Aapnu Gujarat
બ્લોગ

‘આખિર થક હાર કે લૌટ આયા મૈ બજાર સે, યાદોં કો બંદ કરને કે તાલે કહી મિલે હી નહિ.’

ગમે તે કરો…યાદ આવવાની શરુ થાય પછી એ રોકી રોકાતી નથી.પ્રિયજનની યાદ વિયોગને વધારે વસમો બનાવે છે.પ્રિય વસ્તુની યાદ અધુરપનો અહેસાસ કરાવે છે.ઘટનાની યાદ ભૂતકાળની સેર કરાવે છે.
યાદ એક નાનકડો શબ્દ.પણ ભલભલી જોરાવર વ્યક્તિને હલબલાવી નાખવા પૂરતો છે.રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ યાદ બનીને આપણા મનોજગતમાં સચવાઈ રહેતી હોય છે.સારી અને ખરાબ બંને પ્રકારની યાદો આપણી પાસે હોય છે.પોઝીટીવ માણસ સારી બાબતોને યાદ કરશે.નેગેટીવ માણસ ખરાબ બાબતોને યાદ કરશે.જેવો જેનો દૃષ્ટિકોણ.
અમેરિકામાં ચંપક ગુજરી ગયો.આ સમાચાર મળતાં જ આખી પોળ ઉમટી પડી.બધા જાતજાતની વાતો કરવા લાગ્યાં.કરશનકાકા કહે ચંપક મારો બેટો ખરો હોં…આ વર્ષે તો પાછો ઇન્ડીયા આવી જવાનું કહેતો હતો ને જોને કોરોનાએ સ્વર્ગમાં પહોચાડી દીધો.ગોમતી ભાભી બોલ્યાં કે નાનો હતોને તો રોજ મારા ઘરે ચોકલેટ ખાવા આવતો.લલ્લુ કહે એને ક્રિકેટનો બહુ શોખ. ક્રિકેટ રમવામાં આખી પોળના એકેય ઘરની બારીના કાચ ફોડવાના બાકી નહી હોય…પોપટલાલે યાદ કર્યું કે આપણી પોળમાં લવમેરેજ કરવાની શરૂઆત કરનાર જ એ.એણે લવમેરેજ કર્યા એમાં પોલીસ આખી પોળના જુવાનિયાઓને પકડી ગયેલી…પાંચુ પંચાતિયો બોલ્યો આપણી પોળમાં સૌથી પહેલો છોકરો ડોક્ટર બન્યો હોય તો ચંપક .એક રૂપિયો પણ લીધા વગર એણે કેટલાયને સાજા કર્યા…વર્ષો જૂના દૂધવાળાએ ટાપશી પૂરી કે એણે કાયમ જેને જેને જરૂર પડી એ બધાને થાય એટલી મદદ કરેલી. એ જ પોળમાં બાપદાદાની ત્રણ માળની હવેલીમાં રહેતા ચંપકના બે સગા ભાઈઓને છેલ્લે ચંપક ઇન્ડીયા આવેલો એ વાતો યાદ આવી ગઈ.મિલકતમાંથી પોતાનો ભાગ રાજીખુશીથી જતો કરવા સામે ચંપકે કેવી આકરી શરત મૂકેલી…ગામડે રહેતા નિસંતાન વિધવા કાકીને આ ત્રણ માળની હવેલીમાં આખી જિંદગી બેય ભાઈઓએ વારાફરતી પાલવવા.એવી આખી જિંદગીની વેઠ થોડી કરાય ?વેવલો નહી તો…આ વિચારથી બેયનું મન કડવાશથી ભરાઈ ગયું.
ચંપકની બરાબર સામેના ઘરમાં રહેતી કવિતાને આ સમાચાર મળ્યાં…એને વરસાદ યાદ આવી ગયો.બેય એક જ ધોરણમાં સાથે ભણતા.વરસાદી પાણીના ખાબોચિયામાં કવિતા એકવાર પડી ગયેલી.એ પછી વરસાદ હોય ત્યારે ચંપક હાથમાં હાથ પકડીને એને ઘરે લાવતો. વરસાદી કેરના લીધે જ એને એ ગમવા માંડેલો.ક્યારેક કોઈ ઘટના કે કોઈ સમાચાર યાદોનો પટારો ખોલી આપવાનું નિમિત્ત બને છે.
