Aapnu Gujarat
ગુજરાત

બોડેલી તાલુકાના વિસાડી ગામની મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા

બોડેલી તાલુકાનાં વિસાડી ગામની ૨૯ વર્ષીય મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ મારફતે જબુગામની હોસ્પિટલમાં લઈ જઈને ત્રણેક દિવસ સારવાર આપ્યા પછી બોડેલીની સંગમ હોસ્પિટલમાં દાખલ કરી હતી, ત્યાં બાળકને જન્મ આપ્યા પછી માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી મૃતકનાં પરિવારજનોએ તબીબની નિષ્કાળજીથી મોત થયું હોવાનું કહીને સંગમ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસે આવીને મામલો સાંભળીને મૃતક મહિલાનાં પતિની ફરિયાદને આધારે અકસ્માત મોતની દાખલ કરીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી કરવાની તજવીજ કરી હતી.
જાંબુઘોડા રોડ પર આવેલા બોડેલી તાલુકનાં વિસાડી ગામે રહીને પ્લમ્બરનું કામ કરતા નિલેશ વણકરનાં લગ્ન અઢી વર્ષ પૂર્વે કવાંટનાં મોટાઘોડા ગામની નિમિષા (ઉ.૨૯) સાથે થયા હતા. નિમિષાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં જબુગામની દીપક ફાઉન્ડેશન સંચાલિત દવાખાને તા.૨૨ના રોજ લઈ જવાઈ હતી ત્યાં નિમિષા બ્લિડીંગ થતા તેની સારવાર કરવામાં આવી હતી. ત્રણેક દિવસ પછી ત્યાંથી બોડેલીની સંગમ હોસ્પિટલમાં તા.૨૬નાં રોજ ખસેડવામાં આવી હતી ત્યાં ફરી બ્લિડીંગ થતા તેની સારવાર કરીને પ્રસુતિ કરાવી હતી. બાળકને જન્મ આપ્યા પછી માતાની તબિયત વધુ લથડતા તેનું તા.૫મીના રોજ તેનું મોત નિપજ્યું હતું જેથી હોસ્પિટલની નિષ્કાળજીને લીધે મહિલાનું મોત થયું હોવાની વાતે પરિવારજનોએ હોસ્પિટલ પર પહોંચી જઇને હોબાળો મચાવી મૂક્યો હતો. એક સમયે તબીબ અને સ્વજનો વચ્ચે બોલાચાલી થતાં તણાવ વધતા બોડેલી પીએસઆઇ સી.ડી. પટેલ સ્ટાફ સાથે આવીને મામલો સાંભળી લીધો હતો. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી દઇને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
તબીબની નિષ્કાળજીએ પત્નીનો ભોગ લીધા નો પતિ નો આક્ષેપ
ડિલિવરી માટે બોડેલીની સંગમ હોસ્પિટલમાં લવાયેલી પત્નીનાં ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યો હોવાનું અગાઉ કહેવાયું અને પછી સીઝર કરીને બાળકને જન્મ આપ્યો અને બાળક હજી તંદુરસ્ત છે પણ તબીબની નિષ્કાળજીથી પત્ની નિમિષાબેનનું મોત થયું હોવાનો આક્ષેપ પતિ નિલેશભાઈએ કર્યો હતો.
બોડેલીની સંગમ હોસ્પિટલનાં સંચાલક ડોકટર તપન ભટ્ટે કહ્યું કે જબુગામથી જ કેસ સિરિયસ આવ્યો હતો અને સ્વજનોને તેનાથી વાકેફ કર્યા હતા. અમારી પાસે તેના વીડિયો ફૂટેજ પણ છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

શહેરના ૨૧૦ ટીપી રસ્તા પર હાલ દબાણોનો રાફડો

aapnugujarat

ગુજરાત સરકારે તલાટીઓને ડેડબોડી મેનેજમેન્ટની કામગીરી સોંપી

editor

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં વેકસીનેસન માટે લાંબી કતાર

editor

Leave a Comment

UA-96247877-1