Aapnu Gujarat
Uncategorized

‘વિજય વિશ્વાસ’ સંમેલનમાં રાહુલના મોદી સરકાર પર પ્રહાર

જૂનાગઢ અને પોરબંદરના ઉમેદવાર માટે વંથલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જૂનાગઢ અને પોરબંદરના લોકસભાના ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પહેલા રાહુલ ગાંધીનું અહીં ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની બેઠક પર કોંગ્રેસના પૂંજાભાઈ વંશ, પોરબંદર બેઠક પર લલિત વસોયા ઉમેદવાર છે. આ ઉપરાંત, માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી સભાની શરૂઆત કરતાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આપણા વડાપ્રધાન માત્ર ને માત્ર વાતો કરી રહ્યા છે. દેશમાં આટલા બધા આતંકી હુમલા થયા છે, પરંતુ તેમણે પાંચ વર્ષ દરમિયાન કંઈ કર્યું ન હતું. મોદી સાહેબ રોજ ઉઠીને પાકિસ્તાનના નામની છાતી કૂટે છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, દેશના ઉદ્યોગપતિઓના નાણા માફ કરવા માટે સરકાર પાસે નાણા છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આવે છે ત્યારે સરકાર એમ કહે છે કે, અમારી પાસે પૈસા નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની સાથે જ ૧૦ દિવસમાં અમે ખેડૂતોનું દેવું માફ કરી દીધું હતું.નરેન્દ્ર મોદીજીએ ૨૦૧૪ની ચૂંટણીમાં તમને સૌને વચન આપ્યું હતું કે, તેઓ જીતશે તો દરેક નાગરિકના ખાતામાં ૧૫ લાખ આપવાનું વચન આપ્યું હતું. તેના બદલે તેમણે નોટબંધી લાગુ કરી અને આપણી માતા-બહેનોને લાઈનમાં ઊભા કરી દીધા. તમે આ લાઈનમાં કોઈ ઉદ્યોગપતિ, પૈસાદારને ઉભેલો જોયો છે. ભ્રષ્ટાચારના નામે લોકોને મુશ્કેલીમાં મુકી દેવાયા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે,મેં અમારી થિન્ક ટેન્કને કહ્યું કે, મોદીએ લોકોને ૧૫ લાખ આપવાનો વાયદો કર્યો હતો. આપણે ખરેખર કેટલા આપી શકીએ છીએ. અમારી થિન્ક ટેન્કે કેટલાક દિવસ પછી આવીને મારા હાથમાં એક આંકડો ’૭૨,૦૦૦’નો આંકડો આપી દીધો. મેં પુછ્યું તો કહ્યું કે આ આંકડો આપણે દેશના ૨૦ ટકા ગરીબોને વાર્ષિક આપી શકીએ છીએ. અમારી સરકાર બનશે તો અમે દેશના ગરીબોના ખાતામાં ૭૨,૦૦૦ આપીશું. તમારા ખાતમાં જેવા પૈસા આવશે તમે બજારમાં ખરીદી કરશો અને આ રીતે અર્થતંત્રને વેગ મળશે. દેશમાં નવા રોજગાર પેદા થવા લાગશે.નરેન્દ્ર મોદીએ તમને મિત્રો કહીને બોલાવે છે જ્યારે અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોક્સીને ભાઈ કહીને બોલાવે છે. ફ્રાન્સની સરકાર સાથે રાફેલ વિમાનનો સોદો કર્યો તેમાં વધુ કિંમત ચૂકવવામાં આવી છે. તેમના મિત્રોને ફાયદો કરાવવા માટે આ કિંમત ચૂકવાઈ છે. આ વિમાન ભારતમાં નહીં પરંતુ ફ્રાન્સમાં બનાવવામાં આવશે. તેઓ ખેડૂતોની વાતો કરે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આવે છે ત્યારે મોઢું ફેરવી લે છે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ચૂકવવામાં આનાકાની કરવામાં આવે છે.