યાદ શબ્દને વાક્યમાં અલગ અલગ રીતે વપરાય છે.યાદ કરવું,યાદ આવવું,યાદ બની જવું,યાદ રહી જવું,યાદગીરી હોવી,યાદગાર હોવું,યાદી બનાવવી,યાદ દાસ્ત કમજોર થઈ જવી, યાદવાસ્થળી રચાવી …આ દરેકના અર્થ સાવ અલગ અલગ છે.માણસ જ્યારે બહારથી શાંત લાગતો હોયને ત્યારે એની અંદર યાદોના ઘોડાપૂર આવવાની શક્યતા વધી જતી હોય છે.એનું મન ત્યારે યાદોની સફરે વિહરતું હોય છે.
ભૂકંપમાં સાવ પડી ગયેલા પોતાના મકાનના કાટમાળ સામે કલાકોથી સૂનમૂન બેસી રહેલા માણસને કોઈએ પૂછ્યું.કેમ આમ બેઠા છો ?પેલા માણસે કહ્યું આ જગ્યાની કેટકેટલી યાદો મારા મગજમાં સંઘરાયેલી છે.મેં આ મકાનને બનતું પણ જોયું છે.વસેલું પણ જોયું છે.અને આજે તૂટેલું પણ જોઈ રહ્યો છું. મારી પત્ની, મારા બાળકો, મારા ઘરની એકે એક વસ્તુ મને યાદ આવે છે.બધું હતું ત્યારે એની એટલી કિમત નહોતી જેટલી આજે સમજાય છે.ખરેખર આપણી વ્યક્તિ કે વસ્તુ માત્ર યાદ બની જાય ત્યારે જ એની કિમત સમજાતી હોય છે.
‘ જાનેવાલે કભી નહી આતે, જાનેવાલે કી યાદ આતી હૈ…’
કોરોનાકાળમાં આપણે કઈ કેટલીય હસ્તીઓ,સીને જગતના સિતારા,કોરોના વોરીયર્સ અને ભારતીયો ગુમાવ્યા છે.સેલીબ્રીટીઓને મળતું મીડીયા કવરેજ જોઇને એક પ્રશ્ન જરૂર થાય કે સેલીબ્રીટી સિવાયના લોકોની કોઈ નોંધ કેમ નથી લેવાતી ? સેલીબ્રીટીઓની લાઈમ લાઈટ લાઈફના કારણે એમના કલીપીંગ્સ અને ફોટો સહેલાઈથી ઉપલબ્ધ થાય છે.કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા બજાવતા જીવ ગુમાવનાર ડોક્ટર્સ,નર્સ,પોલીસકર્મી,શિક્ષકો અને સરકારી કર્મચારીઓ તેમના કામથી અને તેમની યાદો સાથે આપણા દિલમાં હમેશા જીવંત રહેશે.
એક દંપતીના છૂટાછેડા થયા.સામસામે બેય પક્ષની વસ્તુઓ પાછી અપાઈ.એમાં એ યુવકને બર્થડે ગિફ્ટમાં આપેલી વીંટી ખોવાઈ ગયેલી એવું બહાનું કાઢી એણે પાછી ના આપી.યુવતીએ પ્રમાણિકતાથી સાસરી પક્ષે આપેલા બધા ઘરેણાં પરત આપી દીધા. એ પછી બેય પાત્રો અલગ પડી ગયાં.પણ પેલો યુવક આખી જિંદગી ક્યારેય વીંટી પહેરી ન શક્યો.જુઠ્ઠું બોલવા માટે એનું અંતર ડંખતું.એની બીજી પત્નીની આગળ સતત પહેલી પત્નીની વાતો કર્યા કરતો.એક દિવસ એની બીજી પત્નીએ કહ્યું કે તમે એને આટલું યાદ કરો છો તો એને છૂટાછેડા શું કામ આપ્યા ?