Aapnu Gujarat
શિક્ષણ

અંડરગ્રેજયુએટ મેડિકલમાં પ્રવેશ : રાજય બહારના વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવા માટેના નિર્દેશ

અંડરગ્રેજયુએટ મેડિકલમાં પ્રવેશ માટે ધોરણ-૧૦ અને ૧૨ ગુજરાતમાંથી પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને જ સ્ટેટ કવોટામાં જ પ્રવેશ આપવા અંગેના રાજય સરકારના નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. હાઇકોર્ટે સરકારના નિર્ણય પરત્વે ટકોર કરતાં જણાવ્યું કે, સરકારનો આ નિયમ વિદ્યાર્થીઓના હિતથી વિપરીત અને નુકસાનકર્તા છે. હાઇકોર્ટે અંડરગ્રેજયુએટ મેડિકલના પ્રવેશમાં ધોરણ-૧૦ અને ૧૨ ગુજરાત રાજયમાંથી પાસ ના કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓના પ્રવેશફોર્મ પણ સ્વીકારવા સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ ગુજરાત રાજયમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને જ અંડરગ્રેજયુએટ મેડિકલમાં પ્રવેશમાં સ્ટેટ કવોટામાં પ્રવેશ મળી શકે એ મતલબના સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી અરજદાર વિદ્યાર્થીઓ તરફથી કરાયેલી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, જો સરકારનો આ નિયમ લાગુ કરવામાં આવે તો તેઓને ગુજરાતમાં પણ પ્રવેશ ના મળે અને અન્ય કોઇ રાજયમાં પણ પ્રવેશ ના મળે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. સરકારના આવા વિવાદીત નિર્ણયથી તેમના કારકિર્દીના મહત્વના તબક્કે અને શિક્ષણ પર ગંભીર અસરો પડે તેમ છે. સરકારનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતથી વિરૂદ્ધનો અને ગેરકાયદે હોઇ હાઇકોર્ટે તેને અયોગ્ય અને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદાર વિદ્યાર્થીઓની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ટકોર કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતને નુકસાન કરતો કોઇપણ નિર્ણય યોગ્ય કહી શકાય નહી. હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીઓને રાહત આપતો આદેશ કરી ધોરણ-૧૦ અને ૧૨ ગુજરાત રાજયમાંથી પાસ ના કર્યું હોય તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ હાલના તબક્કે સ્વીકારવા સરકારના સત્તાવાળાઓને તાકીદ કરી હતી.

Related posts

મહેસાણા જીલ્લાની ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળા કેસીમ્પાનું ગૌરવ

editor

લોકનિકેતન વિનયમંદિર, લવાણામાં પ્રતિભા ખોજ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ગુજરાતમાં ખાનગી શાળાના શિક્ષકોની હાલત બની કફોડી

editor

Leave a Comment

UA-96247877-1