Aapnu Gujarat
બ્લોગ

ભાજપનું મિશન ૨૬ અશક્ય નહીં પણ મુશ્કેલ જરૂર

બીજેપી ગુજરાતમાં ફરી મિશન ૨૬ સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે પણ શું ખરેખર બીજેપી ફરી ૨૬ બેઠકો ગુજરાતમાં જીતી શકે છે? શું ખરેખર મોદી લહેર ગુજરાતમાં ફરી જોવા મળશે કે પછી ગુજરાતમા પણ ચહેરા બદલવા પડશે? લોકસભા ચૂંટણી આવતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે અને જે બેઠકો પર ભાજપને નુકસાન થઇ શકે એવું છે ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. આવી બેઠકો જીતવા ભાજપે ખરીદ વેચાણ શરુ કર્યું છે અને તેના જ ભાગરૂપે ભાજપે આશા પટેલને પક્ષ પલટો કરાવડાવ્યો છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ ભાજપે હવે સૌરાષ્ટ્ર તરફ મીટ માંડી છે અને કોંગ્રેસી કેટલાક નેતાઓને ખરીદવા પ્રયાસ ચાલુ કર્યા છે. કારણકે રાજ્યના કુલ ૧૫ જીલ્લાઓ એવા છે જેમાં ભાજપને ગત વિધાનસભામાં માત્ર આઠ જ સીટ મળી હતી. આથી આ તમામ જીલ્લામાં ભાજપને કવાયત કરી યોજનાઓ જાહેર કરવી પડે છે અથવા તો જોડતોડ કરવી પડે છે.ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને મોદી લહેરનો ફાયદો મળતા ભાજપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ જીતી લીધી હતી ત્યારે ભાજપે આ વખતે તમામ ૨૬ લોકસભા સીટ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવું જરૂરી છે. નહિ તો દસેક સીટ પર નુકશાન જવાની શક્યતા છે. આ બેઠકો એવી છે જેમાં કોળી પાટીદાર કે આદિવાસી વોટર નિર્ણય હોય છે. ગત વખત ભાજપ માટે જેવું વાતાવરણ હતુ તેવું વાતાવરણ આ ચૂંટણી દરમિયાન નથી. એટલે જ ભાજપને રાજ્યની એકપણ સીટ ગુમાવવી પોસાય તેમ નથી. ભાજપે અલગ અલગ મોરચે કોંગ્રેસને નબળી કરવાની શરૂઆત કરી દીધી છેજેના ભાગરૂપે જ પીએમ નરેન્દ્ર મોદીએ પાટીદારોના બંને કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન કર્યું હતું. કડવા અને લેઉવા પાટીદાર સમાજને રીઝવવા માટે મોદીએ પ્રયાસ કર્યો હતો. તો ઉત્તર ગુજરાતમાં ભાજપ પાસે અનેક દિગ્ગજ કહી શકાય એવા નેતા છે. જેમાં નીતિન પટેલ, જીવાભાઈ પટેલ તો હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશા પટેલ પણ છે ત્યારે ભાજપે મહેસાણા અને તેની આસપાસની સીટ સિક્યોર કરી લીધી છે અને હજી કેટલીક વિધાનસભા સીટમાં જાતિગત સમીકરણ સેટ કરી તેના માટે પણ પ્રભારી ઓમ માથુર દ્વારા પ્રયાસ તેજ કરી દેવામાં આવ્યા છે. આ માટે જ પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનાં મનામણાં ચાલી રહ્યા છે.