસ યોજનાનાં ઘટક – ૧ અને ૨ ની આંગણવાડી કેન્દ્રો ખાતે તેનો પ્રારંભ કરાયો છે, જેમાં ૨૨૩૩ સગર્ભા મહિલાઓ અને ૧૭૯૨ જેટલી ધાત્રી માતાઓ મળી કુલ- ૪૦૨૫ મહિલાઓને આ યોજનાનો ૧ વર્ષ સુધી લાભ પ્રાપ્ત થશે.

દેડીયાપાડા ખાતે યોજાયેલા ઉક્ત પાયલોટ પ્રોજેક્ટનાં કાર્યક્રમને ખુલ્લો મુકતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબુદી સામેનાં હાથ ધરાયેલા મહાઅભિયાન અંતર્ગત આજથી જિલ્લાનાં દેડીયાપાડા તાલુકામાં “પોષણ સુધા યોજના” પ્રારંભને લીધે જિલ્લામાં સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓના પોષણનું સ્તર ઉંચુ આવે અને તંદુરસ્ત બાળકના જન્મની સાથોસાથ નર્મદા જિલ્લો કુપોષણ મુક્ત બનવાની દિશામાં આગળ ધપીને રાજ્યમાં અગ્ર સ્થાને રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે રાજ્યમાં ખૂટતી બાબતોને યોજનાકીય જરૂરી સુધારા વધારા સાથેની કડીરૂપે જે તે સુવિધાઓ પુરી પાડીને રાજ્યનું બાળક આગળ વધે તે દિશાની સરકારની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશનું બાળક સ્વસ્થ, તંદુરસ્ત અને સશક્ત જન્મે તે દિશામાં સરકારના ભગીરથ પ્રયાસો રહ્યાં છે અને આંગણવાડી કેન્દ્રોમાં આવતા ભૂલકાંઓની કેન્દ્રની કાર્યકર બહેનો તરફથી પણ ભૂલકાંઓના પોષણની વિશેષ કાળજી લેવાતી હોય છે. ત્યારે સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પણ “પોષણ સુધા યોજના” ના અમલથી દરરોજ બપોરનું ભોજન મળવાથી કુપોષણ નાબુદીનું સરકારનું અભિયાન અસરકારક પુરવાર થશે અને નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેડીયાપાડા તાલુકો આ યોજનાની સફળતામાં અગ્રેસર રહેશે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.

દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીશ્રીના કુપોષણ નાબુદીના આ અભિયાનમાં દેડીયાપાડા તાલુકાની તમામ લાભાર્થી સગર્ભા-ધાત્રી મહિલાઓને જે તે વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતેથી સમગ્ર સપ્તાહના જુદા જુદા મેનુ મુજબ બપોરના ભોજનનો મળનારો લાભ મહત્તમ પ્રમાણમાં લેવાય તે જોવા હ્રદયસ્પર્શી અપીલ કરી હતી.

આ પ્રસંગે સગર્ભા અને ધાત્રી માતાઓને મંત્રીશ્રી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે સુખડીના વિતરણની સાથોસાથ શુભેચ્છાપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિપુલ ગામીત, દેડીયાપાડા તાલુકા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી, આંગણવાડીના સુપરવાઇઝરશ્રીઓ-કાર્યકર બહેનો, ગામ આગેવાનો-ગ્રામ મહિલાઓ સહિત લાભાર્થી મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મંત્રીશ્રી સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત મહિલાઓએ મારા ઘરમાં, કુટુંબમાં, ગામમાં કે શહેરમાં થતી જાતિ-લીંગ પરિક્ષણ અટકાવવાની સાથે “બેટી બચાવો – બેટી પઢાઓ” ની સરકારની નેમને ચરિતાર્થ કરવાની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી.

પ્રારંભમાં દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી આર.આર. ભાભોરે “પોષણ સુધા યોજના” ની રૂપરેખા આપી હતી અને અંતમાં સી.ડી.પી.ઓ. શ્રીમતી મધુબેન પટેલે આભારદર્શન કર્યું હતું.

Related posts

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

aapnugujarat

અમદાવાદમાં બિલ્ડર મોતી દેસાઈ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા

editor

बैंक को जानकारी दी रुपये नहीं निकले : शिकायत दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1