ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું છે કે, તેઓ પટણામાં ૨૭મી ઓગસ્ટના દિવસે આયોજિત સૂચિત રેલીમાં હાજરી આપનાર છે. આ રેલીમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પણ ઉપસ્થિત રહેનાર છે. આ રેલીને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં જ નહીં બલ્કે દેશની રાજનીતિમાં નવા સમીકરણો રચવામાં આવી શકે છે. સમાજવાદી પાર્ટીના નેતાના પત્નિના અવસાન વેળા શોક સભામાં પહોંચેલા અખિલેશે કહ્યું હતું કે, લાલૂ યાદવની સૂચિત રેલીમાં તેઓ હાજરી આપનાર છે. તેમણે ઉમેેર્યું હતું કે, પટણામાં આયોજિત આ મેગા રેલીમાં ભાગ લેવા માટે આરજેડી વડા દ્વારા વિપક્ષના અનેક ટોચના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ફરી એક સાથે આવવાની શક્યતા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું હતું કે, જો કોઇ જાહેરાત ભાવિ ગઠબંધન અંગે કરાશે તો તેઓ આના પર ધ્યાન આપશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી બાદ અને પરિણામો જાહેર કરવામાં આવ્યા બાદ યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં આગામી સરકારની રચના કરવા માયાવતી સાથે જોડાણ કરવાને લઇને તેઓ બિલકુલ વિરુદ્ધમાં નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપના નેતાઓને પણ તેઓ હંમેશા સન્માન આપે છે. ઉત્તર પ્રદેશમાં હાલમાં સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલી રહી છે કે કેમ તેઅંગે પૂછવામાં આવતા તેમણે કોઇ જવાબ આપ્યા ન હતા. બીજી બાજુ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી કહી ચુક્યા છે કે, ભાજપને પછડાટ આપવા માટે તેઓ કોઇપણ પાર્ટી સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશમાં સુધરાયેલી ચૂંટણી જૂન મહિનામાં યોજાનાર છે. ત્યારબાદ ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પહેલાથી જ ગઠબંધનમાં છે. અખિલેશ કહી ચુક્યા છે કે, આ યુનિયન ખુબ મજબૂત છે. રાહુલ ગાંધી તેમની સાથે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