રાજ્યના એવા જિલ્લાની વાત કરીએ જ્યાં અત્યારે પણ ભાજપ નબળી છે. તો મોરબી, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. અહીં ભાજપનો સફાયો થઇ ગયો હતો જ્યારે કે સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, બોટાદ, પાટણ, મહીસાગર અને છોટા ઉદેપુર એમ આઠ જિલ્લા એવા છે જેમાં ભાજપને માત્ર વિધાનસભા એક જ સીટ મળી છે. આ ૧૫ જિલ્લા રાજ્યની ૧૦ લોકસભા સીટને અસર કરે છે જ્યાં ભાજપને મજબુત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ઘણા વિસ્તાર એવા છે જેમાં ભાજપના ધારાસભ્યને યેન કેન પ્રકારે તોડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. કોંગ્રેસે તો એવો પણ આક્ષેપ લગાવી દીધો છે કે ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનો પક્ષ મજબુત કરવા માટે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરી દીધું છે.ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાટીદાર સમાજને રીઝવવા માટે મોદીએ અન્નપુર્ણા ધામના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કારણકે ખોડલધામના ટ્રસ્ટીઓ એક તરફ એવું કહી રહ્યા છે કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. પરંતુ ભાજપના કહ્યામાં પણ નથી અને એટલે જ અન્નપુર્ણા ધામના માધ્યમથી લેઉવા પાટીદાર સમાજને મનાવવા કવાયત ચાલી રહી છે. કારણકે જો ભાજપને સૌરાષ્ટ્રમાં જીતવું હોય તો લેઉવા પાટીદારને સાચવવા જરૂરી બને. પરંતુ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થતાં ભાજપને આ વખતે જો ૨૬ સીટ જીતવી હોય તો સૌરાષ્ટ્ર કબજે કરવું જરૂરી બની રહેશે.બીજેપી દાવો કરી રહી છે કે, ૨૦૧૪ કરતા પણ વધુ બહુમતીથી ૨૦૧૯ ચૂંટણીમા મોદી ફરી એકવાર પીએમ બનશે અને ગુજરાતના ઇતિહાસમા જે જોવા મળ્યું હતું કે, લોકસભાની ૨૬ બેઠકો કોઈ એક પાર્ટીને મળી હોય તે ઇતિહાસ મોદી ગુજરાતમાં ફરી રિપીટ કરશે. શું ખરેખર ૨૦૧૪નો ઇતિહાસ ગુજરાતમાં રિપીટ થઈ રહ્યો છે? સવાલનો જવાબ જાણીશું પણ પહેલા સાંભળો દેશની હાલની પરિસ્થિતિને લઈ પીએમ મોદી ખુદ કેટલા આશ્વસ્ત છે. પણ વર્તમાન પરિસ્થિતિ મુજબ અત્યાર સુધી બીજેપી ૨૬ માથી ૨૨ બેઠકો સરળતાથી જીતી રહી છે. માત્ર ચાર બેઠકો હાલની પરિસ્થિતિ મુજબ બીજેપી માટે નબળી છે. આ બેઠકો પર બીજેપીને વધુ મહેનત કરવાની જરૂર છે.
બેઠક-૧ : આણંદ
બીજેપી સુત્રો મુજબ આણંદ પર વર્ષોથી કોંગ્રેસનો કબજો રહ્યો છે, ને ૨૦૧૪ની મોદી લહેરમા બીજેપીને અહી સીટ મળી હતી ને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમા ફરી કોંગ્રેસે આણંદ બેઠક પર કબજો જમાવ્યો. જેથી આણંદ પર કબજો મેળવવો બીજેપી માટે સરળ નથી.
બેઠક-૨ : અમરેલી
અમરેલીમાં પણ ૨૦૧૭ના પરીણામો કંઈક એવું જ દર્શાવે છે કે વિરોધી પક્ષ નેતા પરેશ ધાનાણી અને અમરેલી પર થયેલા કોંગ્રેસના કબજાના કારણે તેને જીતવી સરળ નથી. તો સાથે જ બીજેપીમા આંતરિક જૂથવાદ પણ અમરેલીમાં વધુ છે, જેના કારણે અમરેલી બેઠક પર બીજેપીને વધુ મહેનતની જરૂર છે. સાથે જ વર્તમાન વર્તુળો બતાવી રહ્યા છે કે, હાર્દિક પટેલ અમરેલીથી ચુંટણી લડે તો કોંગ્રેસના ટેકાથી હાર્દિક સાંસદ પણ બની શકે છે અને તેની તૈયારીના ભાગરૂપે હાર્દિકનું ચૂંટણીના મેદાનમા આવવાનું એલાન અને અમરેલીમા વધુ ફરવું એ ઈશારો પણ બીજેપીને આપે છે.
