Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય-શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ ની ઉજવણીમાં જિલ્લાના ૮૨૧૩  ભૂલકાંઓને ધોરણ-૧ માં શાળા પ્રવેશ અપાશે

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી તા. ૮ થી ૧૦ મી જૂન, ર૦૧૭ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં અને તા. ૨૨ થી ૨૪ મી જૂન,૨૦૧૭ દરમિયાન શહેરી વિસ્તારમાં થનારી રાજ્યવ્યાપી કન્યા કેળવણી- શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ ઉજવણી દરમિયાન ૬૯૦- પ્રાથમિક શાળાઓ, ૪૫- આશ્રમશાળાઓ, ૨- કેજીબીવી અને ર- મોડેલ સ્કુલ સહિત કુલ- ૭૩૮ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર કુલ- ૮૨૧૩ જેટલાં ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ અપાશે. તેવી જ રીતે ૧૯૯૮ કુમાર અને ૧૯૩૭ કન્યા સહિત કુલ-૩૯૩૫ ભૂલકાંઓને પણ આંગણવાડીમાં પ્રવેશ અપાશે. ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૨૨૯૮ જેટલી કન્યાઓને રૂ|.૨૦૦૦/- લેખે કુલ રૂ|.૪૪.૯૦ લાખની રકમના વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ એનાયત કરાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ ઉજવણી દરમિયાન પ્રવેશ અપાશે. ધો-૯ માં પ્રવેશ મેળવનાર ૩૬૦૦ જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરી કન્યાઓને પ્રોત્સાહિત કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ ની ઉજવણીનું સુચારૂં આયોજન ઘડી કાઢવા માટે તાજેતરમાં રાજપીપળા કલેકટરાલય ખાતે અમલીકરણ સમિતિની યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયાએ આપેલી ઉપરોક્ત જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૭ ના ત્રિદિવસીય કાર્યક્રમને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠકને સંબોધતા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૭ ની થનારી ઉજવણી સંદર્ભે જિલ્લામાં નક્કી કરાયેલા ૧૦૧ જેટલા રૂટ્સમાં રાજ્યકક્ષાએથી મંત્રીશ્રી / સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત રહેનારા વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ વગેરેના રૂટ્સ, લાયઝન અધિકારીઓ સહિતની કરાયેલી તમામ પ્રકારની વ્યવસ્થા સહિત સુક્ષ્‍માતિસૂક્ષ્‍મ બાબતોની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિતોને સોંપાયેલી જવાબદારીઓ માટે પૂરતી કાળજી રાખવા સૂચના અપાઇ હતી.

નર્મદા જિલ્લામાં રાજ્યકક્ષાએથી આ ત્રિદિવસીય ઉપસ્થિત રહેનારા ૧૫ મહાનુભાવો પૈકી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગુજરાતના વન અને આદજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દકશરણભાઇ તડવી તા. ૮ મી જૂન, ૨૦૧૭ ને ગુરૂવારના રોજ સવારે ૮=૦૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામથી પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. શ્રી તડવી તા. ૯ મી જૂન, ૨૦૧૭ ને શુક્રવારના રોજ નાંદોદ તાલુકામાં અને તા. ૧૦ મી એ તિલકવાડા તાલુકામાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવશે. તેવી જ રીતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, એડીશનલ ડી.જી.પી.શ્રી તિર્થરાજ, વન સંરક્ષકશ્રી સી.કે. સોનવણે, શ્રી ડી.ટી. વસાવડા, ડૉ. એચ. આર. પ્રબુધ્ધ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી ડૉ. ધનંજય દ્વિવેદી, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક સુશ્રી નીશા રાજ, મદદનીશ વન સંક્ષકશ્રી સાદીક મુજાવર, ગૌણ સેવા પસંદગી સમિતિના નાયબ સચિવશ્રી આર.જે. સોલંકી, સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવશ્રી સપના વી. રણા વગેરે ઉક્ત ત્રણ દિવસો દરમિયાન જિલ્લાના ગામો ખૂંદીને પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને રંગે-ચંગે શાળા પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએથી પધારનારા વરિષ્‍ઠ સનદી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ નર્મદા જિલ્‍લામાં સી અને ડી ગ્રેડની તેમજ ડ્રોપ આઉટ રેટ વધારે હોય તેવી કેટેગરી- ૧, ૨ અને ૩ ની શાળાઓમાં ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાવશે. આ મહાનુભાવો રોજ સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક શાળામાં એમ દિવસમાં બે શાળાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત જિલ્‍લાના બાકી રહેતા અન્ય રૂટ્સમાં જિલ્‍લાના અધિકારીશ્રીઓ આ ત્રણ દિવસ દરમિયાન રોજની ૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવશે. પ્રવેશોત્સવ સાથે પ્રિ-ગુણોત્સવ પણ યોજાશે, જેમાં ધો.૪ થી ૮ અને ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ગત વાર્ષિક પરીક્ષાઓની ઉત્તરવહીઓની મહાનુભાવો દ્વારા ચકાસણી કરાશે તેમજ ધો-૨ અને ધો-૩ ના વિદ્યાર્થીઓની વાંચન-ગણન-લેખનની પૃચ્છા કરી સમીક્ષા પણ કરાશે.

આ બેઠકમાં જિલ્લ વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.કે.બારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી એસ.ડી. પટેલ ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.  

Related posts

વડોદરા જિલ્લામાં સાતમા ગુણોત્સવનું સારૂ પરિણામ : એ+ અને એ ગ્રેડની શાળાઓ વધી

aapnugujarat

રાજયભરના દારૂના કેસોનો ડેટા આપવા હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

माणसा में गाय का शव उठाने से इनकार करने पर दलित मां-बेटे को पीटने का आरोप

editor

Leave a Comment

UA-96247877-1