અમારી સરકાર આવશે તો ખેડૂતો સાથે સાચો ન્યાય કરશે. અમારી સરકાર બનશે એટલે અમે વર્ષની શરૂઆતમાં જ અમે તમને જણાવી દઈશું કે અમે કેટલી રકમ તમને ચૂકવીશું. અમારી સરકાર ખેડૂતો માટે એક અલગ બજેટ બનાવશે. વર્ષની શરૂઆતમાં જ દરેક જિલ્લાના ખેડૂતોને તેમણે કેવી ખેતી કરવી તેની જાણ કરી દેવાશે. માછીમારોની વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, માછીમારો અમને મળ્યા કે અમારી મુશ્કેલી કોઈ સાંભળતું નથી. સમુદ્રમાં માછીમારી કરવા જઈએ ત્યારે પાકિસ્તાન આવીને ઉપાડી જાય છે. કોંગ્રેસે તેમને વચન આપ્યું કે, અમે તમારા માટે એક અલગ મંત્રાલય બનાવીશું, જે માછીમારોની દરેક પ્રકારની સમસ્યા સાંભળશે. તમારી દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવશે.રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશમાં ૨ કરોડ રોજગાર ઉભા કરવાનું વચન આપ્યું હતું. શું આજ સુધી ક્યાંય રોજગારી જોવા મળી. તેના બદલે નોટબંધી અને જીએસટી લાગુ કરીને લોકોની રોજગારી છીનવી લીધી. અમારી સરકાર આવશે તો હું તમને વચન આપું છું કે, અમે એક જીએસટી કરી નાખીશું. પાંચ પ્રકારનો જીએસટી લેવાય છે, તેને એક કર માળખામાં બદલી નાખીશું.સરકારમાં ૨૨ લાખ પદ ખાલી છે. હું તમને ૨ કરોડ રોજગારનું ઠાલું વચન નહીં આપું, પરંતુ સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે તેને ભરવાની ખાતરી આપું છું. આ સાથે જ પંચાયતોમાં પણ જ્યાં પદો ખાલી છે તેને અમારી સરકાર તાત્કાલિક ભરવાનું કામ કરશે. ગુજરાતના યુવાનો ઉદ્યોગ ખોલવા માગે છે. અનિલ અંબાણીને જો ઉદ્યોગ શરૂ કરવો હોય તો તેની પાસે પૈસો છે તે બે મિનિટમાં ખોલી નાખશે. અમારા મેનિફેસ્ટોમાં અને એક એવી યોજના બનાવી છે જેમાં તમારે ઉદ્યોગ ખોલવા માટે કોઈ પણ પ્રકારની પરમિશન લેવાની રહેશે નહીં. તમે ઉદ્યોગ શરૂ કરો અને સરકાર તમને લોન આપશે.
ત્રણ વર્ષ સુધી તમે ધંધો કરો અને બીજા ૪૦-૫૦ લોકોને રોજગાર આપો. ત્રણ વર્ષ પૂરા થઈ ગયા પછી તમે સરકાર પાસે આવીને તમારા ઉદ્યોગની નોંધણી કરાવો.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે, તમારા રાજ્યના મુખ્યમંત્રી પોતે જ સ્વીકારે છે કે, રાજ્યના કેટલાક ખાતાઓ ભ્રષ્ટ છે. હવે તમારા રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે. આ સરકારમાં આજે જે ખુદને ’ચોકીદાર’ જણાવે છે, તે મુખ્યમંત્રી હતા. એટલે કે, તમારા મુખ્યમંત્રીની વાત પરથી એ સાબિત થાય છે કે ’ચોકીદાર ચોર છે’.

Related posts

વૈષ્ણોવદેવી ફ્લાય ઓવરનું અમિત શાહે લોકાર્પણ કર્યું

editor

રાજકોટમાં બે બોગસ ડોક્ટર ઝડપાયા

editor

ભાવનગરમાં ફરીવાર ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1