બેઠક-૩ : જુનાગઢ
જુનાગઢ બેઠકમાં પણ ૨૦૧૭ના પરિણામોની અસરના કારણે બીજેપી માટે જીત હાંસિલ કરવી સરળ નથી. યુવા સાંસદ તરીકે ૨૦૧૪માં રાજેશ ચુડાસમાએ જીત તો મેળવી હતી, પણ ફરી ટીકીટ મળવા બાદ પણ ચુડાસમાને ફરી સાંસદ બનાવવા માટે એક મોદી લહેરની જરૂર છે.
બેઠક-૪ : પાટણ
પાટણ બેઠક પર ભલે બીજેપીનો કબજો હોય પણ પાટણ બેઠક પણ વિધાનસભાના પરિણામોને ધ્યાનમા રાખી બીજેપી માટે નબળી બેઠક ગણાઈ રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પાટણ બેઠક પરથી સાંસદ બનવા માટે મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ સુત્રો મુજબ બીજેપીની નબળી બેઠકો પરથી કોંગ્રેસના મજબૂત ઉમેદવારને ટિકીટ અપાશે. જેથી તે બેઠકો પર વિધાનસભાની જેમ લોકસભામાં પણ કબજો મેળવી શકાય.
આણંદ, જુનાગઢ, અમરેલી અને પાટણ આ ચાર બેઠકો ને બાદ કરીએ તો બીજેપી ગુજરાતમાં ૨૨ બેઠકો પર ફરી કબજો સરળતાથી મેળવી શકે છે. પણ આ ચાર બેઠકો પર મોદી મેજીક કામ કરી ગયું તો ૧૦% આર્થિક અનામતના નિર્ણય બાદ આ ચાર બેઠકો પણ મેળવી શકાય છે. આ તો વાત હતી નબળી બેઠકોની પણ, બીજેપી સૂત્રોની માનીએ તો ગુજરાતમાં પણ સાંસદોની ટિકીટ કપાશે. કારણકે પીએમ મોદીએ નમો એપના માધ્યમથી દેશભરમાં પોતાના સાંસદોનો રિપોર્ટ કાર્ડ માંગ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ થશે અને સાંસદોનું ફરી સાંસદ બનવું મુશ્કેલ બનશે.સંભવિત ટીકિટ કપાનાર સાંસદોના લિસ્ટમાં સૌથી પહેલુ નામ અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનું છે. બીજેપી સુત્ર મુજબ પરેશ રાવલ આ વખતે અમદાવાદની જગ્યાએ મુંબઈથી લોકસભા ચૂંટણી લડી શકે છે. પણ પરેશ રાવલનો નેગેટીવ રિપોર્ટ પણ બીજેપી પાસે પહોંચ્યો છે. એ મુજબ પરેશ રાવલે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમા કેન્દ્રની એકપણ યોજનાઓનો પ્રચાર પોતાના મત વિસ્તારમાં કર્યો નથી. તેમજ પરેશ રાવલ પોતાના મત વિસ્તારમા પણ ઓછું ફર્યા છે, જેથી તેમની ટિકીટ કાપવી પાર્ટી માટે જરૂરી પણ છે.
અન્ય બેઠકો પર સાંસદો માટે તૈયાર કરાયેલો રિપોર્ટ કાર્ડ જોતા બીજેપી ભાવનગર-બોટાદ સાંસદ ભારતીબેન શિયાળ, મહેસાણા જયશ્રીબેન પટેલ, વડોદરા રંજન ભટ્ટ, સુરત દર્શના જરદોસની ટિકીટ કામગીરીના આધારે કાપી શકે છે.
અન્ય કેટલાક સાંસદોની ઉંમર અને બીજેપીની ૭૫ વર્ષની વય મર્યાદાવાળા નિયમને ધ્યાનમાં રાખી ટિકીટ કપાઈ શકે છે. જેમાં ગાંધીનગર સાંસદ લાલકૃષ્ણ આડવાની અને પાટણ લીલાધર વાઘેલાનો સમાવેશ છે.