યુવકે કહ્યું કે એનું સાચું બોલવું હું પચાવી શક્યો નહોતો.એ કહેતી કે આટલી આવકમાં ઘર ના ચાલે.અને હું કહેતો કે આમાં જ ઘર ચલાવવું હોય તો રહે નહિતર જતી રહે.વધારે સારી નોકરી શોધું અથવા પાર્ટ ટાઈમ કામ કરું એવું કશુક કહેવા માગતી હશે એ આજે સમજાય છે.જતા જતા ઘરખર્ચમાંથી બચાવેલા પૈસા પણ મને આપી દીધા, જેની મને ખબરેય નહોતી.એની સારપ મને રહી રહીને સમજાઈ એટલે એ મને યાદ આવે છે.આપણી પરીસ્થિતિ તો આજે પણ એવી જ છે.યુવકને એની ભૂલ સમજાઈ ત્યાં સુધીમાં પેલી યુવતીએ જર્નાલિસ્ટ તરીકે સારું કાઠું કાઢી નામના મેળવી લીધેલી.સત્યથી ભાગવું કે યાદો સાથે જીવવું એ પણ આપણી ચોઈસ હોય છે.
દુનિયાની કોઈ પણ વ્યક્તિ એવી નહી હોય જે યાદ વગર જીવતી હોય.યાદમાં અદભૂત તાકાત હોય છે.એક છોકરાને એના શિક્ષકે કહેલું કે તું શ્રેષ્ઠ વિદ્યાર્થી છે અને જીવનમાં પણ તારે શ્રેષ્ઠ જ બનવાનું છે.આ વાક્ય એને યાદ રહી ગયું.નાનપણમાં જ માતાપિતાની છત્ર છાયા ગુમાવી.લાકડા વેચવાથી કામ શરુ કર્યું.એનો સ્વભાવ,એની સામા માણસને સમજવાની આવડતને કારણે એ થોડા વર્ષોમાં પોતાની લાટીનો માલિક બની ગયો.મહેનત કરતા કરતા એક દિવસ એ હીરાનો વ્યાપારી બની છવાઈ ગયો.એના ગામડાની નિશાળના શિક્ષક તો જીવતા નહોતા રહ્યા.પણ એમનું કહેલું વાક્ય પેલા છોકરાને યાદ રહેલું.એના કારણે સમાજને એક સારો પરદુઃખભંજક દાનવીર વેપારી મળ્યો.જેણે કેટલાયને રોજગારી પૂરી પાડી.
દુઃખ થાય એવી યાદોને યાદ કરીને ગમગીન બનવા કરતા એને ભૂલીને નવેસરથી જીવવામાં મઝા છે.સારી યાદો જીવવાનું બળ પૂરું પાડે છે. ગમતી વ્યક્તિ સાથે જીવંત સંપર્ક ન પણ હોય તો એને યાદ કરવાથી પણ જીવવાની મઝા બેવડાઈ જતી હોય છે.યાદ કરવું અને યાદોમાં રહેવું બેય બહુ જુદી બાબતો છે.તમને ગમે એને તમે યાદ કરી શકો.પણ કોઈની યાદોમાં રહેવા માટે એના મન સુધી પહોચવું પડે છે.મન અને યાદ એક સિક્કાની બે બાજુઓ છે.
‘ યાદોને ક્યાં કોઈ ઘાટ કે આકાર હોય છે ?
યાદ તો બસ અનરાધાર જ હોય છે…!!’

Related posts

EVENING TWEET

aapnugujarat

આકાશમાં પણ હવે ઉબેર જેવી સર્વિસ શરૂ થઇ જશે

aapnugujarat

શહેરની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ પ્રકાશ કે. સોનીને ‘૭૮૬’ નંબરની નોટ એક્ત્ર કરવાનો અનોખો શોખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1