Aapnu Gujarat
ગુજરાત

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષોમાં અન્ન અને નાગરિક પુરવઠા તેમ જ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આચરાયેલા રૂ.૪૦ હજાર કરોડના કથિત કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ સીબીઆઇ તપાસની ઉગ્ર માંગણી કરી છે. ડો.દોશીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં ગરીબ, સામાન્ય વર્ગના પરિવારનો હકકના ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૪૦ ટકા જેટલો જથ્થો સરકારના મળતીયાઓ અને ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરી મોટું કૌભાંડ આચરાઇ રહ્યું છે. કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૩માં યુપીએ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે નેશનલ ફુડ સીકયોરીટી એકટ લાવવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ આઝાદ ભારતના લોકોને સસ્તા દરે પર્યાપ્ત માત્રામાં ઉત્તમ પ્રકારનું પોષણયુકત ખાધ્યધાન મળી રહે તે હતો. રાજયના અંત્યોદયના ૬.૨૫ લાખ, બીપીએલના ૧૯.૭૫ લાખ અને એપીએલના ૪૫ લાખ કાર્ડધારકોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજનાના નામે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોની ખોટા ફીંગર પ્રીન્ટ બતાવીને બધો માલ સગેવગે કરાય છે, જેમાં બે રૂપિયે કિલો મળતા ઘઉં રૂ.૧૮થી ૨૦માં ફલોર મીલ અને બિસ્કીટની ફેકટરીમાં વેચાય છે, તો આ કાળાબજારના પૈસા કોના ખિસ્સામાં જઇ રહ્યા છે તેવો સવાલ ડો.દોશીએ ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકાર દ્વારા રાજયની તમામ સસ્તા અનાજની દુકાનોના કોમ્પ્યુટર જપ્ત કરાય અને ઝીણવટભરી તપાસ કરાય તો, ગરીબોના મોંઢામાંથી કોળિયો છીનવીને કરોડો રૂપિયાના ઘઉં, ચોખા, ખાંડ જેવી ચીજવસ્તુઓ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. રાજયની જાહેર વિતરણ વ્યવસ્થામાં ગંભીર ગેરરીતિઓ પકડાવા છતાં ભાજપ સરકાર તેમાં ભીનુ સંકેલી રહી છે. સસ્તા અનાજની દુકાનોમાં ઓનલાઇન સીસ્ટમ પાછળ રૂ.૩૦૦ કરોડનો ધુમાડો કરાયો છે પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળતો નથી. અન્ન સુરક્ષા અધિકાર કાનૂન હેઠળ ૫૪ ટકા લાભાર્થીઓને એટલે કે, ૨.૩૪ કરોડ લોકોને લાભ આપવાને બદલે દર મહિને રૂ.૩૦૦ કરોડના ઘઉં, ચોખા અને ખાંડ જેવી ચીજવસ્તુઓનો જથ્થો બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં સીબીઆઇ તપાસ આપે અને ભાજપ સરકાર ગુજરાતની જનતાને આ સમગ્ર મામલે જવાબ આપે એમ પણ ડો.દોશીએ ઉમેર્યું હતું.

 

Related posts

વિરમગામના સિધ્ધનાથ મહાદેવ ખાતે સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો

aapnugujarat

બાર કાઉ. સ્ટીકરનો દુરૂપયોગ કરનારાની સામે પગલા લેવાશે

aapnugujarat

રાજયમાં કોઇપણ આરટીઓથી લાઇસન્સ રિન્યુ કરી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1