Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં ફરીવાર ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર

ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે ગુજરાત પાવર કોર્પોરેશન લિ.(જીપીસીએલ) દ્વારા થઇ રહેલ જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ૧૨ ગામના સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે આજે ફરી એકવાર જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે પોતાના હક્ક અને અધિકાર માટે લડી રહેલા ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓ પર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી તેમને ફટકાર્યા હતા અને તેમની પર બેરહમીથી લાઠીઓ વીંઝી હતી. પોલીસ અત્યાચારને પગલે સમગ્ર રાજયભરમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ૫૦થી વધુ ટીયરગેસના શેલ પણ છોડયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઘોઘા તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી બાડીપાડવા ખાતે ખેડૂતો-ગ્રામીણ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ જીપીસીએલ અને સરકારી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે તેમછતાં હજુ સુધી સરકાર કે તંત્રના એક માણસે ખેડૂતોની દિલની વ્યથા સમજવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. જીપીસીએલના જમીન સંપાદન અને સરકારી તંત્રની મિલીભગત સામે સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી છે અને તેના વિરોધમાં આજે ખેડૂતોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સુરકા ગામથી રેલી યોજવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ૫૦૦થી વધુ ખેડૂતો જોડાયા હતા, જેમાં ગ્રામીણ મહિલાઓ પણ સામેલ થઇ હતી. આ રેલી જીપીસીએલ કંપનીની સાઈટ પર જઈ રહી હતી. તેવા સમયે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ પોતાનો વિરોધ ચાલુ રાખી રેલી યોજવાનો આગ્રહ રાખતાં પોલીસના જવાનોએ અમનાવીય રીતે ખેડૂતો પર લાઠીઓ વીંઝવા માંડી હતી અને તેઓને બેરહમીથી ફટકાર્યા હતા. પોલીસે શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધની વાચા આપી રહેલા ખેડૂતોને પકડી પકડીને પગમાં ને શરીરના જુદા જુદા ભાગોએ ભારે ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી લાકડીઓના સોળ વરસાવ્યા હતા. પોલીસ અત્યાચારને પગલે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. મામલો વણસતાં અને ખેડૂતોએ હોબાળો મચાવતાં પોલીસે ૫૦થી વધુ ટીયરગેસના શેલ છોડી ખેડૂતોને વિખેરી નાંખ્યા હતા. પોલીસની દમનકારી પ્રવૃત્તિને લઇ ફરી એકવાર તંત્ર સામે ગંભીર સવાલો ઉઠયા હતા કે, પોલીસ કોના ઇશારે ખેડૂતોના આંદોલન અને વિરોધને તોડવાનો પ્રયાસ કરી રહી છે. શું પોલીસની લાઠીઓ નિર્દોષ ખેડૂતો પર વીંઝવા માટે જ છે. ખેડૂતો પર આ પ્રકારે અમાનવીય અત્યાચાર કરવા કોના તરફથી સૂચના પોલીસને અપાઇ રહી છે સહિતના અનેક સવાલો આજની ઘટના બાદ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે જીપીસીએલ અને ૧૨ ગામના ખેડૂતો વચ્ચે જમીનના પગલે વિવાદ ચાલી રહ્યો છે. જમીનના પ્રશ્ને ભાવનગર જિલ્લાના ૧ર ગામના પરપ૯ લોકોએ અગાઉ સ્થાનિક જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માગણી કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) અને બાડી-પડવા સહિત ૧૨ ગામોના ખેડૂતો વચ્ચે જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવાની માગણી સાથે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કંપનીએ માઈનીંગ કામગીરી શરૂ કરી દીધુ છે, જેના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને દિન પ્રતિદિન આ આંદોલન વધુ ઘેરું બનતું જાય છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

aapnugujarat

ધોરાજીમાં રક્ત દાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ યોજાયો

editor

અમદાવાદમાં વર્ષ૨૦૨૨ સુધીમાં દોડતી થઈ જશે મેટ્રો

editor

Leave a Comment

UA-96247877-1