Aapnu Gujarat
ગુજરાત

કલા મહાકુંભ એ આબાલવૃધ્ધ કલાકારોની કલા કુશળતાને પ્રોત્સાહિત કરવાનું આયોજન : વડોદરા જિલ્લા કલેકટર

જિલ્લા કલેકટર પી.ભારતીએ સોમવારે યોજેલી બેઠકમાં વડોદરા શહેર-જિલ્લામાં પ્રથમ કલા મહાકુંભ-૨૦૧૭ના સુચારૂ અને અસરકારક આયોજનને લગતી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, નવતર કલા મહાકુંભ સંગીત, નાટક અને ગાયનના બાળ કલાકારોથી લઈને તમામ ઉંમરના કલાકારોને તેમની કલા કુશળતા રજુ કરવાનો અને પ્રોત્સાહક ઇનામો જીતવાનો લાભ આપશે. એટલે તેમાં મહત્તમ કલાકારો ભાગ લે એ માટેનું વાતાવરણ ઊભુ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ખેલ મહાકુંભની જવલંત સફળતાને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના પીઠબળ અને ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના દિશાદર્શનથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરા શહેર-જિલ્લામાં રમતગમત અધિકારીની કચેરી દ્વારા ભાગ લેવા ઇચ્છુક કલાકારોની નોંધણી ચાલુ કરવાની સાથે ઝોન, તાલુકા અને જિલ્લા કક્ષાના કન્વીનર્સની નિયુક્તિ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના કલાકારો મોટી સંખ્યામાં આ સ્પર્ધાત્મક આયોજનમાં જોડાય તે માટે જિલ્લા રમતગમત અધિકારી કેતુલ મહેરીયા સંગીત, નાટક, નૃત્ય ક્ષેત્રે પ્રવૃત્ત કલા સંસ્થાઓ સાથે બેઠક યોજીને કલાકારોની નોંધણીમાં સહયોગ આપવા અનુરોધ કરશે.

કલા મહાકુંભની સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, રીજીયન અને રાજ્યસ્તરની યોજાશે જેમાં કલાકારો ૧૦ વર્ષથી ઓછી ઉંમર, ૧૧ વર્ષથી ૨૦ વર્ષ અને ૨૧ અને તેથી વધુ વર્ષ (ઓપન ગ્રુપ) ના ત્રણ વયજુથોમાં યોજાશે. જિલ્લા, રીજીયન અને રાજ્ય કક્ષાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવાની તેમાં જોગવાઇ છે.

કેતુલ મહેરીયાએ જણાવ્યુ કે, વડોદરા શહેરને આ સ્પર્ધાઓના આયોજન માટે માંડવી, બાબાજીપુરા, કારેલીબાગ, સયાજીગંજ, અલકાપુરી, ગોત્રી, રાવપુરા, વાડી અને મકરપુરાના ૦૯ ઝોન્સમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. ઝોન અને તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૧૯/૦૭થી શરૂ થશે અને શહેરમાં ઝોનલ કલા સ્પર્ધાઓનો ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શુભારંભ કરાવશે.

કલા મહાકુંભ સંગીત, નાટક અને ગાયન સાથે સંકળાયેલી ૨૦ જેટલી વિવિધ કલાઓમાં માહિર કલાકારોને મંચ પૂરો પાડશે. તેમાં તાલુકા/ઝોન કક્ષાએ સુગમ સંગીત, ગીત, ગરબા, ભરત નાટ્યમ, લોક નૃત્ય, સમુહ નૃત્ય, અભિનય, તબલા, હારમોનીયમ (હળવુ), સમુહ ગીત, વાંસળી અને ઓરગન તેમજ જિલ્લા કક્ષાએ શાસ્ત્રીય કંઠ્ય સંગીત, પખાવજ, સિતાર, ગીટાર, મૃદંગમ, વાયોલીન, રાસ, સ્કુલ બેન્ડ અને કથ્થક મળીને, ૨૦ જેટલા કલા પ્રકારોની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. દર વર્ષે યોજાતા યુવક મહોત્સવોથી અલાયદુ આ આયોજન છે. કલા મહાકુંભમાં રીજીનલ કક્ષાએ તમામ જિલ્લા કક્ષાના પ્રથમ ક્રમાંકિત કલાકારો અને રાજ્ય કક્ષાએ રીજનલ કક્ષાના પ્રથમ ત્રણ વિજેતાઓ ભાગ લઈ શકશે.

ગુજરાતનો કલા મહાકુંભ ખેલ મહાકુંભની જેમ જ દેશમાં કલાને પ્રોત્સાહક આયોજનનું મોડેલ બનશે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીએ શહેર-જિલ્લાના કલાકારોને કલા પ્રદર્શનની આ તક ઝડપી લેવા અનુરોધ કર્યો છે.

કલા મહાકુંભનો આશય કલા જાગૃતિ, પ્રતિભા શોધ અને યોગ્ય તકોની ઉપલબ્ધિ અને સાંસ્કૃતિક વાતાવરણના નિર્માણનો છે. તે ગુજરાતની એક કલા પ્રોત્સાહક પરંપરા બની રહેશે તેવા વિશ્વાસ સાથે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

 

Related posts

આયુષ્યમાન ભારતમાં પ્રતિ પરિવાર ૨૦૦૦નું પ્રિમિયમ

aapnugujarat

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું

aapnugujarat

હોટેલ – રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરની ૯ વાગ્યા સુધીની છૂટ

editor

Leave a Comment

UA-96247877-1