Aapnu Gujarat
ગુજરાત

સવર્ણને વિવિધ લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય

પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકાર દ્વારા રચાયેલું બિન અનામત આયોગે બિન અનામતના વર્ગોને લાભ આપવા સક્રિય વિચારણા શરૂ કરી છે. જેમાં બિન અનામત આયોગ દ્વારા સવર્ણોને પણ અનામત વર્ગની જેમ વિવિધ લાભો આપવા માટે કેન્દ્ર સરકારને પણ ભલામણ કરવામાં આવશે પરંતુ તે પહેલાં રાજયમાં આ અંગેની જરૂરી ઔપચારિક પ્રક્રિયાઓ પરિપૂર્ણ કરવામાં આવશે. બિન અનામત સવર્ણ આયોગ દ્વારા અનામત વર્ગના લોકોને જ નોકરી તેમજ અભ્યાસમાં મળતા લાભ બિન અનામત વર્ગને પણ મળે તે માટે હવે આયોગ દ્વારા સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં સસ્તા દરે શિક્ષણ લોન ઉપરાંત, ૩૫ જેટલી સરકારી યોજનાનો લાભ આપવા વિચારણા ચાલી રહી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપ સરકારની સવર્ણ રાજનીતિ હવે સામે આવી રહી હોય એમ લાગી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર ગુજરાત રાજયમાં બિન અનામત વર્ગોની જરૂરિયાતને જાણવા માટે રાજય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. જેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત, બેથી ચાર ટકાના દરે એજ્યુકેશન લોન, વિદેશ અભ્યાસ માટે લોન આપવા પણ વિચારણા હાથ ધરાઇ રહી છે. આ તમામ બાબતોનો એક રિપોર્ટ બનાવીને બિન અનામત આયોગ સરકારને સુપ્રત કરશે, અને ત્યાર બાદ તેના પર પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પાટીદારોએ અનામતની માંગ કરી જોરદાર દેખાવો કર્યા હતા. અનામતનો લાભ મેળવવા માટે અન્ય જ્ઞાતિઓ પણ મેદાનમાં આવી હતી. એટલું જ નહીં, પાટીદારોની નારાજગી તો વિધાનસભા ચૂંટણમાં પણ જોવા મળી હતી, અને ૧૫૦થી વધુ બેઠક જીતવાની વાત કરતા ભાજપે માત્ર ૯૯ બેઠકથી સંતોષ માનવો પડ્‌યો હતો. હવે જ્યારે લોકસભા ચૂંટણીને માંડ ગણતરીના મહિનાઓનો સમય બાકીે રહ્યો છે, ત્યારે બિન અનામત વર્ગોના મત પોતાની વિરુદ્ધ ન પડે તે માટે સરકારે અત્યારથી જ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી બાદ ટૂંક જ સમયમાં બિન અનામત આયોગ બનાવી દેવાયું હતું, અને હવે સવર્ણોને અનામત જેવા લાભ આપવાની રાજનીતિ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપની જીત થઈ હતી. જોકે, વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો ધબડકો થતાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે આમ પણ કપરાં ચઢાણ મનાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ક્યાંક અનામતનો મુદ્દો ન નડી જાય તે માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે અને તેના ભાગરૂપે જ અનામત વર્ગોની સાથે સાથે સવર્ણોને પણ સાચવવાની અને રીઝવવાની કવાયત રૂપાણી સરકારે હાથ ધરી છે.
f

Related posts

વડોદરા જિલ્લામાં ૩૨૦૧૯ રાંધણગેસ જોડાણો આપવામાં આવ્યા છે : જિલ્લા પુરવઠા અધિકારી

aapnugujarat

વિરાટ, રોહિત શર્માની નિંદા નહીં કરી શકું : અખ્તર

editor

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશે : રૂપાણી

editor

Leave a Comment

UA-96247877-1