Aapnu Gujarat
ગુજરાત

ઘુટણવડ ગામમાં ગોવાળિયા પર દીપડાએ કર્યો હુમલો : દીપડાનું મોત

પાવીજેતપુર તાલુકાના ઘુટણવડ ગામે જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલ ગોવાળિયા ઉપર દીપડાનો જીવલેણ હુમલો““બે દીપડા લડ્યા હશે જેમાં ઘાયલ થયેલો દીપડો ઝાડીમાં સંતાઇ રહ્યો હતો તે ત્યાંજ બપોરે મૃત્યુ પામ્યો હતો““
પાવીજેતપુર તાલુકાના ઘુટણવડ ગામે જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલા ગોવાળિયા ઉપર સવારના ૮ વાગ્યાના અરસામાં એકાએક જંગલ વિસ્તારમાંથી દીપડો કૂદી આવી જીવલેણ હુમલો કરતાં માથાના ભાગે તેમજ બંને હાથ ઉપર ઇજાઓ થતા ઘાયલ થયેલ ગોવાળીયાને તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ ગામના રહીશ કનુભાઇ છગનભાઈ સોલંકી પોતાના બકરા લઇને વહેલી સવારે ડુંગર વિસ્તારમાં ચરાવવા માટે ગયા હોય, સવારના આઠ વાગ્યાના અરસામાં ડુંગર વિસ્તારમાં જ્યારે બકરાં લઇને કનુભાઈ પહોંચ્યા ત્યારે દીપડો એકાએક બહાર આવ્યો હતો અને કનુભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. એકાએક હુમલો થતાં કનુભાઇ જમીન ઉપર ગબડી પડ્યા હતા. માથામાં તેમજ બંને હાથો ઉપર દીપડાના પંજા વાગતા ગંભીર ઘાયલ થયા હોવા છતાં તેઓએ ઝપાઝપી કરી દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.આજુબાજુના લોકો ખેતરોમાં હોય તે લોકો પણ દોડી આવ્યા હતાં. દીપડો ત્યાંથી ભાગી જંગલ વિસ્તારમાં છુપાઈ ગયો હતો.
કનુભાઈને તુરંત જ પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી સારવાર આપવામાં આવી હતી. વનવિભાગ દ્વારા જંગલમાં પાંજરૂ મુકી દીપડાને પકડવાના પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. દીપડાને બહાર લાવવા માટે પાંજરામાં બકરુ મૂકવામાં આવ્યું હતું. દીપડો બહાર ન નીકળતા તેને બેહોશ કરી પકડવાના પ્રયત્ન કરવા માટે ઇન્જેક્શનના નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા. તે લોકોએ સ્થળ ઉપર પહોંચી જોયું હતું કે ત્યાં કોઈ ગતિવિધિ દેખાતી નહતી તેમજ દીપડા ઉપર માખો ભણભણતી હતી તેથી નજીક જઈને તપાસ કરતાં ખબર પડી હતી કે દીપડો અંદાજે બે વાગ્યાની આસપાસ મૃત્યુ પામ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓનું જણાવ્યું હતું કે બે દીપડા લડ્યા હશે જેમાં આ દીપડો વધુ ઘાયલ થવાના કારણે મૃત્યુ પામ્યો છે. દીપડાને માથાના ભાગે ગળાના ભાગે શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

सूरत : कपड़ा मिल में लगी भीषण आग

editor

હાર્દિક પટેલ સાથેની ઘટના નિંદનીય : ભરત પંડ્યા

aapnugujarat

વડગામને અછતગ્રસ્ત જાહેર નહીં કરાતાં મેવાણી લાલઘૂમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1