Aapnu Gujarat
Uncategorized

રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે પીઆઈએલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણીને જીવનમાં સત્ય, અહિંસા અને પ્રેમના આદર્શો સ્થાપિત કર્યા તે ઐતિહાસિક સંસ્મરણો ધરાવતી રાજકોટની મહાત્મા ગાંધી હાઇસ્કૂલ (બ્રિટીશ કાળની આલ્ફ્રેડ હાઇસ્કૂલ) બંધ કરવાના રાજય સરકારના અને સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી ખૂબ જ મહત્વની જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. હાઇકોર્ટે કયા હેતુથી આ સ્કૂલ બંધ કરી આ સ્થળે મ્યુઝિયમ બનાવો છો તે સહિતના મુદ્દે જરૂરી સૂચના સરકારમાંથી મેળવી અદાલતને જાણ કરવા સરકારપક્ષને મૌખિક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે. જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ એચ.જે.કરથીયાએ મહત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટની બહુ જ પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતી હાલની મહાત્મા ગાંધી હાઇસ્કૂલ કે જે બ્રિટીશ કાળમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલ તરીકે ઓળખાતી હતી તે સ્કૂલ બંધ કરી તેના સ્થાને ગાંધીજીનું મ્યુઝીયમ બનાવવાનો સત્તાવાળાઓએ વિવાદીત નિર્ણય કર્યો છે. આ સ્કૂલની ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ બાબત એ છે કે, ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આ શાળામાં સાત વર્ષ સુધી ભણ્યા હતા અને ૧૮૮૭માં મેટ્રિક પાસ થઇ બહાર નીકળ્યા હતા. આમ, આ સ્કૂલનો ગૌરવપૂર્ણ અને પુરાતન ઇતિહાસ છે. વળી, આ સ્કૂલ ૧૬૫ વર્ષ જૂની સ્કૂલ છે. અરજદારપક્ષ તરફથી જણાવાયું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સ્કૂલના સ્થાને ગાંધીજીની મ્યુઝિયમ બનાવવાની એક દરખાસ્ત રાજય સરકારને ૨૦૧૫માં મોકલી હતી, જે નવેમ્બર-૨૦૧૬માં સરકાર દ્વારા મંજૂર કરી દેવાતાં હવે આ ઐતિહાસિક અને ગૌરવવંતી સ્કૂલને બંધ કરી દેવાનો સત્તાવાળાઓ દ્વારા વિવાદીત નિર્ણય લેવાયો છે. પરંતુ આ નિર્ણયને પગલે સંખ્યાબંધ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણની ઉમદા તકો છીનવાઇ જશે અને જે સ્કૂલ સાથે ગાંધીજીની સંસ્મરણો અને ઇતિહાસ જોડાયેલા છે તે સ્કૂલનું અસ્તિત્વ મટી જશે જેથી ઐતિહાસિક ધરોહર એવી આ સ્કૂલને કોઇપણ સંજોગોમાં રક્ષિત થાય તે માટે હાઇકોર્ટે જરૂરી આદેશો કરવા જોઇએ.અરજદારપક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું કે, સ્કૂલનું મેદાન જ એટલું મોટુ અને વિશાળ છે કે તે જગ્યામાં મ્યુઝિયમ ઉભુ થઇ શકે તેમ છે, તેમાં સ્કૂલ બંધ કરવાની કોઇ જરૂર જ નથી. અરજદાર મ્યુઝિયમના વિરોધમાં નથી પરંતુ ઐતિહાસિક અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓ જોડાયેલી છે તેવી ઐતિહાસિક ધરોહર ધરાવતી સ્કૂલના રક્ષણ અને જાળવણીની માંગ કરે છે.

Related posts

જામનગરમાં ૭૨માં એનસીસી સ્થાપના દિનની ઉજવણી

editor

હવે જૂનાગઢમાં પણ જનમાષ્ટમી નિમિત્તે યોજાશે લોકમેળો – ૧૨મી ઓગષ્ટે થશે પ્રારંભ

aapnugujarat

ભાવનગરમાં મેઘરાજાના રિસામણાથી ધરતીપુત્રો ચિંતાતુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1