નાદુરસ્ત તબિયતને જોતા પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની પણ ટિકીટ કપાઈ શકે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપે. દિલ્હીમાં યોજાયેલી સ્ક્રિનીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ ન આપવા સુચન કરાયું હતું. ત્યારે હાઈકમાન્ડે નવા ચેહરાઓને સ્થાન આપવાની ટકોર કરી હતી. પક્ષના કોઈ એક હોદ્દા પર રહેલા અથવા મહિલા યુવા ઉમેદવારોને સ્થાન આપવાનો નિર્ણય લેવાયો હતો. લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવા ભલામણ કરવામાં આવી હતી. જેથી મતદારોને આકર્ષી અને ભાજપના કબજામાં રહેલી તમામ ૨૬ બેઠકોમાંથી મહત્તમ બેઠકો ઝૂંટવી શકાય.મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ૨૬માંથી ૨૬ સીટની જીતનું લક્ષ્ય ધરાવે છે. પરંતુ આ વખતે ચઢાણ કપરું છે. એ વાતથી પણ ભાજપ અને કોંગ્રેસ વાકેફ છે. ભાજપ તરફથી વાત કરવામાં આવે તો ગત લોકસભા ચૂંટણી દરમિયાન મોદી વેવમાં ભાજપના આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચૂંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે. એટલે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત બની રહી છે. જેનો ખ્યાલ કોંગ્રેસને પણ છે. જેથી કોંગ્રેસની દિલ્હી ઉચ્ચ કમિટિએ આ નિર્ણય લીધો હોઈ શકે. કારણ કે લોકસભાની સીટની અને ભાજપની સરકારમાં મંત્રીના પદની લાલચમાં કોંગ્રેસના ૩થી વધુ ધારાસભ્યો તૂટી ચૂક્યા છે. જો હવે કોંગ્રેસ પોતાના કોઈ ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપે તો તેની ખાલી બેઠક કોંગ્રેસ ગુમાવી પણ શકે છે.જેવી હાલત વિધાનસભા બેઠકની છે તેવી જ રાજ્યસભાની છે. લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી ધારાસભ્યો તૂટી શકે છે. અને ભાજપના પણ ધારાસભ્યો કોંગ્રેસમાં આવી શકે છે. આવુ દર વખતે કોંગ્રેસ અને ભાજપમાં ભાગતૂટ સર્જાતી હોઈ છે. પરંતુ જો વિધાનસભાના ધારાસભ્યો તૂટશે તો તેની સૌથી મોટી અસર રાજ્યસભાની બેઠકને થઈ શકે છે. રાજ્યસભામાં મતદાન વખતે ધારાસભ્યોની સંખ્યા મહત્વનું પાસુ છે. જો હાલના રાજ્યસભાના કોઈ સાંસદને કોંગ્રેસ ટિકિટ આપે તો તેની ખાલી બેઠક પર કોંગ્રેસને ફરી જીત મેળવવી પડશે.કોંગ્રેસની ઉચ્ચ કમિટીએ તો સ્પષ્ટ પણે ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવાનું ના કહી દીધું છે. ત્યારે જો કોઈ ધારાસભ્યએ લોકસભામાં પહોંચવું હોઈ તો ભાજપમાંથી ટિકિટ મેળવવી પડશે અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવવી પડશે. મહત્વનું છે કે પ્રત્યેક ધારાસભ્ય પોતાની પ્રગતી ઈચ્છતો હોઈ છે. એક ધારાસભ્યમાંથી સાંસદ સભ્ય બનવું કોને પસંદ ન આવે.
ત્યારે આ વખતે કોંગ્રેસે તો પોતાના ધારાસભ્યોની આ ઈચ્છાને દબાવી દીધી છે. જેની પાછળ કોંગ્રેસની પણ કેટલીક મજબૂરી છે.

Related posts

અનિલ માધવ દવે : મંત્રી જેઓ પર્યાવરણને સમજતા હતા

aapnugujarat

ભારતમાં આત્મહત્યા કરવા પાછળ સૌથી મોટું કારણ લગ્ન બાદ પારિવારિક સમસ્યાઓ

aapnugujarat

मुसीबत में है, व्हाट्साप

editor

Leave a Comment

UA-96247877-1