Aapnu Gujarat
ગુજરાત

આરટીઓની વધુ એક લાલિયાવાડી : યુવતીને વીધાઉટ ગીયર લર્નિંગ બદલે વીથ ગીયરનું લાયસન્સ

અમદાવાદ આરટીઓના સંચાલન હેઠળ બોડકદેવ વિસ્તારમાં ચાલતી ડબલ્યુઆઇએએ સંસ્થા દ્વારા કાચા ડ્રાઇવીંગ લાયસન્સમાં ગોટાળાની ફરિયાદો વધતી જાય છે. તાજેતરમાં જ એક યુવતીએ ટુ વ્હીલર માટે વીધાઉટ ગીયરનું કાચુ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા અરજી કરી હતી પરંતુ ડબલ્યુઆઇએએ સંસ્થા દ્વારા યુવતીને પાકુ ડ્રાઇવીંગ લાયસન્સ આપી દેવાયું. યુવતીએ જયારે સંસ્થાને વિનંતી કરી કે, તેણીએ વિધાઉટ ગીયરનું કાચા લાયસન્સ માંગ્યુ છે, તે સુધારી આપો..જેના જવાબમાં સંસ્થાના સત્તાવાળાઓએ યુવતી સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરી હાંકી કાઢી હતી. જેને પગલે યુવતીએ આજે અમદાવાદ આરટીઓ ખાતે આખો દિવસ બગાડયો પણ ત્યાં પણ તેનું વીધાઉટ ગીયરનું કાચુ લાયસન્સ નહી નીકળતાં હતાશ થયેલી યુવતી આખરે ધ્રુસકે..ને ધ્રુસકે રડી પડી હતી. રડતાં…રડતાં…યુવતી બસ એટલું જ કહેતી હતી કે, આમાં મારો કોઇ વાંક નથી, છતાં મારે ભૂખ્યા તરસ્યા આખો દિવસ બગાડવો પડયો, પૈસાનું પાણી થયું ને છતાંય મેં માગેલું લાયસન્સ ના નીકળ્યું. આઘાતજનક વાત તો એ છે કે, અમદાવાદ આરટીઓમાં જયારે યુવતી ટુ વ્હીલરનું વીધાઉટ ગીયર લાયસન્સ માટે ગઇ તો ઇન્ચાર્જ એન્જિનીયરે તેને નિયમ બતાવ્યો કે, જયાં સુધી તમારું વીથ ગીયરના કાચા ડ્રાઇવીંગ લાયસન્સની છ મહિનાની ટર્મ પૂર્ણ ના થાય ત્યાં સુધી તમને વીધાઉટ ગીયરનું કાચુ ડ્રાઇવીંગ લાયસન્સ મળી શકે નહી એટલે કે, તમે એપ્લાય જ ના કરી શકો. ટૂંકમાં, આ યુવતીએ હવે નવેમ્બર-૨૦૧૭ સુધી ખોટા લાયસન્સ સાથે ફરવુ પડશે. બહુ ગંભીર અને આરટીઓ સત્તાવાળાઓએ શીખ લેવા જેવા આ કિસ્સા અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ ડબલ્યુઆઇએએ સંસ્થામાં ટુ વ્હીલર માટે વીધાઉટ ગીયરના અને ફોર વ્હીલરના કાચા ડ્રાઇવીંગ લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું. સંસ્થા દ્વારા યુવતીનું લર્નિંગ લાયસન્સ તો ઇશ્યુ કરાયું પરંતુ વીધાઉટ ગીયરના બદલે વીથ ગીયરનું ટુ વ્હીલરનું લાયસન્સ ઇશ્યુ કરાયું. હકીકતમાં યુવતી વીધાઉટ ગીયર એકટીવા ચલાવે છે અને તેણીએ ફોર્મમાં પણ આ હકીકત સ્પષ્ટ લખી છે. ડબલ્યુઆઇએએ સત્તાવાળાઓની ગંભીર ભૂલ હોવાછતાં તેઓએ ભૂલ સુધારવાને બદલે યુવતીને ધૂતકારી કાઢી મૂકી. જેથી આજે યુવતીનું વીધાઉટ ગીયરનું ટુ વ્હીલરના કાચા લાયસન્સ માટે અમે અમદાવાદ આરટીઓ ખાતે પ્રયત્ન કર્યો હતો પરંતુ ઇન્ચાર્જ એન્જિનીયર દ્વારા અમને એવો નિયમ બતાવવામાં આવ્યો હતો કે, એક વખત વીથ ગીયરનું ટુ વ્હીલરનું લર્નિંગ લાયસન્સ ઇશ્યુ થઇ ગયુ હોય તો વીધાઉટ ગીયરનું ટુ વ્હીલરનું લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે તેના અગાઉ નીકળેલા વીથ ગીયરના લર્નિંગ લાયસન્સની મુદત પૂરી થવા દેવી પડે, ત્યાં સુધી વીધાઉટ ગીયરનું લર્નિંગ લાયસન્સ નીકળે જ નહી. ટૂંકમાં, અરજદાર એપ્લાય જ ના કરી શકે. મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ ભારપૂર્વક જણાવ્યું કે, આરટીઓ સત્તાવાળાઓની ભૂલનો ભોગ નિર્દોષ નાગરિકો શું કામ બને? સત્તાવાળાઓના સોફ્ટવેરમાં આ ગંભીર પ્રકારની ચૂક કે ખામી કહી શકાય. આવા તો કેટલા અરજદારોના લાયસન્સમાં ગોટાળા થતા હોય તો બધાને હાલાકી ભોગવવાનો વારો આવે ને! યુવતીના પૈસા બગડયા, સમય બગડયો અને ભૂખી-તરસી ધક્કા ખાવા પડયા અને માનસિક ત્રાસ અલગ…આ બધા માટે જવાબદાર કોણ? પોતાના વીધાઉટ ગીયરના લર્નિંગ લાયસન્સનું કામ નહી થતાં હતાશ થયેલી યુવતી આખરે આરટીઓ સંકુલમાં જ ધ્રુસકે..ને ધ્રસુકે રડી પડી હતી. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ પણ આરટીઓ તંત્રના અણઘડ વહીવટ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

Related posts

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયકને મંજુરી મળી

aapnugujarat

गुजरात किलर स्वाइन फ्लू की चपेट में : ओर १२ मौत हुई

aapnugujarat

ગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1