Aapnu Gujarat
ગુજરાત

ભકિતભાવ વચ્ચે કેમ્પ હનુમાનની શોભાયાત્રા

આવતીકાલે ચૈત્રી સુદ પૂનમને તા.૧૯મી એપ્રિલે શ્રીરામચંદ્રજી ભગવાનના પરમભકત શ્રી હનુમાનજી દાદાની જન્મજયંતિ હોઇ તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસ પહેલાં એટલે કે, આજે શ્રી હનુમાનજી કેમ્પ મંદિર ટ્રસ્ટ દ્વારા કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રામાં ૨૫થી વધુ ટ્રકો, ૪૦થી વધુ કાર, ૧૦૦ થી વધુ બાઇક-સ્કુટર સહિતના નાના મોટા વાહનો અને અનેક આકર્ષણોએ પણ રંગ જમાવ્યો હતો. આજની દાદાની શોભાયાત્રામાં હજારો નાગરિકો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા અને હનુમાનજી જયંતિને લઇ સમગ્ર શહેરમાં જાણે દાદાની ભકિતનો અનેરો માહોલ છવાયો હતો. હવે આવતીકાલે હનુમાનજયંતિ નિમિતે કેમ્પ હનુમાનજી મંદિર ખાતે શ્રીરામભકત હનુમાનજી દાદાનો જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે, આ પ્રસંગે કેમ્પ હનુમાનજી દાદાને ૫૦૦ કિલો દૂધનો હલવો પ્રસાદરૂપે ધરાવવામાં આવશે. શ્રી કેમ્પ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારી પરિવાર અને હજારો શ્રધ્ધાળુ ભકતોની હાજરીમાં આજે વહેલી સવારે આઠ વાગ્યે કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન આર્મીના મેજર જનરલ સંજીવ શર્મા અને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. હનુમાનજીની શોભાયાત્રામાં ૨૫થી વધુ ટ્રકો, ૪૦થી વધુ કાર, ૧૦૦ થી વધુ બાઇક-સ્કુટર સહિતના નાના મોટા વાહનોે અને અનેક આકર્ષણોએ રંગ જમાવ્યો હતો. કેમ્પ હનુમાનજી દાદાની આ ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરેથી નીકળી શાહીબાગથી સુભાષબ્રીજ, આશ્રમરોડ, ડિલાઇટ, પાલડી થઇ બપોરે વાસણા વાયુદેવતાજીના મંદિરે પહોંચી હતી. જયાં કેમ્પ હનુમાનજી દાદાએ તેમના પિતા વાયુદેવતાજીને પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા. જયાં માતા અંજનીજી, પિતા વાયુદેવતાજીના મંદિરમાં ભવ્ય આરતી પણ ઉતારવામાં આવી હતી. બાદમાં વાસણા સ્થિત વાયુદેવતાજી મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ હતું. ત્યારબાદ દાદાની શોભાયાત્રા વાસણાથી અંજિલ ચાર રસ્તા, ધરણીધર, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા, જૂના વાડજ થઇ શ્રી કેમ્પ હનુમાનજી નિજ મંદિરે પરત ફરી હતી.
યાત્રામાં જોડાનાર હજારો શ્રધ્ધાળુ ભકતો અને નગરજનો માટે ૨૫૦૦ કિલો બુંદી, ૨૦ હજાર કેળા, ૫૦૦ કિલો ચણા અને ૨૦૦ કિલો ચોકલેટનો પ્રસાદ પણ વિતરણ કરાયો હતો. સમગ્ર ભારત દેશમાં હનુમાનજીની આ પ્રકારની યાત્રાની ઉજવણી કયાંય કરવામાં આવતી નથી. કેમ્પ હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા પંદર વર્ષોથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવે છે. શોભાયાત્રાનો ઉદ્દેશ એ છે કે, હનુમાનજી દાદા પોતાના જન્મદિન નિમિતે પિતા વાયુદેવતાને પ્રણામ કરવા અને આશીર્વાદ લેવા વાસણા સ્થિત વાયુદેવતાના મંદિરે પધારે છે. હવે આવતીકાલે ચૈત્ર સુદ પૂનમે તા.૧૯મી એપ્રિલે હનુમાનજયંતિના દિવસે શ્રી કેમ્પ હનુમાનજી મંદિર ખાતે દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. દાદાને આવતીકાલે વિશેષરૂપે ૫૦૦ કિલો દૂધના હલવાનો પ્રસાદ ધરાવાશે ત્યારબાદ આવિન રઘુવંશી અને ત્રિવીન રઘુવંશીની વ્યાસપીઠે સવારે ૭.૦૦થી ૯.૦૦ દરમ્યાન સુંદરકાંડનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાદાને નવી ધજા પણ ચઢાવવામાં આવશે. આવતીકાલે દાદાના વિશેષ સાજ-શણગાર કરાશે અને ભવ્ય મહાઆરતી પણ ઉતારાશે.

Related posts

કાસકી વાગાના લોકો ગંદકીથી ત્રાહિમામ

editor

ઈડીએ અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી

editor

રાજ્યમાં 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને હવે થશે આટલો દંડ, વાંચો સમગ્ર માહિતી

editor

Leave a Comment

UA-96247877-1