Aapnu Gujarat
ગુજરાત

પાંજરાપોળ પશુઓનો નિભાવ ખર્ચ અપાવવાની પીઆઈએલ

ગુજરાત રાજયની પાંજરાપોળોની સ્થિતિ અને તેમાં પ્રાણીઓની સારસંભાળ અને જાળવણીને લગતા નિભાવ ખર્ચ પાંજરાપોળોને અપાવવા દાદ માંગતી એક મહત્વની જાહેરહિતની રિટ અરજી(પીઆઇએલ) ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. શ્રી મુંબઇ જીવદયા મંડળીના ટ્રસ્ટી સંજય ભરતભાઇ કોઠારી તરફથી ખૂબ જ સંવેદનશીલ મુદ્દાઓ રજૂ કરતી જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં ગૌવંશ તથા અન્ય પ્રાણીઓને પાંજરાપોળમાં રાખવામાં આવતા હોય છે અને કતલખાને લઇ જતા બચાવી લેવાયા પ્રાણીઓને પણ અદાલતોના આદેશથી નજીકની પાંજરાપોળોની કસ્ટડીમાં રાખવામાં આવતા હોય છે. કોર્ટના હુકમને લીધે પાંજરાપોળો પર પ્રાણીઓને સાચવવાની જવાબદારી આવી પડે છે. પાંજરાપોળ એ ડોનેશન પર મહાજન પધ્ધતિ વડે ચાલતી સંસ્થા છે, તેના માટે પ્રાણીઓનો નિભાવ ખર્ચ અસહ્ય અને ઘણુ વધુ હોય છે. સંખ્યાબંધ કિસ્સાઓમાં કોર્ટો પાંજરાપોળોને પ્રાણીઓનો નિભાવ ખર્ચ અપાવતી હોતી નથી. અગાઉ એક કેસમાં નીચલી કોર્ટે પાંજરાપોળને નિભાવ ખર્ચ અપાવતો હુકમ કર્યો હતો, તેની સામે હાઇકોર્ટમાં થયેલી અપીલોમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કેન્દ્ર કે રાજય સરકારે પાંજરાપોળમાં પ્રાણીઓના નિભાવ ખર્ચની કોઇ રકમ નિર્ધારિત કરી નથી. હાઇકોર્ટે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની કલમ-૩૫ની પણ વિસ્તૃત છણાવટ આ કેસમાં કરી હતી. કાયદામાં પણ નિભાવ ખર્ચ માલિક ચૂકવે તેવી જોગવાઇ છે. વળી, કાયદો ઘડાયાને ૪૭ વર્ષ થયા પરંતુ તેમછતાં હજુ સુધી નિભાવ ખર્ચના કોઇ દર કે ધારાધોરણો નક્કી થયા નથી. આજના સમયમાં એક પ્રાણીને ખોરાકનો ખર્ચ રૂ.૫૦થી વધુનો આવે છે, તે સિવાય તેની સારસંભાળ, દવા અને સારવારનો ખર્ચ અલગ. પાંજરાપોળો સેવા ઉદ્દેશથી ચાલતી હોવાછતાં ઘણીવાર આર્થિક તંગી સામે લડતી હોય છે અને તેના પરિણામે પ્રાણીઓની સારસંભાળ નિભાવખર્ચના અભાવે જોખમાય છે. આ સંજોગોમાં રાજય સરકાર અને સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પ્રાણીઓના નિભાવ ખર્ચના ધોરણો અને દરો પ્રસિધ્ધ કરવા જોઇએ અને પાંજરાપોળોને પ્રાણીઓનો યોગ્ય નિભાવ ખર્ચ અપાવવો જોઇએ. આ મામલે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાયા નથી, જેને પગલે અરજદારને હાઇકોર્ટમાં રિટ અરજી કરવાની ફરજ પડી છે. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી હતી.

Related posts

રાજયભરમાં જલારામ જયંતિની ઉજવણી

aapnugujarat

सरसपुर में सवा लाख से अधिक लोगों के लिए भोज

aapnugujarat

સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1