Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો

સુરતમાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. પંદર દિવસ પહેલા ૮૪૬ લોકો હોસ્પિટલમાં દાખલ હતા. હવે ૬૦૯ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં કોરોનાના ૧૨૮૮ સક્રિય દર્દી છે જે પૈકી અડધા કરતા ઓછા દર્દી હોસ્પિટલમાં છે. જુલાઇ મહિનામાં ૩૧૦૦થી વધુ લોકો હોસ્પિટલ તથા સમરસ હોસ્ટેલમાં દાખલ હતા. છેલ્લા દોઢ મહિનાથી દરરોજ સરેરાશ ૧૭૦ થી ૧૮૦ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં બહારગામથી આવતા લોકોની સંખ્યામા વધારો થતા કોરોનાના કેસ ઘટયા નથી, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પહેલી ઓકટોબરના રોજ ૮૪૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પહેલી સપ્ટેમ્બરના રોજ ૮૬૫ દર્દીઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા.
જુલાઇ મહિનામાં ૩૧૦૦થી વધુ લોકો હોસ્પિટલ તથા સમરસ હોસ્ટેલ ખાતે દાખલ હતા. જુલાઇ બાદ પાલિકાએ કોરોનાના દર્દીઓને ઘરે જ કવોરન્ટાઇન કરી સારવાર આપવાનું શરૂ કર્યું હતું. અત્યારે ૧૨૮૮ એકટીવ કેસ પૈકી ફકત ૬૦૯ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે બાકીના દર્દીઓ તબીબી માર્ગદર્શન હેઠળ ઘરે સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીની સંખ્યામાં ઘટાડો થતા મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી છે. સ્મીમેર હોસ્પિટલમાં ૨૨૨૫ બેડની સામે ફકત ૧૨૧ દર્દી દાખલ છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૮૨૧ બેડની સામે ૮૬ દર્દી સારવાર હેઠળ છે. કોરોનાના દર્દી ઘટતાં સ્મીમેરમાં નોન કોવીડ સારવાર શરૂ કરવામાં આવી છે. દિવાળીની ખરીદી નીકળવાની આશાએ વેપારીઓએ શનિ અને રવિની જાહેર રજામાં મોલ ચાલુ રાખવા માંગણી કરી હતી. પાલિકાએ આ માંગણી સ્વીકારી પાંચ વાગ્યા સુધી મોલને મંજુરી આપી છે.
મોલમાં લોકોની ભીડ થાય તેવી સંભાવનાને પગલે એક પણ વ્યકતિ માસ્ક વગર દેખાય તો આખો મોલ બંધ કરાવી દેવા ચેતવણી આપવામાં આવી છે. મોલમાં પ્રવેશતી દરેક વ્યકતિ ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેની જવાબદારી મોલના સંચાલકોને શિરે મૂકવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથે એસટી બસ સેવા કાર્યરત થતા પાલિકાએ એસટી બસમાં સુરત આવતા તમામ મુસાફરોના ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં દરરોજ દસ હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારો તથા રાજ્ય બહારથી આવી રહેલા મુસાફરો ચેપ લઇને નહીં આવે તે માટે એસટી બસ ડેપો તથા કોવીડ ચેક પોસ્ટ પર તમામ મુસાફરોના ટેસ્ટીગ કરવામાં આવશે.

Related posts

ગુજરાતના ૩૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

aapnugujarat

સુરતની સગીરાના ગર્ભપાત અંગે કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી

aapnugujarat

अहमदाबाद में एक वर्ष में ३ लाख पेड़ लगाने का संकल्प

aapnugujarat

Leave a Comment

UA-96247877-1