Aapnu Gujarat
ગુજરાત

ખાનગી સ્કૂલોની ફી મામલે હાઇકોર્ટના આદેશને સરકાર સુપ્રીમમાં નહીં પડકારે : ભૂપેન્દ્રસિંહ

કોરોના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો એક પરિપત્ર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના વાલીઓના હિતમાં કર્યો હતો. આ મામલે ખાનગી સ્કૂલો હાઇકોર્ટમાં ગઈ હતી. હાઇકોર્ટે વચગાળાનો આદેશ કરતા આ પરિપત્ર રદ કરી દીધો છે. આ મામલે હાઇકોર્ટે વિગતવાર ચુકાદા બાદમાં આપશે. સંચાલકોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવાનો પરિપત્ર રાજ્ય સરકાર કરી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકે છે.ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે છે. આ મામલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરવામાં આવશે. આ મુદ્દાને અહીં જ પૂરો કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. અમે હાઇકોર્ટ સમક્ષ અમારો અભિપ્રાય રજૂ કરી દીધો છે. આગામી સમયમાં હાઇકોર્ટ જે વિગતવાર ચુકાદો આપશે તેના પરથી નિર્ણય લેવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૧૩મી એપ્રિલના રોજ સ્કૂલ સંચાલકો સાથે થયેલી ચર્ચા મુજબ એવી સમજૂતી થઈ છે કે સપ્ટેમ્બર સુધી કોઈ પણ સંચાલક વાલી પર ફી માટે દબાણ નહીં કરે.આ મામલે નિવેદન આપતા કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ મંત્રીનું પદ બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે તો વાલીઓના હિત માટે શા માટે સુપ્રીમ કોર્ટમાં નથી જઈ રહી? સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે સરકારે ખૂદ કબૂલ કર્યું છે કે ૭૦ ટકા સ્કૂલોએ ફી ઉઘરાવી દીધી છે. સરકારે પરિપત્ર મોડો જાહેર કરીને સ્કૂલ સંચાલકોને ફી ઉઘરાવવાનો સમય આપ્યો હતો.ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર કર્યો હતો કે વર્ષ ૨૦૨૦-૨૧માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. ગુજરાત સરકારના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે.ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચુકાદો આપતા ખાનગી સ્કૂલ સંચાલકોને શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. સાથે જ ફી મામલે સરકાર સાથે બેસીને કોઈ નિરાકરણ લાવવાનું કહ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકો વચ્ચે સમન્વય જરૂરી છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમણે સ્કૂલના સંચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફી ઘટાડવા માટે તૈયાર ન હતા.નોંધનીય છે કે સરકારના આવા પરિપત્ર બાદ ખાનગી સ્કૂલના સંચાલકોએ બાળકોને ઓનલાઇન અભ્યાસ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. સ્કૂલના સંચાલકોએ જાહેરાત કરી હતી કે ફી નહીં તો અભ્યાસ પણ નહીં. જોકે, બાદમાં અમુક સ્કૂલ સંચાલકોએ ઓનલાઇન અભ્યાસ ફરીથી શરૂ કરી દીધો હતો.

Related posts

પોલીસ ખાતું ભ્રષ્ટ છે, લોકોની સેવા નહીં કરી શકે : હાર્દિક પટેલ

aapnugujarat

સવર્ણને વિવિધ લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય

aapnugujarat

ગુજરાત બાર કાઉન્સીલ ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1