Aapnu Gujarat
ગુજરાત

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ અમરનાથ યાત્રિકો પરના હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, આ માનવતા પરનો ક્રુર અને ઘાતકી હુમલો છે. બાબા બર્ફાની ભોલેનાથના નિર્દોષ યાત્રાળુ પરનો આ આતંકી હુમલોએ રાક્ષસી કૃત્ય છે. અમરનાથ યાત્રિકો જે શહીદ થયાં છે તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને પ્રભુ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના.

અમરનાથ યાત્રા પર જનાર વ્યક્તિ પોતાના સંકલ્પો, કલ્યાણ ઉપરાંત દરેક જીવનું શિવ કલ્યાણ કરે તેવી વિશ્વકલ્યાણની ભાવના સાથે યાત્રા કરતો હોય છે. તેવાં સંજોગોમાં કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે. તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આતંકવાદીઓ આવા કાયરતાપૂર્વકના હુમલાથી યાત્રિકોનાં મનોબળ, શ્રદ્ધાબળ, ભક્તિબળ, અને રાષ્ટ્રબળને કયારેય ડરાવી નહીં શકે તેમ શ્રી પંડયાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સતત કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર સાથે સંપર્કમાં રહીને સતત દેખરેખ રાખી રહ્યાં છે.શ્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ સાથે વાત  કરી હતી. શ્રી અમિતભાઈ શાહે જમ્મુ કાશ્મીરના ભાજપના કાર્યકર્તાઓને યાત્રિકોની મદદમાં ખડેપગે ઊભા રહેવાની સૂચના આપી હતી.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેઓશ્રીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીશ્રી અને ગર્વનર સાથે વાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના શહીદ અમરનાથ યાત્રિકોનાં પાર્થિવદેહને તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એરફોર્સના વિમાન દ્વારા સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે પાર્થિવ દેહને પૂરા માન-સન્માન સાથે પુષ્પાજંલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર તથા સંસદસભ્યો, ધારાસભ્યો, મેયર અને ભાજપના હોદ્દેદારો એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે વધુ બંદોબસ્ત કરવાની સૂચના લશ્કરના ઉચ્ચ અધિકારીઓને આપી હતી અને ગૃહમંત્રી,રક્ષામંત્રી તેમજ ગૃપ્તચર એજન્સીઓ અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટનાક્રમથી માહિતગાર થઈને તાત્કાલિક આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. લશ્કરે ઘટના પછી તુરંત જ આતંકીઓને પકડવાની ગતિવિધી તેજ કરી દીધી છે. શ્રી મોદીજીની સૂચનાથી લશ્કરે જે રીતે ઉરીની ઘટના સામે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તે જ રીતે અમરનાથ યાત્રિકો પરનાં હુમલાખોર આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળશે. તેવો વિશ્વાસ ગુજરાત-દેશની જનતાને છે. અમરનાથ યાત્રિકોની શહીદી એળે નહીં જાય તેવો વિશ્વાસ શ્રી પંડયાએ વ્યકત કર્યો હતો.

Related posts

દિયોદરમાં માસ્ક વગર નીકળ્યા તો ચૂકવવા પડશે રૂપિયા ૨૦૦

editor

BRTSના કોરિડોરના ૪૦૦ ચાર રસ્તા અને સર્કલ જોખમી

aapnugujarat

ઠકકરબાપાનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામો દુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1